Saturday, March 14, 2009

ઉદર જ્યારે બિલાડી સામે હસે છે ત્યારે સમજવું કે દર નજીકમાં જ છે!


પરાગ દવે


ગુજરાતીમાં એક પ્રસિદ્ધ વાર્તા છે, જેમાં એક ઉંદર ઘોળેલું અફિણ ચાટી જાય છે અને પછી રંગમાં આવીને હાંકલા-પડકારા કરે છે કે, 'ક્યાં ગ્યા બિલાડા?!!!' અને જ્યારે જ્યારે આ પ્રકારનું કંઇક કમઠાણ થાય છે ત્યારે લોકો કહે છે, 'લાગે છે, ઉદરડો અફિણ પી ગયો છે!' વિશ્વ-સાહિત્યને સમૃદ્ધ કરવામાં કહેવતોનું પ્રદાન અમૂલ્ય છે. શું દરેક કહેવત જે-તે પ્રદેશની સંસ્કૃતિ અને લોકોના મિજાજને આબેહૂબ પ્રગટ કરે છે, જે રીતે વન-લાઇનરો તેના સર્જકના મિજાજને? ઓસ્કાર વાઇલ્ડનું એક તોફાની વિધાન છેઃ ભૂતકાળ વગરની સ્ત્રીને કોઇ ભવિષ્ય નથી!

કહેવતોમાં પ્રકૃતિ છવાઇ જતી હોય છે. શિર્ષકમાં લખેલી કહેવત નાઇજિરિયન છે. આફ્રિકાની અન્ય મજેદાર કહેવતમાં એમ કહેવાયું છે કે વરસાદ ગમે તેટલો પડે, પણ તેનાથી ઝિબ્રાના શરીર પરના પટ્ટા ધોવાઇ જતાં નથી! (ટી.વી, ચેનલો પર સવાર-બપોર-સાંજ અને રાત એમ ચાર વખત ભક્તજનોને સાચો મારગડો બતાવવા માટે એક-એક કલાક પ્રવચન આપતાં રહેતા મનુષ્યજન્મઉદ્ધારકોને આ કહેવત કહેવા જેવી ખરી, જોકે કહેવાથી પણ ફર્ક નહીં પડે, કારણ કે વરસાદ ઝિબ્રાના પટ્ટા ધોઇ આપતો નથી!) હેલ્થ-કોન્શિયસનેસ દર્શાવવા માટે આપણે ત્યાં વારંવાર બોલાય છે કે તંદુરસ્ત શરીર હોય તો મન પણ તંદુરસ્ત રહે છે. ઓરિજિનલ ગ્રીક કહેવત છે, Sound mind in sound body. ગુજરાતીમાં આપણે બોલતા રહીએ છીએ કે ધીરજના ફળ મીઠા અને જર્મન લોકો કહે છે કે ધીરજ એ કડવો છોડ છે પણ તેના ફળ મીઠા હોય છે. અલગ પ્રદેશ અને સંપૂર્ણ અલગ સંસ્કૃતિ, પણ ડહાપણની ભાષા સમગ્ર વિશ્વમાં એક જ છે?

'આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય' એવી આપણી કહેવતની સૌથી નજીક આવતી ચીની કહેવત છે, તરસ્યા થાવ એ પહેલાં કૂવો ખોદો! આપણી જેમ જ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવતી ચાઇનિઝ પ્રજા કહેવતોના વિશ્વમાં પણ એટલી જ સબળ છે. જેની લશ્કરી ક્ષમતાથી આજે અમેરિકા પણ ચિંતિત છે એ ચીન દેશમાં એક કહેવત એવી છે કે એક હજાર સૈનિકો આસાનીથી મળી રહે છે પણ એક સેનાપતિ મેળવવો એટલો આસાન નથી. ચીનાઓ કહેતા કે હજુ સુધી કોઇ મનુષ્ય સૂર્યને સાંકળથી બાંધીને એને ફરતો રોકી શક્યો નથી. આજે પોતાની સસ્તી પ્રોડક્ટ્સને દુનિયાભરના બજારોમાં ઠાલવતા ચીનની એક કહેવત એવી છે કે જેનો ચહેરો હસતો ના હોય એણે ક્યારેય દુકાન ના શરૂ કરવી જોઇએ! કેટકેટલું કહી જાય છે આ કહેવતો? ગુજરાતી કવિતાની જેમ કહેવતો રચવા માટે પણ 'ખાસ' પ્રકારના વાતાવરણની જરૂર પડી હશે એના સર્જકોને? ચીનની વધુ એક કહેવત વાંચોઃ જન્મ થવાની એક જ રીત છે, પણ મરી જવાની હજારો રીતો છે. (કવિતા સાંભળવી છે એ કોણ બોલ્યું?)

