Thursday, September 14, 2017

ખોડાની રસી કેમ નથી શોધાઇ?

-પરાગ દવે

ત્રણ કોલેજકન્યાઓ પોતાની શારીરિક સમસ્યાઓ વિશે વાત કરી રહી હતી. 
એકે કહ્યું, મારી કિડનીમાં ત્રણ પથરી છે.
બીજી બોલી, મને બ્રેઇન ટ્યૂમર છે.
ત્રીજીએ કહ્યું, મારા માથામાં ખોડો (ડેન્ડ્રફ) છે...આ સાંભળતાં જ પેલી બંને ચિંતિત થઇને લગભગ રડવા લાગી અને ખોડો મટાડવા વિશે તેને અડધા કલાક સુધી જાત-જાતની સલાહ આપી...
આ કલ્પના અતિશયોક્તિભરી જરૂર છે, સાવ ખોટી નથી. પથરી અને બ્રેઇન ટ્યૂમરનો ઇલાજ શક્ય છે, જોકે, ખોડો મટાડવો એ લોઢાના ચણા ચાવવા કરતાં પણ મુશ્કેલ છે. કરિના કપૂર જેવી કરિના કપૂર પણ વર્ષોથી સ્પેશિયલ શેમ્પૂનો ઉપયોગ કરે છે, પણ હજી ઉપયોગ ચાલુ જ છે એટલે ખોડો મટ્યો નથી એમ જ કહેવાય. કેટલાકે તો ખોડાની જાહેરાતો જોયા પછી એ પ્રોડક્ટ વાપરવાના બદલે બ્લેક શર્ટ પહેરવાનું જ બંધ કરી દીધું છે, જે વધારે સસ્તું પડે. કેટલીક છોકરીઓ પ્રદૂષણથી બચવા માટે એક્ટિવા ચલાવતી વખતે માથે દુપટ્ટા બાંધતી હોવાનો દેખાડો કરે છે પણ હકિકતે તો તેઓ પોતાની પાછળ વાહન ચલાવી રહેલા લોકોને પોતાના ખોડાથી બચાવે છે. જો તેઓ માથું દુપટ્ટાથી બાંધ્યા વગર પાંચ મીનિટ પણ વાહન ચલાવે તો પાછળ વાહન ચલાવી રહેલા લોકોના ચહેરા ખોડાથી ભરાઇ જાય. કેટલાક માટે તો વળી ખોડો ઉપયોગી પણ છે. સતત એક કલાક સુધી તમારી સામે બેઠાં-બેઠાં તેઓ માથું ખંજવાળતા હોય અને એમનાં માથાંમાં ફરી રહેલી જૂ આપણને દેખાતી હોય અને આપણે એટલું જ બોલીએ કે, “જૂ બહુ જિદ્દી હોય છે...” તો તરત જ તેઓ લુચ્ચું હસીને એમ કહીને વાત ઉડાવી દે કે, “મને તો ખોડો છે...”!
માનવીએ અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને પોલિયો કે શીતળાને નાબૂદ કરવા માટે પ્રશંસનીય જહેમત ઉઠાવી છે, પણ ખોડાનું નામ પડે ત્યારે ભલભલા વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોના મસ્તક શરમથી ઝૂકી જાય છે અને એ ઝૂકતાં જ થોડો ખોડો ખરે છે. હમણાં એક બહેન પિડિયાટ્રિશિયન પાસે ગયા અને પોતાની ત્રણ વર્ષની બેબીને ખોડાની રસી મૂકી આપવા વિનંતી કરી ત્યારથી એ પિડિયાટ્રિશિયને બોર્ડ મારી દીધું છે કે “અમે કોઇ રસી મૂકતા નથી.” ભવિષ્યમાં જન્મનારા બાળકોને ખોડાની પણ રસી મળતી થાય એ દિશામાં એમણે સત્વરે વિચાર કરવો જોઇએ એવી મારી લાગણી છે. વૈજ્ઞાનિકોએ હવે ખોડાના બદલે આળસ ખંખેરીને રસી (ભલે એ વાઇરલ ડિસિઝ નથી તો પણ) શોધવી જોઇએ.
પણ ખોડો પોતે જ સાવ લો-પ્રોફાઇલ રહ્યો છે અને એને પ્રસિદ્ધિની કે પોતાનો ખૌફ ફેલાવવાની ભૂખ નથી. તમે ગમે એટલા બેસણાંમાં ગયા હોવ પણ ક્યારેય “શું થયું હતું?”ના જવાબમાં મરનારના સગાંને એમ કહેતાં સાંભળ્યાં કે, “ખોડો થયો હતો...”? આ સાવ નિર્દોષ રોગ છે. આમ તો એને રોગ ગણાય કે કેમ એ પણ ચર્ચાનો વિષય છે પણ જે પ્રકારે શેમ્પૂ બનાવનારા ખોડાની પાછળ પડી ગયાં છે એ જોતાં તો ક્યારેક એમ જ લાગે છે કે ખોડો વિશ્વની એકમાત્ર સમસ્યા છે. કેન્સર સામેનો જંગ જીતનારાં વીરલાઓની ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ આવે છે પણ ખોડા સામે જીતનારાનું સન્માન કેમ નથી થતું. કોઇ જ્યોતિષીએ પણ હજી સુધી કોઇ જાતકની કુંડળીમાં કેવા ગ્રહયોગથી  ખોડો થવાની સંભાવના છે તેનું વિશ્લેષણ નથી કર્યું, જે ખોડાની ગંભાર અવગણના છે.
જો ખોડાનું વ્યાપારીકરણ વધે (એને મટાડવાની એડવર્ટાઇઝમેન્ટ સિવાય) અને તેમાંથી કંઇક ઉત્પાદન શરૂ થાય તો હું બહુ ઝડપથી કરોડપતિ બની શકું એમ છું. કંઇ નહીં તો ખસખસની જગ્યાએ ખોડાનો ઉપયોગ શરૂ થવા જોઇએ એવી પણ મારી લાગણી ખરી. શિયાળામાં તો ભારતના કુલ ખોડા ઉત્પાદનમાં હું એક-બે ટકાનું યોગદાન આપી શકું એ પ્રકારે ખોડો મારા પર હેત વરસાવે છે. મારા માથાંમાં થતાં ખોડાની ફોતરીને જો હું એક લાઇનમાં ગોઠવું તો પૃથ્વીના ચાર-પાંચ આંટા લઇ શકાય એટલી લંબાઇ થઇ શકે એવું મને લાગે છે.
સૌથી મોટો ફાયદો એ છે કે મારું હેલ્મેટ કોઇ ક્યારેય ઉછીનું લઇ જતું નથી...

Thursday, September 7, 2017

“અમે હિન્દી ફિલ્મોના અંતને ગોડાઉનમાંથી દરિયા વચ્ચે લાવ્યાં...”