ચર્ચ જેટલું નજીક, ઇશ્વર એટલો દૂર, યુરોપની જૂની કહેવત છે. કોલમિસ્ટ બક્ષીને વાંચવાની મજા એ હતી કે તેઓ વિશ્વભરની કહેવતોના ઉપયોગથી લેખને બાંધતા હતા. બક્ષીને વાંચતા રહેવાથી આપોઆપ કહેવતો મળતી રહેશે. જૂની રોમન કહેવતઃ જે ગુલામને બે માલિકો છે તે મુક્ત મનુષ્ય છે. બક્ષી લેટિન કહેવત લખે છે કે ફેશન જુલ્મગાર કરતાં પણ વધારે શક્તિમાન હોય છે. જર્મન કહેવત છે કે જૂઠના પગ ટૂંકા હોય છે તો સામે આપણી હિન્દી કહેવત એવું કહે છે કે જૂઠ કે પૈર નહીં હોતે! કહેવતોમાંથી સત્ય મળી શકે? ખબર નથી, પણ પોલેન્ડની કહેવત છે કે જે માણસને નાચતા નથી આવડતું, તે એમ વિચારે છે કે બેન્ડ સારું નથી!

વિશ્વ ઇતિહાસમાં મોભાનું સ્થાન ધરાવતી આરબ પ્રજાની એક અત્યંત ગૂઢ કહેવતા હતીઃ બીજાઓ ચિંતા કરે છે કે આવતીકાલ શું લાવશે, પણ મને ગઇકાલે જે બની ગયું છે તેનો ડર છે. ફરી એક વખત ફારસી અને ઉર્દુ શબ્દોને ગુજરાતીમાં પ્રવેશ કરાવનારા બક્ષીનું સ્મરણ થાય છે. પાસબુક ઉપરાંત પણ કંઇક વાંચતા અને ચેકબુક સિવાય પણ કંઇક લખતા એવા આપણને સૌને ગમે એવી એક લેટિન કહેવત તેમણે આપી હતી કે, સાહિત્ય વિનાનું જીવન એ મૃત્યુ છે. જાપાનિઝ કહેવત કહે છે કે વૃક્ષની ડાળીઓ બરફના ભારથી ઝૂકતી નથી અને ઇરાની કહેવત સમજાવે છે કે દરેક ગુલાબનો સૌથી નિકટનો મિત્ર હોય છેઃ કાંટો!
લેખના અંતે ફરી એક વખત દિમાગ ચીન પહોંચી જાય છે. દિવાલની પાછળ હજારો વર્ષો સુધી છૂપાઇને રહેલી રહસ્યમય રૂઢિચૂસ્ત ચીની પ્રજા એક વખતે એવી કહેવત વાપરતી હતી જેના અંગે ચિંતન કરતાં આજે પણ દિમાગ ચકરાવે ચડી જાય. ચીનાઓ કહેતાઃ પુરુષો અમીર થયા પછી જ બગડી જાય છે, સ્ત્રીઓ બગડી જાય છે પછી પૈસાદાર થાય છે...આ કહેવતોનું અજાયબ વિશ્વ છે!!!

Monday, March 9, 2009

શેરબજાર અને એનાલિસ્ટોઃ ના તુમ હમેં જાનો, ના હમ તુમ્હે જાને....!

પરાગ દવે

ભારતીય શેરબજારનો સેન્સેક્સ હજુ વધુ તૂટીને 7,500ની સપાટી દર્શાવી શકે એવી શક્યતા કેટલાક બજાર વિશ્લેષકોએ વ્યક્ત કરી છે. જાન્યુઆરી-2008માં બોમ્બે સ્ટોક એક્સચેન્જ 21,000 પોઇન્ટની સપાટીથી ઉપર ચાલી રહ્યો હતો અને તેમ છતાં એક પણ શેર આઉટ પર્ફોર્મર નહોતો. માત્ર ભારતના જ નહીં, પણ વિશ્વભરના એનાલિસ્ટોના કમ્પ્યુટરમાં જાણે કે કોઇ વાઇરસ પ્રવેશી ગયો હોય એમ તેઓ ભારતીય શેરબજારને 21,000ની સપાટી પર પણ 'આકર્ષક' ગણાવી રહ્યા હતા. 2008ની દિવાળી વખતે શેરબજાર 25,000નો આંક વટાવશે એવું ફંડામેન્ટલ્સના આધારે છાતી ઠોકીને કહેનારા એનાલિસ્ટોની સંખ્યા ઘણી વધારે હતી. રોકાણકારોના મનમાં સ્વાભાવિક પ્રશ્ન છે કે એનાલિસ્ટો અને શેરબજાર વચ્ચે કેવા સંબંધ છે?