-પરાગ દવે
“અમે એક ફિલ્મની સ્ક્રિપ્ટ અને રોલ સમજાવવા માટે નિરુપા રોયજીને મળવા ગયા હતા. અમે કંઇ બોલીએ એ પહેલાં જ તેમણે અમને પૂછી લીધું કે ફિલ્મમાં મારા પતિ ખોવાઇ જશે કે બાળકો? એટલે અમે કહ્યું કે આ એવી ચીલાચાલુ ફિલ્મ નથી, આમાં તો તમારા પતિ ગુજરી ગયા હશે અને પછી બાળકો ખોવાઇ જશે....” કાલે રાત્રે સપનામાં અચાનક જ ૧૯૭૦ અને ૧૯૮૦ના કેટલાક નિર્માતા અને દિગ્દર્શકો આવ્યાં હતા અને તેમણે મને વચન આપ્યું છે કે તેઓ નિયમિત રીતે મને તેમના સમયની ફિલ્મોની ‘એક્સ્લુઝિવ’ માહિતીઓ આપશે. પ્રથમ રાત્રે તેમણે મને બોલિવુડના માતા નિરુપા રોયની અજાણી વાતો કરી હતી એ એમનાં જ શબ્દોમાં... 
અમે બહુ પ્રયોગશીલ હતાં. અમારું સદ્‌ભાગ્ય એ હતું કે અમને એવા જ પ્રયોગશીલ કલાકારો પણ મળ્યાં હતા. જેમ કે નિરુપા રોય...ભારતીય ફિલ્મોના એ અમર માતા છે. તેઓ કાયમ કંઇક નવી વિશેષતા ઉમેરતાં રહેતાં. એક ફિલ્મમાં તેમના દીકરા (ફિલ્મનો હીરો)ને ભેટીને તેઓ રડે છે એવો એક સિન હતો. આમ તો એ ફિલ્મમાં તેઓ રડે તેવા ઘણા સિન હતા અને એ પૈકીનો આ એક હતો. એ સિન તેમણે કર્યો અને રડી લીધું પછી મારી પાસે આવ્યાં અને કહ્યું, “જોયું ને, આ સિન મેં સાવ અલગ રીત કર્યો.” સાચું કહું તો હું કંઇ સમજ્યો જ નહીં. હું ફિલ્મનો ડાયરેક્ટર હતો પણ નિરુપાજીના રુદનના સિનમાં મારે ક્યારેય કંઇ જોવું પડતું નહીં એટલે તેઓ જ્યારે હીરોને ભેટીને રડવાનો સિન શૂટ કરતા ત્યારે હું ફિલ્મની હીરોઇનને તેના સિન બહુ કાળજીપૂર્વક સમજાવવામાં સમય પસાર કરતો. 
પણ મેં નિરુપાજીને અત્યંત ખુશી સાથે કહ્યું, “તમે કાયમ કંઇક નવું કરો છો તો આ સિનમાં પણ કર્યું જ હશે એ મને ખાતરી છે.”
તેઓ ખૂબ રાજી થયાં અને કહ્યું કે, “ગઇ ફિલ્મમાં દીકરા સામે રડવાનો સિન હતો તેમાં મેં ડાબા હાથેથી સાડીનો છેડો પકડીને આંસુ લૂછ્યાં હતા પણ આ ફિલ્મમાં કંઇક નવું કરવા માટે મેં જમણા હાથેથી સાડીનો છેડો પકડ્યો હતો....” ખરેખર, હવે તો આવા કર્મનિષ્ઠ કલાકારો મળવા જ મુશ્કેલ છે.
એક ફિલ્મમાં તો અમે કંઇક નવો ક્લાઇમેક્સ લાવવા ઇચ્છતાં હતા. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂરું થઇ ગયું હતું. અમે બે-ત્રણ શક્યતાઓ ચકાસી રહ્યા હતા પણ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહેલા કલાકારે જીદ કરી કે હીરોની માતા અને બહેનને તો હું બાંધીને લઇ જ જઇશ. જોકે, અમે તો પ્રયોગશીલ હતા એટલે છેવટે અમે નવું એ લાવ્યાં કે વિલન હીરોના પરિવારના લોકોને મધદરિયે શિપમાં બાંધી દે છે. હા, આ પહેલી વખત વિચારનારા અમે જ હતાં. તમે જોયું હશે કે ત્યાર પહેલાંની ફિલ્મોમાં હીરોના પરિવારની સ્ત્રીઓને કોઇ ભોંયરા કે ગોડાઉનમાં જ કેદ કરવામાં આવતી હતી. અમે ફિલ્મોના અંતને ગોડાઉનમાંથી દરિયા સુધી લઇ ગયા...
પણ મધદરિયે પણ જ્યારે વિલને હીરો પર ગોળી છોડી ત્યારે નિરુપાજી વચ્ચે આવી ગયા. અમે રિટેક કરવાનું કહીને તેમને સમજાવ્યાં કે તમારે ખાલી ઊભા ઊભા હીરોને ગોળી વાગે એ જોવાનું જ છે અને પછી તમારા ચહેરા પર કેમેરા આવે ત્યારે રડવાનું છે. પણ બીજા બે ટેકમાં પણ તેઓ દોડીને વચ્ચે આવી જ જતા હતા. અમે તેમને કહ્યું કે સ્ક્રિપ્ટ મુજબ હીરોએ ગોળી ખાવાની છે. તો તેમણે કહ્યું કે ગઇ ફિલ્મમાં પણ તેણે જ ગોળી ખાધી હતી તો આ ફિલ્મમાં મને ગોળી વાગે તો દર્શકોને એકદમ અનપેક્ષિત અંત લાગશે. અમે એ પ્રયોગ કર્યો અને એ સંપૂર્ણ સફળ રહ્યો એ તમે સૌ જાણો જ છો. તેઓ હિન્દી સિનેમાના એકમાત્ર એવા એક્ટ્રેસ હતા જે પોતાના પર્સમાં લિપસ્ટીકના બદલે ગ્લિસરિન જ રાખતાં...હવે તો એવા કલાકારો જ ક્યાં પાકે છે?
નિરુપાજી પોતાના પાત્રોમાં ઓતપ્રોત થઇ જતાં. તેમણે લગભગ ૨૭૫ જેટલી ફિલ્મો કરી છે એટલે સ્વાભાવિક રીતે એક સાથે ૪-૫ ફિલ્મોમાં એક સમયે કામ કરતા જ હશે. તેઓ ઘરે જઇને પણ પોતાના પાત્ર સાથે જ જોડાયેલાં રહેતાં. અમે સાંભળેલો એક કિસ્સો બહુ મજેદાર છે. એમના સંતાનોએ એક રાત્રે ઘરે વાત કરી કે, “મમ્મી, કાલે કોલેજની ફી ભરવાનો છેલ્લો દિવસ છે.” તેઓ તો અત્યંત ધનાઢ્ય હતા પરંતુ જેમ વેલ વૃક્ષને વળગે એમ એમના પાત્ર નિરુપાજીની સાથે જ હતા. સંતાનોની કોલેજની ફીની વાત સાંભળીને તેઓ ગળગળાં થઇને બોલ્યાં, “કાશ, તુમ્હારે પિતાજી આજ હોતે..” હજી વાક્ય પૂરું થાય એ પહેલાં તો તેમના શ્રીમાન દોડીને આવ્યાં અને રાડ પાડી , “હું અહીં જ છું...જાગી જા, જાગી જા...”. આવા કર્મઠ કલાકારો હવે ક્યાં મળે છે? અમે તો બધાં બહુ પ્રયોગશીલ હતા...
તેઓ મારા પ્રત્યે બહુ સ્નેહ રાખતાં. એનું મુખ્ય કારણ એ છે કે મારા પહેલાં જેટલાં ડાયરેક્ટરો સાથે તેમણે કામ કર્યું હતું તેમણે તેમને માત્ર ડૂસકાં ભરવાનાં જ રોલ આપ્યાં હતા, જ્યારે મેં મારી પ્રથમ ફિલ્મમાં જ એમની પાસે પોક મૂકાવી હતી. હું પહેલેથી જ બહુ પ્રયોગશીલ હતો...

Monday, September 4, 2017

હોર્ન વગાડવાથી રોડ પરના ખાડાં બૂરાઇ જાય?


-પરાગ દવે

થોડાં દિવસ પર હું મારા એક વડિલ મિત્રને લઇને કોઇ કામે જતો હતો. કારમાં હજી તો અડધોએક કિલોમીટર અંતર કાપ્યું હશે ત્યાં એ અચાનક બોલ્યાં હોર્ન વગાડો!” 
હું ચમક્યો.
 મેં કહ્યું કેમ?”
તો કહે બસ એમ જ.
એમ જ થોડું હોર્ન વગાડાય?”
અરે મજા આવેહોર્ન વગાડો...
એમાં શું મજા આવે?” મેં થોડાં અણગમાના ભાવ સાથે પૂછ્યું પછી તેઓ થોડી વાર ચૂપ થઇ ગયાં. ગાડી હાઇ-વે પર ચાલતી હોવાથી હોર્ન વગાડવાની કોઇ જરૂરિયાત નહોતી પણ પેલા મિત્રે પાંચેક મિનિટ પછી ફરી કહ્યું, “તમારી ગાડીનું હોર્ન કેવું છે એ તો સંભળાવો..
મેં તેમની સામે પણ જોયું નહીં અને આ લપ પૂરી કરવા એક વખત ધીમેથી હોર્ન વગાડ્યું.
આવું હોર્ન ના ચાલે. આ બદલાવીને નવું બહુ મોટા અવાજવાળું હોર્ન આવ્યું છે તે લગાવી દો” તેમણે મને વણમાંગી સલાહ આપતા કહ્યું.
પણ આ હોર્નમાં શું ખામી છે?” મેં પૂછ્યું.
પેલું નવું હોર્ન આવ્યું છે તેનો અવાજ એટલો મોટો છે કે એક કિલોમીટર દૂરનું વાહન સાઇડમાં ખસી જાય
તમે રેલ્વેમાં ડ્રાઇવર હતા?”  
પછી એ સાવ ચૂપ થઇ ગયા. મેં બીજી કેટલીક વાત કરવાનો પ્રયત્ન કર્યો તો પણ સરખી રીતે વાત ના કરી. છેવટે ગાડીમાંથી ઉતરતી વખતે તે એટલું બોલ્યાં કે, “મોટું હોર્ન હોય અને વારંવાર વગાડતા રહીએ તો મજા આવે. એનાથી ગાડીની સ્પીડ પણ વધે...
મને પહેલેથી જ ઘોંઘાટ પસંદ નથી. મન ફાવે ત્યારે હું ગીતો ગાવા લાગું છું અને કેટલાકને જો એ ઘોંઘાટ લાગે તો એ એમનો પ્રશ્ન છેકેમ કે મારા માટે તો એ સંગીતની સાધના જ હોય છે. પણ કારણ વગર વાહનોના હોર્ન વગાડવાનો તો હું ભારે વિરોધી છું. ઘણા મહત્ત્વના કામની જેમ હોર્ન વગાડવાનું પણ હું બને ત્યાં સુધી મુલતવી રાખતો હોઉં છું. મારી આગળ વાહન ચલાવી રહેલી વ્યક્તિ પણ કોઇ મુકામે પહોંચવા માટે જ વાહન પર સવાર થઇ હોય છે તે ગુપ્ત રહસ્ય મને ખબર હોય છે પરંતુ મારી પાછળ વાહન ચલાવતા લોકો કેટલીક વખત એવું માનતા હોવાનું લાગે છે કે બીજા વાહનચાલકોને ઘરે કંઇ કામ નહોતું એટલે રોડ પર વાહન ચાલુ રાખીને ઊભા રહ્યા છે. મને હજી સુધી એ નથી સમજાયું કે ચાર રસ્તે સિગ્નલ ખૂલે એ સાથે જ હોર્ન વાગવાના પણ કેમ ચાલુ થઇ જતાં હશેસિગ્નલની લાલ-લીલી લાઇટો અને વાહનોના હોર્ન આધારકાર્ડથી લિન્ક થયા હોય તો જ આવો અદ્‌ભૂત યોગાનુયોગ સર્જાઇ શકે.
જેમ પેલા વડીલ એમ માને છે કે હોર્ન વગાડવાથી વાહનની સ્પીડ વધે છે એમ કેટલાક તરુણો અને યુવાનો એમ માનતા હોય છે કે હોર્ન વગાડવાથી કન્યા રીઝે. રોડની કિનારીએ ચાલતી જતી એક કન્યાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા એક છોકરાએ ટ્રેઇનની વ્હિસલ જેવો અવાજ કરતું હોર્ન વગાડ્યું. કન્યા તો આવા કેટલાય હોર્નથી ટેવાયેલી હશે એટલે એણે તો એ તરફ લક્ષ ના આપ્યુંપણ દૂર ઊભેલી એક ભેંસ એ અવાજથી ચમકીને સીધી રોડ તરફ દોડી અને આ હોર્ન બજાવનારા કલાકારને જ અડફેટે લીધો. હવે એ છોકરાએ પોતાના મોટરસાઇકલના હેન્ડલ પર સાઇકલની ટોકરી બાંધી દીધી છે...
આપણે ભલે હોર્ન વગાડ વગાડ કરતા લોકો તરફ સદ્‌ભાવ ના ધરાવતા હોઇએપરંતુ આમ જુઓ તો એ પ્રકારે હોર્ન વગાડવું બધા માટે શક્ય નથી હોતું. કેટલીક વખત તો મને એમ લાગે છે કે એમણે ઘણા જ પ્રયત્નો કરીને પોતાના અસંપ્રજ્ઞ મનને સતત હોર્ન વગાડતા રહેવા માટે કેળવ્યું હશે. એ લોકો મનથી રાજા હોય છે. અસલના જમાનામાં રાજા માર્ગ પર નિકળે ત્યારે છડી પોકારવામાં આવતી. હાલના સમયમાં આપણાં હોર્ન-રાજા નિકળે ત્યારે આવી સાહ્યબી ઉપલબ્ધ નહીં હોવાથી તેમણે જાતે જ પોતાના આગમનની જાણ કરવી પડે છે તેથી ઉનાળાની બળબળતી બપોરે સાવ ખાલી માર્ગ પર તેઓ વાહન લઇને નિકળે તો પણ સતત હોર્ન વગાડીને પોતાની ઉપસ્થિતિથી બધાને વાકેફ કરવાની જહેમત ઉઠાવતા રહે છે. 
અને કેટલાક તો એમ માને છે કે હોર્ન વગાડવાથી રોડ પર રહેલો ખાડો બૂરાઇ જાય છે!
સીએનજી રિક્ષા આવી તે પહેલાં મોટાભાગની રિક્ષાના ભોંપું હોર્ન હતા, જે તેના ચાલકો બહુ ભાવથી વગાડતાં રહેતાં. જોકે, સીએનજી રિક્ષા આવ્યાં પછી રિક્ષાચાલકોએ હોર્ન વગાડવાનું જ માંડી વાળ્યું છે અને વાહન ચલાવવામાં હોર્ન તો શું, સાઇડ આપવાની કે બ્રેક મારવાની પણ જરૂર નથી એમ તેઓ સાબિત કરીને રહેશે એવું લાગે છે. કેરોસિનથી થતું હવાનું પ્રદૂષણ અટકાવવાની સાથોસાથ હોર્નથી થતું ધ્વનિ પ્રદૂષણ પણ તેમણે અટકાવ્યું છે. ટ્રક ચાલકો પણ "Horn Ok Please"ની જગવિખ્યાત લાઇન ચીતરાવીને અન્યોને હોર્ન વગાડવાની પ્રેરણા આપે છે પરંતુ તેઓ બહુ હોર્ન નથી વગાડતા. કેટલાક કલારસિક ડ્રાઇવરો જો કે લાંબા લાંબા રાગના હોર્ન રાખે છે. (મહારાષ્ટ્ર સરકારે તો ધ્વનિ પ્રદૂષણને મહત્ત્વ આપતા "Horn Ok Please" આર્ટ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે.)
રિક્ષાના હોર્ન ભલે અટક્યાં હોય પણ બીજા ઘણા ચાલુ થયા છે. ઘણી વખત મોડી રાત્રે આપણે ફિલ્મ જોઇને કે પછી એમ જ ક્યાંક ફરીને આવ્યાં છીએ એ આખી સોસાયટીને ત્યારે જ ખબર પડે જો આપણે સોસાયટીનો ગેટ ખોલાવવા માટે મોટેથી વારંવાર હોર્ન વગાડીએ. ઘણાં લોકો ઓફિસે જતી વખતે હોર્ન વગાડીને પત્નીને "ટાટા" કરતા હોય છે (મોટાભાગે પોતાની જ પત્નીને...હું હંમેશા બધા માટે સારો અભિપ્રાય જ આપું છું એ જોયું ને...). કેટલાક તો ઓફિસથી આવે ત્યારે સ્કુટર પાર્ક કરતા પહેલાં હોર્ન વગાડીને ઘરે પોતાના આગમનની જાણ કરી દેતા હોય છે. પાનના ગલ્લે રોજ 1857નું "ચેતક" લઇને આવતા મિત્રો ક્યારેક કો'કની કારમાં આવ્યા હોય તો કાર ગલ્લાની સામે રાખીને નીચે ઉતર્યાં વગર જ સતત હોર્ન વગાડીને મસાલો મંગાવતા હોય છે. તો વળી કેટલાય એવા પણ છે કે રસ્તામાં ભગવાનનું મંદિર આવે તો માથું ભલે ના ઝૂકાવે, પણ હોર્ન વગાડ્યાં વગર આગળ ના જાય.
જોકે, એક વાત નક્કી છે કે રોડ પરના ગાય અને શ્વાન, તમારા હોર્નથી જરાય ઇમ્પ્રેસ થતાં નથી...