તેઓ વચ્ચે ભારત-પાકિસ્તાન જેવા સંબંધ છે. એનાલિસ્ટો ભારતની જેમ વર્તે છે અને તેઓ તેમના કમ્પ્યુટરમાં શેરબજારના ટેક્નિકલ્સનો અભ્યાસ કરે છે ત્યારે શેરબજાર તેમને વિશ્વાસ અપાવે છે કે હવે તેઓ ખોટા નહીં ઠરે. આ પરથી એનાલિસ્ટો શેરબજારની ભાવિ વર્તણૂંક વિશે સ્પષ્ટ અભિપ્રાય આપે છે. જોકે બીજા દિવસે સવારે બજાર ખૂલતાની સાથે જ પોતે એનાલિસ્ટોને આપેલી ખાતરીથી ફરી જાય છે અને બપોર સુધીમાં તો બધા ટેક્નિકલ્સ પણ ફેરવી દે છે અને એ બધુ ફરી જવાથી સરવાળે રોકાણકારોની પથારી પણ ફરી જાય છે.

અમેરિકામાં સબ-પ્રાઇમ કટોકટી શરૂ થઇ ચૂકી હતી અને ભારતીય બજારના 21,000ના આંક વખતે એનાલિસ્ટો જણાવતા હતા કે, "બજારને એક તંદુરસ્ત કરેક્શનની જરૂર છે અને એમ થતાં બજાર 20,000ની સપાટી ગુમાવશે, પરંતુ ત્યારબાદ ફરી રેલી શરૂ થશે અને તમામ BRIC (બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના) દેશોના શેરબજાર વિદેશી રોકાણકારોથી છલકાઇ જશે." એનાલિસ્ટોની ધારણા મુજબ જ બજારમાં કરેક્શન આવ્યું પણ તકલીફ એક જ થઇ કે એ કરેક્શન 13,000 પોઇન્ટનું છે. દરમિયાન. એક સમયે રોકાણકારો અને સટોડિયાઓથી ઊભરાતા બ્રોકરેજ હાઉસિસ હાલમાં લગ્ન સમારંભ પૂરો થયા પછીની વાડી જેવી સ્થિતિમાં છે. આગામી બોર્ડ પરીક્ષાઓમાં કદાચ પ્રશ્ન પણ પૂછાઇ શકે છેઃ એક બ્રોકરેજ હાઉસની આત્મકથા!

છેલ્લાં ચાર વર્ષથી હું બિઝનેસ જર્નાલિસ્ટ તરીકે સક્રિય છું અને તમામ એનાલિસ્ટોએ હંમેશા એક વાત પર ભાર મૂક્યો છે કે શેરબજારમાં હંમેશા લાંબાગાળાના રોકાણકારો સફળ થાય છે. ડે-ટ્રેડરો નાણાં ગુમાવે છે, પરંતુ જે લોકો ચાર કે પાંચ વર્ષ માટે રોકાણ કરે છે તેઓ માલામાલ થઇ જાય છે. આજે આપણી આસપાસ એવા સેંકડો લાંબાગાળાના રોકાણકારો છે, જેમણે ચાર-પાંચ વર્ષ પહેલાં બજાર જ્યારે 5000-6000 પોઇન્ટની સપાટીએ હતું ત્યારે રોકાણ કર્યું હતું. સર્વોચ્ચ સપાટી પર પણ તેઓએ શેર વેચ્યાં નહોતા અને ચાર-પાંચ વર્ષ સુધી રોકાણ જાળવી રાખવા માટે મક્કમ રહ્યા હતા. હવે એક પૂરું ચક્ર ફરી ગયું છે અને આ લોંગટર્મ ઇન્વેસ્ટરોએ13,000 પોઇન્ટનું 'કરેક્શન' જોયું છે. બજાર ફરીથી 8,000 પોઇન્ટની સપાટી પર છે અને લાંબાગાળાના રોકાણકારો પાંચ વર્ષ પહેલાં જ્યાં હતા ત્યાં ફરી આવી ગયા છે.

છેલ્લાં ચાર દિવસથી હું વહેલી સવારે ચાર વાગ્યે ઊઠીને શેરબજારના ટેક્નિકલ્સનો અભ્યાસ કરી રહ્યો છું અને મારા એનાલિસિસ મુજબ વર્તમાન સ્તરે ઇક્વિટી માર્કેટ અત્યંત આકર્ષક છે અને જો કોઇ નવા રોકાણકારો હાલના સ્તરે બજારમાં રોકાણ કરીને પાંચ વર્ષ માટે એ રોકાણ જાળવી રાખશે તો તેઓ અનેકગણો નફો મેળવશે. તમે રોકેલી મૂડી પાછળ તમે કેટલાક શૂન્યો ઉમેરી શકશો.... રિચર્ડ બર્ટને એક વખત કહેલું કે શૂન્યોનું આકર્ષણ મારે માટે બહુ જીવલેણ હતું...