Saturday, August 19, 2017

બધા વ્હોટ્સએપ કોન્ટેક્ટને આ મેસેજ મોકશો તો નાસા ચંદ્ર પર ફ્રી પ્લોટ આપશે!

-પરાગ દવે

“આ મેસેજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને મોકલ્યો છે. અમેરિકામાં બરફના તોફાન વખતે ભારતે મીઠું મોકલીને બરફ ઓગાળવામાં મદદ કરી હતી તેથી હું ચીન સામેના યુદ્ધમાં ભારતને ટેકો આપું છું. આ મેસેજ જો એક લાખ વખત વ્હોટ્સએપ ફોરવર્ડ થશે તો હું ભારતને એક અત્યાધુનિક ફાઇટર પ્લેન ભેટમાં આપીશ. દર એક લાખ મેસેજ ફોરવર્ડ થવા પર એક-એક વિમાન આપીશ. મહેરબાની કરીને આ મેસેજ ફોરવર્ડ કરો. તમારા એક મેસેજથી દેશને ઘણો લાભ થશે.”
“NASAએ ચંદ્ર અને મંગળ પર પૃથ્વીવાસીઓને ફ્રીમાં પ્લોટ આપવાનું ચાલુ કર્યું છે. ભારતની જે વ્યક્તિ આ મેસેજને તેના ફોનમાં સેવ તમામ કોન્ટેક્ટને ફોરવર્ડ કરશે તેને ઓટોમેટિક પ્લોટ મળશે. NASAએ તમે મેસેજ મોકલો છો કે નહીં એ ચેક કરવા માટે વોટ્સએપ સાથે હાથ મિલાવ્યા છે. તમે તમારા બધા કોન્ટેક્ટને આ મેસેજ મોકલશો પછી બે દિવસમાં તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર NASA પ્લોટ એલોટમેન્ટનો લેટર મોકલશે.”
ઉપરના બંને મેસેજ સાવ ખોટ્ટા છે અને મેં જાતે બનાવ્યા છે. ‘નવરા બેઠાં નખ્ખોદ વાળે’ કહેવત જેણે પણ બનાવી હશે તેણે વોટ્સએપને ધ્યાનમાં રાખીને જ બનાવી હશે એવું લાગે છે. વ્હોટ્સએપના ડાયરેક્ટરે ત્રણ વર્ષ પહેલાં ભારતમાં ફરતા એક મેસેજમાં કહ્યું હતું કે હવે તેમના સર્વરમાં માત્ર ૩૦૦ નવા નંબર એડ કરવાની જ ક્ષમતા છે અને જે નંબર એક્ટિવ નહીં હોય તેમના વ્હોટ્સએપ બંધ કરી દેવામાં આવશે પણ હજી સુધી કોઇના એકાઉન્ટ બંધ થયાનું સાંભળ્યું નથી. લોકો બિચારા ૨૦-૨૦ વખત તેમના ફોનના બધા કોન્ટેક્ટ્સને વ્હોટ્સએપના મેસેજ મોકલી ચૂક્યા છે પણ તેમના પ્રોફાઇલમાં બ્લ્યુ કલર આવ્યો નથી. ૧૦૦૧ વખત ઓમ લખેલો મેસેજ ૧૦૦ જણાને મોકલ્યા પછી કેટલાયને ડેટા ખૂટી ગયાના મેસેજ આવ્યા છે પણ કોઇ સારા સમાચાર આવ્યા નથી. રાત્રે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ભયંકર ઊલ્કાપાત થવાનો હોવાથી રાત્રે મોબાઇલ દૂર રાખવાની સલાહ રોજેરોજ નાસા અને બીબીસીના સંદર્ભથી આપણાં સ્નેહી મોકલે છે પરંતુ હજી સુધીમાં ક્યારેય મોબાઇલ પર ઊલ્કા ખાબકી નથી. ૧૦ મિત્રોને મેસેજ મોકલવાથી રૂ. ૨૦૦નું રિચાર્જ મેળશે એમ માનીને કેટલાયે મેસેજ મોકલી-મોકલીને તેમના મિત્રો ગુમાવી દીધા છે પણ રિચાર્જ આવ્યું નથી. જે છોકરો કાલુપુર રેલ્વે સ્ટેશને ગુમ થયો હતો તે આજે કોલેજમાં જવા માંડ્યો છે પણ તે ખોવાયો હોવાના મેસેજ હજી પણ તેના ફોટો સાથે ફરી રહ્યા છે. કોલ્ડ્રીંક પીધા પછી ચ્યુંઇગ-ગમ ખાવાથી સાઇનાઇડ કેવી રીતે બની જાય તે મોટામાં મોટા વૈજ્ઞાનિકોને પણ સમજાતું નથી પણ આપણાં મોબાઇલ પર દર ત્રીજા દિવસે કોઇક આવો મેસેજ મોકલી દે છે. 
આપણે સૌએ અનેક વખત સાંભળ્યું અને અનુભવ્યું છે કે કોઇ વાત એક વ્યક્તિને કરી હોય અને ધીમે ધીમે કર્ણોપકર્ણ તે અન્ય લોકોને ખબર પડે ત્યાં સુધીમાં તે સમૂળગી બદલાઇ ગઇ હોય છે...તો પણ આપણાં પૈકીના ઘણાં આંખો મીંચીને વોટ્સએપમાં આવતા સંદેશાઓનો વિશ્વાસ કરી લે છે. ગમે તેવી મનઘડંત વાતોને ‘ન્યૂઝ’ના નામે વોટ્સએપ ગ્રૂપમાં મોકલવામાં આવે છે અને જે રીતે વાઇરલ કરવામાં આવે છે તેના પરિણામોથી આ મેસેજ મોકલનારા ખરેખર અજાણ જ હોય છે. તેઓ સારા હેતુ સાથે કોઇને સલાહ આપવાના ઉદ્દેશ્યથી મેસેજ મોકલે છે પરંતુ વેરિફિકેશનનો અભાવ હોવાથી તે માહિતી ઉપયોગી થવાના બદલે છેવટે ગેરમાર્ગે દોરનારી સાબિત થાય છે. સામાજિક સંપર્ક માટે બનેલા ‘સોશિયલ મીડિયા’માં દરેક વ્યક્તિ જાતે જ ‘રિપોર્ટર’ બની જાય છે અને પછી શું થાય છે એ જુઓ...
૧) મહારાષ્ટ્રના ધૂળેમાં એક ગેંગસ્ટરને હરિફ ગેંગના માણસોએ વહેલી સવારે નિર્દયતાથી રહેંસી નાંખ્યો એનો વિડિયો વાઇરલ થયો. અમદાવાદમાં એ મેસેજ ‘મણીનગરમાં ધોળા દિવસે હત્યા’ના મથાળા સાથે વોટ્સએપમાં ફરતો થયો. ફોરવર્ડ કરનારી એક પણ વ્યક્તિએ ખરેખર એ વિડિયો આપણાં અમદાવાદનો છે કે નહીં તે ચેક કરવાની દરકાર સુધ્ધાં ના લીધી અને બસ, મોકલતા જ રહ્યા. (એ વિડિયો વિચલિત કરી દેનારો છે એટલે પહેલો પ્રશ્ન તો એ થાય છે કે આવા હત્યાના વિડિયો ફોરવર્ડ કરવામાં કોઇને શું મળતું હશે? આપણાં ફોનમાં કોઇપણ મેસેજ કે વિડિયો આવે એટલે એ ફોરવર્ડ કરવો જ એવી આપણી ફરજ છે?)
૨) દર મહિને તમારા ફોનમાં એ મતલબનો મેસેજ આવતો જ હશે કે “ફલાણી કોલ્ડ્રીંક કંપનીમાં કામ કરતા કર્મચારીને એઇડ્સ હતો અને તેણે કોલ્ડ્રીંકમાં તેનું લોહી ભેળવી દીધું છે તો અમુક નિશ્ચિત સમય સુધી જે-તે ઠંડુ પીણું પીવાથી દૂર રહેજો. દિલ્હી પોલિસ અને ફલાણી ન્યૂઝ ચેનલે આ ચેતવણી આપી છે...” (ઘોર જુઠાણા સમાન આવા મેસેજ લોકો ફોરવર્ડ પણ કરે છે અને એટલે એમને એટલી સામાન્ય સમજ નથી જ હોતી કે ખોરાકના માધ્યમથી એઇડ્સ ક્યારેય ફેલાતો નથી, તે લોહીના સંસર્ગથી ફેલાતો રોગ છે.)
૩) આમળાં અને સફરજનના રસથી હ્રદયની ૧૦૦ ટકા બ્લોક આર્ટરીઝ ખૂલી જાય છે એવા મેસેજ ફોરવર્ડ કરનારા બીજી જ મિનિટે એવો મેસેજ પણ મોકલે છે કે ફલાણી હોસ્પિટલમાં રૂ. ૫,૦૦૦માં નવા પ્રકારની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. (હકિકતમાં તે વિડિયો કોન્સેપ્ટ ટેક્નોલોજી છે અને મુંબઇની જે હોસ્પિટલનું નામ વ્હોટ્સએપ મેસેજમાં ફરે છે તેણે સત્તાવાર રીતે ઓપરેશનનો ભાવ અને આ પદ્ધતિનો ઇનકાર કર્યો છે. હ્રદયરોગથી પીડિત સ્વજનની સારવાર માટે દોડાદોડી કરતા લોકોને આ પ્રકારના ખોટા મેસેજ ખરેખર મુશ્કેલીમાં મૂકી શકે છે એ જાત અનુભવ છે.)
વધુ મઝા તો એ મેસેજમાં આવે છે કે જેમાં નીચે ખાસ લખેલું હોય છે “માર્કેટમેં નયા હે”. વાંચનારી વ્યક્તિને ખબર નહીં પડતી હોય કે તે જે મેસેજ વાંચે છે એ નયા હૈ કે જૂના હૈ?
આ પ્રકારના અગણિત ઉદાહરણો છે પણ હું અહીં અટકી જાઉં છું... પણ દેશના ૫૦ કરોડ ફિચર ફોન ધારકો પણ સ્માર્ટફોનનો ઉપયોગ ચાલુ કરવા જઇ રહ્યા છે ત્યારે ડિજિટલ ક્રાંતિના આનંદ સાથે આ પ્રકારના મેસેજનું નવેસરથી આક્રમણ થવાની ચિંતા પણ સતાવે છે...

Thursday, August 17, 2017

મહિને રૂ. ૯૦,૦૦૦ કમાતા પારસીને સબસિડાઇઝ્ડ મકાન મળી શકે!-પરાગ દવે

આખા દેશમાં માત્ર ૫૭,૦૦૦ની વસ્તી હોવા છતાં પારસીઓએ ક્યારેય ભારતમાં પોતે ભયથી કાંપતા હોવાનું કહ્યું નથી. આજે દેશમાં સૌથી નાની લઘુમતિ એવા પારસીઓનું નવું વર્ષ મનાવાઇ રહ્યું છે ત્યારે દેશની વસ્તીમાં લઘુત્તમ અને વિકાસમાં મહત્તમ પ્રદાન આપનારા પારસીઓની ખાસિયતો અને દેશમાં તેમનું યોગદાન જાણવું રસપ્રદ રહેશે. પારસીઓ એટલા સફળ છે કે આપણને એમ થાય કે આવતા જન્મે ભગવાન પારસી બનાવે તો સારું...
લગભગ ૧,૨૦૦ વર્ષ પહેલાં આરબોએ પર્શિયા જીતી લીધું ત્યારે પોતાની ઝોરાસ્ટ્રિયન આસ્થાને ધાર્મિક આક્રમણથી બચાવવા માટે પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા અને ત્યારથી ઉદવાડા ખાતે પારસીઓનો પવિત્ર અગ્નિ આ સાવ નોખી પ્રજાની આસ્થાનું કેન્દ્ર છે. સમય વિતતા પર્શિયનનું ગુજરાતી પારસી થઇ ગયું.  પારસીઓએ ગુજરાતમાં પ્રવેશ વખતે દૂધમાં સાકરની જેમ ભળી જવાનું વચન આપ્યું હતું. અનોખા પારસીઓ માટે ભારતભરમાં આદરભાવ છે તેનું કારણ એ છે કે તેમણે પોતાનું એ વચન પાળી બતાવ્યું છે અને તમામ ક્ષેત્રોમાં પારસીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ અને ‘ગુણવંતી ગુજરાત’ જેવા કાવ્યો પણ પારસી કવિ અરદેશર ખબરદારની કલમે રચાયા છે. 
૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં પારસીઓની સંખ્યા ૬૯,૬૦૧ હતી તે ૨૦૧૧માં ઘટીને ૫૭,૨૬૪ થઇ ગઇ હતી. પારસીઓની વસ્તી વધારવા માટે અભિયાન ચાલી રહ્યું છે પરંતુ મૃત્યુદરને સમકક્ષ જન્મદર લાવતા જ એક દાયકો લાગે તેવી સંભાવના છે. ૧૦માંથી એક સ્ત્રી અને પાંચે એક પુરુષ ૫૦ વર્ષની ઉંમર સુધી અવિવાહિત રહે છે. દર નવ પારસી કુટુંબે માત્ર એક કુટુંબમાં ૧૦ વર્ષથી ઓછી ઉંમરનું બાળક છે એવું અભ્યાસમાં જાણવા મળ્યું છે. ૨૦૧૩ના વર્ષમાં કુલ ૭૩૫ પારસીના મૃત્યુ સામે માત્ર ૧૭૪ નવા પારસી બાળકો જન્મ્યા હતા અને આ જન્મ સંખ્યા ૨૦૧૨ કરતાં લગભગ ૧૩.૫૦ ટકા ઓછી હતી. દરેક વસ્તી ગણતરીમાં ભારતની વસ્તીમાં સરેરાશ ૨૧ ટકા વૃદ્ધિ સામે પારસીઓની જનસંખ્યા લગભગ ૧૨ ટકા જેટલી ઘટતી રહી છે. પારસીઓમાં આંતર્લગ્નનું પ્રમાણ ૩૮ ટકા છે અને તેમાં વધારો થઇ રહ્યો છે. પારસીઓની વસ્તી ચિંતાજનક રીતે ઘટી ગઇ છે ત્યારે એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઇએ કે જો પિતા પારસી હોય તો જ બાળકને પારસી ગણવામાં આવે છે (ફારુખ શેખ અને ફરહાન અખ્તર એ બંનેના કિસ્સામાં માતા પારસી અને પિતા મુસ્લિમ હતા). પારસી સમાજની બહાર લગ્ન કરનારી સ્ત્રીના સંતાનોને પારસી ગણવામાં આવતા નથી અને તેને કેટલીક મહિલાઓ અને નિષ્ણાતો ભેદભાવપૂર્ણ પરંપરા ગણે છે. પારસીઓમાં પિતરાઇઓ વચ્ચે લગ્ન સામાન્ય બાબત છે પરંતુ તેના કારણે સ્વાભાવિક રીતે આનુવંશિક રોગોનો પણ ભય છે. 
અત્યંત સમૃદ્ધ પારસીઓના ટ્રસ્ટના ભંડોળનું સંચાલન કરતી બોમ્બે પારસી પંચાયતે ૨૦૧૨માં ‘ગરીબ’ પારસીઓ માટે સબસિડાઇઝ્ડ હાઉસિંગની લાયકાત નક્કી કરી હતી તે મુજબ પ્રતિ માસ ~૯૦,૦૦૦થી ઓછી આવક ધરાવતા કુટુંબને રાહત દરે મકાન મળી શકે છે! 
પ્રથમ ભારતીય ફિલ્ડ માર્શલ અને ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના દાંત ખાટાં કરી દેનારા સામ માણેકશા એવા પારસી હતા કે જેણે સમગ્ર હિન્દુસ્તાનને ગૌરવાન્વિત કરી દીધું! સામ માણેકશા જ નહીં, ભારતની કુલ વસ્તીના ૦.૦૦૬ ટકા પારસીઓએ દેશના સર્વોત્તમ ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ, કલાકારો આપ્યાં છે. ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સના સર્વોચ્ચ હોદ્દાઓ પર વીર પારસીઓ પોતાની છાપ છોડી ગયા છે.
સર કોવસજી જેહાંગીર રેડીમની ૧૯મી સદીમાં વિખ્યાત બિઝનેસમેન હતા અને મુંબઇના પ્રથમ ઇન્કમટેક્સ કમિશનર તરીકે તેમણે ભારતમાં આ નવી કરવેરા પદ્ધતિ સફળ બનાવી હતી. ટાટા પરિવારથી લઇને વાડિયા, ગોદરેજ અને પાલોન્જી મિસ્ત્રીએ ઉદ્યોગજગતમાં પારસીઓના ધ્વજને ઊંચો ફરકતો રાખ્યો છે. ૧૬૨ વર્ષ અગાઉ બ્રિટનમાં પ્રથમ ભારતીય વેપાર સાહસ કરનારા ગુજરાતી પારસી શેઠ કમાજીવાલા હતા. સુરતના નવરોઝજી રુસ્તમજી ઇસ.૧૭૨૩માં કાયદાકીય કામ માટે બ્રિટન ગયા હતા અને બ્રિટન જનારા તેઓ પ્રથમ ભારતીય ગણાય છે. ફ્રેની જીનવાલા દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાના સાથીદાર હતા અને સાત વર્ષ સુધી દક્ષિણ આફ્રિકાની સંસદના સ્પિકર રહ્યા હતા. 
ક્રિકેટ વિશ્વમાં ફારુક એન્જિનિયર, નરિ કોન્ટ્રાક્ટર, પોલી ઉમરીગરના નામ આદરથી લેવાય છે તો ફિલ્મ ક્ષેત્રે પારસીઓનો ડંકો વાગતો રહ્યો છે. ૪૦’ અને ૫૦’ના દાયકામાં ઐતિહાસિક ફિલ્મો દ્વારા બોલિવુડ પર રાજ કરનારા એક્ટર-પ્રોડ્યુસર સોહરાબ મોદીએ ફિલ્મ ક્ષેત્રે સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવ્યો હતો. જ્હોન અબ્રાહમ, બોમન ઇરાની અને ફરહાન અખ્તરે પણ પોતાનો આગવો વિશાળ ચાહકવર્ગ ઊભો કર્યો છે. યુટીવીના સ્થાપક અને સીઇઓ રોની સ્ક્રુવાલા, કોરિયોગ્રાફર શિઆમક દાવર, સંગીતકાર વી બલસારાએ પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. હોમાઇ વ્યારાવાલા ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર હતા.

Wednesday, August 2, 2017

ગુજરાત પોલિટિકલ સ્ટાર્ટ-અપ્સ: ‘ભાગે એ ભડ ટુર ઓપરેટર્સ’થી લઇને ‘ઇન્સ્ટન્ટ ખેસ પ્રોવાઇડર્સ’


-પરાગ દવે
ગુજરાતીઓ NASAથી લઇને નારણપુરાના લેટેસ્ટ સમાચારોથી વાકેફ હોય છે અને બિહારમાં નીતિશ કુમારને બહુમતિ માટે કેટલા ધારાસભ્યોનો ટેકો જોઇએ એ આંકડો એમની જીભે હોય છે. પણ...અત્યાર સુધી ગુજરાતીઓને રાજ્યસભાની ચૂંટણીનું ગણિત સમજાયું નહોતું.. (મનેય નહોતું સમજાયું અને તમે પણ ઘણાં હોંશિયાર હોવા છતાં તમને પણ આ એકડા-બગડાના ગણિતની નહોતી ખબર એ પ્રામાણિકતાથી સ્વીકારી લો...) અને આવું તો કઇ રીતે ચલાવી લેવાય? ગુજરાતની પ્રજાનું જનરલ નોલેજ હંમેશા સૌથી સારું રહે તેની ચિંતા આપણા લોકપ્રતિનિધિઓ હંમેશા કરતા આવ્યા છે. આથી જ ભારે વરસાદના જિલ્લાવાર આંકડા યાદ રાખવા મથી રહેલા ગુજરાતીઓને રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા અને મતનું ગણિત સમજાવવા માટે રાજકીય પક્ષોએ જે જહેમત ઉઠાવી છે એ બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.
ગુજરાત કોંગ્રેસના (મૂળ ભાજપના) કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને ‘રામ રામ’ કર્યાં ત્યાંથી લઇને ૪૪ ધારાસભ્યો બેંગલુરુ પહોંચ્યા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બનાસકાંઠામાં મિની સચિવાલય ઊભું કરી દીધું તે ઘટનાક્રમ આપણે બધા જાણીએ છીએ. પરંતુ આ આપત્તિમાં કેટલાક નવા સ્ટાર્ટ-અપ્સ માટે અવસર છૂપાયેલો છે અને ઉદ્યોગસાહસિક ગુજરાતીઓ રાજકારણમાં સેવા આપીને મેવા ખાવાની તક ટૂંક સમયમાં ઝડપી લેશે. વિધાનસભા ચૂંટણી સુધીમાં રાજ્યમાં કેટલાક નવા પોલિટિકલ સ્ટાર્ટ-અપ આવી શકે છે, જેની ‘એક્સક્લુઝિવ’ માહિતી જે-તે કંપનીના (કાલ્પનિક) પ્રમોટરોના શબ્દોમાં જ અહીં આપવામાં આવી છે..
૧) ઇન્સ્ટન્ટ ખેસ પ્રોવાઇડર્સ: ચૂંટણી સુધીમાં સ્થિતિ એ સર્જાશે કે માથાંમાં કેશ નહીં હોય કે ખિસ્સામાં ‘કેશ’ નહીં હોય તો ચાલશે, પરંતુ ગળામાં ખેસ તો જોઇશે જ. અમારી કંપની પાસે જાત-ભાતના તમામ પ્રકારના ખેસ ઊપલબ્ધ છે. ગ્રામ પંચાયતથી લઇને ગાંધીનગર સુધી ગમે ત્યાં તમારે વિરોધી પક્ષના નેતાને તાત્કાલિક (એમનો વિચાર બદલાય એ પહેલાં) તમારા પક્ષનો ખેસ પહેરાવવો હોય તો માત્ર એક મિસકોલ કરો. અમારા પહેરાવેલા ખેસ કોઇ કાઢી શકતું નથી કારણ કે અમે તેમાં વિશિષ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે, જે ખેસને ચામડી સાથે જડી દે છે..
૨) ભાગે એ ભડ પોલિટિકલ ટુર ઓપરેટર: શું આપના ધારાસભ્યને જોખમ છે? શું આપને આપના ધારાસભ્યથી જોખમ છે? તાત્કાલિક અમારો સંપર્ક કરો. સમય આવ્યે ભાગી ના શકે તો એ એમએલએ કેવા? ભારતના ઇતિહાસમાં પહેલી વખત અમે ‘એમએલએ સ્પેશિયલ ટુર પેકેજ’ લઇને આવ્યાં છીએ. આપના પક્ષના ધારાસભ્યને તેમના ઘરેથી ખેંચી લાવીને તમે નક્કી કરેલા સ્થાને લઇ આવવાની જવાબદારી અમારી રહેશે. સંજોગોવશાત જો કોઇ ધારાસભ્યને અમે ના પહોંચાડી શકીએ તો તેમનો ફોટો અમને આપવાનો રહેશે અને અમે વચન આપીએ છીએ કે તેના આધારે ૨૪ કલાકમાં તેમના ડુપ્લિકેટને પણ તમારા સુધી પહોંચાડી દઇશું. અમારા પેકેજમાં ધારાસભ્યના મોબાઇલ ફોન આંચકી લઇને તે ખોવાઇ ના જાય તે રીતે સાચવીને રાખવાની પણ ગેરન્ટી છે. રિસોર્ટમાં ધારાસભ્યોને લઇ જવાથી પૂર પીડિતો દેકારો મચાવે છે તે ટ્રેક રેકોર્ડ જોતાં અમે કેટલાક પહાડોમાં ધારાસભ્યોને છૂપાવવા માટે આલિશાન ગુફઓ બનાવી છે, પરંતુ તે પેકેજ ઘણું મોંઘું હોવાથી આપના પક્ષની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લઇને પેકેજની પસંદગી કરવા વિનંતી. ‘એમએલએ સ્પેશિયલ ટુર’ પૂરેપૂરું પેમેન્ટ મળી ગયા બાદ જ ઉપાડવામાં આવશે, કારણ કે ટુરથી પરત આવ્યા બાદ કોણે કયો ખેસ પહેરી લીધો હશે તે ધ્યાન રાખવાનું અમારું ગજું નથી.
૩) પોલિટિકલ મેથ્સ એકેડેમી: તમે બહુ સારા નેતા છો અને પ્રજામાં થોડાં પ્રિય પણ છો, પરંતુ રાષ્ટ્રપતિ કે રાજ્યસભાની ચૂંટણી વખતે તમે મોં છૂપાવીને ફરો છો? તમે રાજ્યસભામાં ફોર્મ ભર્યું છે પરંતુ કેટલા મત મળશે તો જીતી જશો એ નથી જાણતા? ૩૧ ટકા મત દ્વારા કેન્દ્રમાં પૂર્ણ બહુમતિ ધરાવતી સરકાર કેવી રીતે બનાવવી એ તમે હજુ સુધી નથી સમજી શકયાં? મતોના સોદાગર નેતાઓની સામે પોતાને વામણા માનીને લઘુતાગ્રંથિથી આપ પીડાઇ રહ્યા છો? જો હા, તો તાત્કાલિક અમારો સંપર્ક કરો. અમારા નિષ્ણાતો તમને પોલિટિકલ મેથ્સનું ટ્યૂશન આપવા તત્પર છે. માત્ર છ મહિનાના કોર્સમાં તમે આ બધા ગણિત સમજતાં થઇ જશો. (આ તમારી વિધાનસભા નથી તેથી ટ્યૂશન એકેડેમીમાં ફરજિયાત હાજરી જરૂરી છે. ઉપરાંત, આ મેથ્સ સમજવા જતાં તમે અત્યાર સુધીની તમારી યાદદાસ્ત ગુમાવી બેસો તો એકેડેમીની કોઇ જવાબદારી રહેશે નહીં)
૪) વાહિયાત વોટ્સએપ ફોરવર્ડર્સ: તમે પાંચ વર્ષ સુધી પ્રજાનું કોઇ કામ નથી કર્યું? કાર્યકરોને તતડાવ્યાં છે એથી તેઓ તમારો પ્રચાર કરવા રાજી નથી? તમારા મતદારોને તમારો ચહેરો પણ યાદ નથી? ચિંતા ના કરો. તમને ચિંતામુક્ત કરવા આવી ગયું છે ‘વાહિયાત વોટ્સએપ ફોરવર્ડર્સ’. અમે તમારા નામે વોટ્સએપમાં એવી એવી સિદ્ધિઓ ફોરવર્ડ કરી દઇશું, જેને તમારા પરિવારના લોકો પણ નહીં સ્વીકારી શકે. પણ વોટ્સએપના વાચકો ભાવ પૂર્વક માની લેશે અને ફોરવર્ડ પણ કરશે. તમારા મતક્ષેત્રના તમામ મતદારોને મૂર્ખ બનાવવાની એક તક અમને આપો અને તમે માત્ર અમને પેમેન્ટ કરો.

Tuesday, August 1, 2017

ત્રણ પત્તાની રમત કેમ સૌથી શ્રેષ્ઠ છે???


-પરાગ દવે

અત્યાર સુધીમાં સેંકડો ફિલ્મોમાં કે વાર્તાઓમાં તમે હીરોને હીરોઇનને કહેતો સાંભળ્યો હશે કે, પ્રિયે, તું કહે તો તારા માટે ચાંદ-તારા તોડી લાવું (સાવ ફેંકમફેંક છે એ આપણે જાણીએ છીએ). પણ ફેંકવામાં પણ ક્યારેય કોઇ પ્રેમીએ એની પ્રેમિકાને કહ્યું હોય કે, “તું કહે તો તીનપત્તીની બધી બાજીમાં ત્રણ એક્કા લઇ આવું”, એવું સાંભળ્યું?
શ્રાવણ માસમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવારોમાં બહુ રમાતી તીનપત્તી શક્યતાઓની રમત છે અને વિદ્વાનો તો સદીઓથી કહેતા આવ્યાં છે કે તીનપત્તી સમાજના ભેદભાવ દૂર કરનારી રમત છે. અમીર-ગરીબ બધા તેનો લુત્ફ ઉઠાવે છે. અન્ય રમતો સાથે સરખામણી કરતાં તમે સરળતાથી સમજી શકશો કે કઇ રીતે તીનપત્તી શ્રેષ્ઠ છે. ગોલ્ફ તો સમૃદ્ધ લોકો જ રમી શકે છે પરંતુ તીનપત્તી રમવા માટે માત્ર બાવન પત્તા, થોડાં રૂપિયા અને હૈયામાં ભરપૂર જીગરની જ જરૂર છે. વળી, ક્રિકેટ, ટેનિસ, બોક્સિંગ, બેડમિન્ટન, ફુટબોલ સહિતની રમતોમાં ફિક્સીંગનું ભૂત ધૂણે છે પરંતુ આજ દિન સુધી પત્તામાં ફિક્સીંગનો આક્ષેપ નથી થયો...આ મેચ કરસનભાઇ જ જીતશે એવી શરતો કોઇ લગાવી શકતું નથી અને એ અનિશ્ચિતતા જ આ રમતની બ્યૂટી છે. તીનપત્તીની રમત લોકપ્રિય થવાનું એક કારણ તેની ઝડપી ગતિ પણ છે. એક મિનિટથી ઓછા સમયમાં પણ મેચ પૂરી થઇ હોવાના દાખલા મળી આવે છે.
આ રમત સંપૂર્ણ અહિંસક છે. તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય કે તીનપત્તી રમતાં રમતાં પત્તું વાગવાથી કોઇ ખેલાડીને ફ્રેક્ચર થઇ ગયું કે પછી પત્તું ખોલવા જતાં કોઇ ખેલાડીના સ્નાયું ખેંચાઇ જતાં સ્ટ્રેચરમાં નાંખીને સ્ટેડિયમ (રૂમ)ની બહાર લઇ જવો પડ્યો હોય. ક્યારેય એવું પણ નથી સાંભળ્યું કે દિનેશભાઇ બંધ કરવા જતાં હતા ત્યારે જ ધીરજભાઇએ ધીરજ ગુમાવીને તેમના પત્તાં ઝૂંટવીને પૈસા ઉતરવાનું ચાલુ કરી દીધું... વળી, સ્થળ, કાળ અને ખેલાડીઓની સંખ્યાનો લોપ કરનારી આ રમત છે. તીનપત્તીના મેદાનોના મેઇન્ટેનન્સ પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવો પડતો નથી અને તેના પ્રમોશન માટે પણ કોઇ બજેટ ફાળવવું પડતું નથી. માત્ર માઉથ પબ્લિસિટી દ્વારા અનેક ખેલાડીઓ નિશ્ચિત સ્થળે નિશ્ચિત સમયે પહોંચી જાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બીજી બધી રમતોમાં ઘોંઘાટ ફેલાતો હોય છે અને ખેલાડીઓ હાકલા-પડકારા કરતાં હોય છે તો દર્શકો પણ પોતાની મનગમતી ટીમ કે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કાગારોળ મચાવતા હોય છે, પણ તીનપત્તીના ખેલાડીઓ શાંતિ, અને સાવ મૌન નહીં તોય, ધીમા અવાજે બોલવાનું જ પસંદ કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં ખાસ કહેવાય છે કે જો કોઇના ઘરની બહાર ૧૨-૧૫ જોડી ચપ્પલ પડ્યાં હોય પણ તેમ છતાં ઘરમાંથી કોઇ પ્રકારના હો-હાના અવાજો ના આવતા હોય તો તે ઘરમાં તીનપત્તીનો ભવ્ય કાર્યક્રમ જ ચાલતો હશે.
માનવીય મૂલ્યોની જાળવણીની દ્રષ્ટિએ પણ આ રમત ઘણી ઉપયોગી છે. બીજી બધી રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરીને જીતનારાં ખેલાડીઓમાં અહંકાર ઉત્પન્ન થાય છે, જ્યારે તીનપત્તીમાં જીતનારા ખેલાડીમાં ભારોભાર નમ્રતા જોવા મળે છે. બીજા બધા ખેલાડીઓને ખબર હોય કે કરસનભાઇ આજે ૫,૦૦૦ રૂપિયા જીત્યાં છે, પરંતુ કરસનભાઇ તો નમ્રતાથી એમ જ કહેતાં હોય કે ૪,૦૦૦ તો હું લઇને જ આવ્યો હતો એટલે ૧,૦૦૦ જ જીત્યો છું, ખરેખર તો બાબુભાઇ જ જીત્યા છે. જેન્ડર ઇક્વાલિટી માટે સરકારે આટલા પ્રયત્નો કર્યાં હોવા છતાં ક્રિકેટ કે ફુટબોલમાં સ્ત્રી-પુરુષ ટીમો સાથે રમતી હોવાનું બહુ જોવા મળતું નથી, પરંતુ તીનપત્તીમાં સંપૂર્ણપણે જેન્ડર ઇક્વાલિટી જોવા મળે છે. અન્ય રમતોમાં પારંગત બનવા માટે હજારો રૂપિયા ખર્ચીને કોચિંગ લેવું પડે છે, જ્યારે તીનપત્તી એક એવી રમત છે કે ખાસ કોઇ કોચિંગ વગર જ ખેલાડી પારંગત બની જાય છે અને એ કઇ રીતે થાય છે એ તો ઉત્ક્રાંતિવાદના જનક ચાર્લ્સ ડાર્વિનને પણ સમજાયું નહોતું. ભાષા સમૃદ્ધિમાં પણ આ રમતે યોગદાન આપ્યું છે, જે બીજી રમતો નથી આપી શકી. ક્યારેય કોઇએ એવી કહેવત નથી સાંભળી કે ‘રનઆઉટ થયેલો બમણું દોડે’, પણ સૌને એ ખબર છે કે ‘હાર્યો જુગારી બમણું રમે’. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તીનપત્તી વ્યક્તિને પોતાના જીવન અને પરિવારને જ મહત્ત્વ આપવાની આડકતરી પ્રેરણા આપે છે. ત્રણ પત્તા હાથમાં આવી ગયા બાદ ખેલાડીને પોતાના ત્રણ પત્તા કયાં છે એમાં જ રસ હોય છે અને બાકીના ૪૯ પત્તા વિશે તે ઉપેક્ષા સેવે છે. એ ત્રણ પત્તાના આધારે જ તે કર્મ કરે છે અને ફળ ઇશ્વર આધિન છે એમ માને છે.
તીનપત્તીના કારણે વ્યક્તિમાં ઇશ્વર પ્રત્યેની આસ્થા પણ વધતી જોવા મળે છે. તેના અંગે હજુ સુધી કોઇ વૈજ્ઞાનિક પદ્ધતિની સરવે કરવામાં આવ્યો નથી પરંતુ એવું જોવામાં આવ્યું છે કે મંદિરમાં વ્યક્તિ જેટલા ભાવથી ભગવાનને યાદ કરે છે તેના કરતાં વધુ તીવ્રતાથી પોતાની બાજીમાં કયા પત્તાં આવ્યા છે તે જોતી વખતે ભગવાનને યાદ કરે છે.
સોશિયલ મીડિયાના કારણે લોકો એકબીજા સાથે વાતો કરવાના બદલે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ ખોવાયેલા રહે છે એવી સમાજશાસ્ત્રીઓની ફરિયાદનું પણ તીનપત્તીની રમત વખતે નિવારણ થઇ જાય છે. ક્રિકેટ રમતી વખતે ફિલ્ડરો પોતાનું વોટ્સએપ ચેક કરતા હોવાનું અનેક વખત જોયું છે પરંતુ તીનપત્તી રમતી વખતે કોઇ ખેલાડી વોટ્સએપ તો શું, મોબાઇલ તરફ પણ નજર કરતાં નથી. સૌથી મોટું સુખ એ છે કે પોતે તીનપત્તી રમતા હોવાના ફોટો પણ ફેસબુક પર કોઇ મૂકતું નથી...
ભારતમાં સરકારોએ તીનપત્તીને ક્યારેય પ્રોત્સાહન નથી આપ્યું પરંતુ હકિકતમાં ઇકોનોમીને સુધારવામાં પણ તીનપત્તી મહત્ત્વનું યોગદાન આપી શકે છે. બજારમાં ગમે એટલી લિક્વિડિટી ક્રાઇસીસ હોય પરંતુ તીનપત્તીમાં ક્યારેય તેની અસર જોવા મળતી નથી એ જોતાં સરકારને જ્યારે પણ બજારમાં ઓછાં નાણાં ફરે છે એવું લાગે ત્યારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા સ્તરે તીનપત્તી ટુર્નામેન્ટના આયોજન કરવા જોઇએ. બે જ દિવસમાં એટલાં નાણાં ફરવા લાગે કે અર્થતંત્રમાં તેજી આવી જાય.
(અહીં હાસ્ય-વિનોદના હેતુથી આ લેખ લખવામાં આવ્યો છે પરંતુ તીનપત્તીને વર્ષે એક વાર રમાતી રમતના બદલે બારમાસી કરી દેનારાઓ માફીને પાત્ર નથી, કારણ કે તેઓ પોતાની સામાજિક જવાબદારી ભૂલીને જુગાર રમ્યે રાખે છે. વર્ષે એક વખત માત્ર પરિવારના સભ્યો સાથે તીનપત્તી રમવું સૌરાષ્ટ્રમાં સ્વાભાવિક છે, પરંતુ આખું વર્ષ કોઇ પ્રકારની મર્યાદા વગર તીનપત્તી રમનારા લોકોનો તો સામાજિક બહિષ્કાર જ કરવો જોઇએ કારણ કે તે માફ ના કરી શકાય તેવો ગુનો છે. મહાભારતના યુદ્ધના મૂળ કુરુસભામાં યોજાયેલી દ્રૃતક્રિડામાં હતા એ ક્યારેય ના ભૂલવું...)