શેરબજારમાં અનેક લોકોએ લાખના બાર નહીં, પણ અગિયાર હજાર થઇ જતાં જોયા છે. પણ આશા અમર છે. અનેક લોકો શેરબજારના સહારે જીવનનૈયાને ચલાવતા રહ્યા છે અને અત્યાર સુધી કમાયા બાદ આ મંદીમાં નાણાં ગુમાવ્યા છે, પરંતુ તેઓ જાણે છે કે, 'જે પોષતું તે મારતું...'! આપણે બધા માનીએ છીએ કે સાહસ વિના સિદ્ધિ નથી. હાલમાં રોકાણ કરવું જોઇએ, કારણ કે મોટાભાગના એનાલિસ્ટો માને છે કે બજાર બહુ સારો દેખાવ નહીં કરે! અને મજબૂત ફંડામેન્ટલ ધરાવતા ભારતનું શેરબજાર તમને સાહસ કરવા માટે સાદ કરી રહ્યું છે... શું તમે તૈયાર છો, શૂન્યોનો ઉમેરો કરવા માટે???

ચૂંટણીઓ: બેનમૂન કલા સાથેનું મનોરંજન

પરાગ દવે
લોકસભાની ચૂંટણી નજીક આવી ગઇ છે ત્યારે એક્વેરિયમની માછલીઓ અને મહાસમુદ્રોની માછલીઓ માની રહી છે કે યુવા માછલીઓ (સોરી, યુવા મતદારો) બહુ ઉપયોગી થઇ પડશે. આગામી દિવસોમાં જો ફિલ્મો ફ્લોપ જાય તો તેને માટે મંદી નહીં, પણ આ ચૂંટણી જવાબદાર હશે, કારણ કે પ્રેક્ષકોને આ ચૂંટણીઓ બેનમૂન કલા સાથેનું મનોરંજન પૂરું પાડશે. આમ જુઓ તો લોકસભાની આ ફિલ્મમાં ભૂમિકા ભજવવા માટે કેવા-કેવા સક્ષમ કલાકારો વચ્ચે સ્પર્ધા છે, માયાવતી, લાલુ પ્રસાદ, કરુણાનિધિ, શરદ પવાર અને સૌથી હોટ ગણાતા એચ ડી દેવગૌડા ચમત્કારની અપેક્ષા સાથે મતદારો સમક્ષ જશે. હાલમાં જ બાયપાસ સર્જરી કરાવીને પરત ફરેલા ડો. મનમોહન સિંઘ હાલમાં હીરો છે, પરંતુ તેઓ પોતે જ જાણતા નથી કે તેમના પક્ષના બેનર હેઠળ જ નવી ફિલ્મ બનશે તો પણ તેઓ તેમાં હીરો હશે કે કેમ. જોકે સૌથી વધુ ગૂંચવણ કોંગ્રેસના રાજમાતા તથા યુવરાજ અનુભવી રહ્યા છે. ફિલ્મોમાં પરંપરાગત રીતે જે સ્થાન કપૂર ફેમિલીનું રહ્યું છે તે જ સ્થાન રાજકારણમાં ધરાવતા ગાંધી-નહેરુ કુટુંબના યુવરાજ દેશભરમાં ઘૂમી રહ્યા છે, પરંતુ તેઓ શું કરવા માગે છે તે કોઇને સમજાતું નથી અને કદાચ તેઓ પણ નથી જાણતા. હા, તેઓ જે રીતે ટોળાઓ વચ્ચે દોડી જાય છે તે જોઇને એક સમિક્ષકે એવું કહ્યું છે કે તેઓ કદાચ ભરપૂર કુતુહલ વૃત્તિ ધરાવતા કલાકાર છે, ભીડ જોઇને તેમને વિચાર આવે છે કે નક્કી કંઇક થયું હશે તો જ આટલા બધા લોકો એકઠા થાય. સિક્યોરિટી સ્ટાફ તેમને એટકાવીને કહે છે કે આ લોકો તમારા કારણે ખેંચાઇને આવ્યા છે અથવા તો તમારા માટે લાવવામાં આવ્યા છે, પરંતુ યુવરાજ તેમને સામે પૂછે છે કે મારામાં એવું શું છે કે તેઓ મને જોવા આવ્યા છે? આ પ્રશ્ન સાંભળીને સિક્યોરિટી સ્ટાફ પણ વિચારમાં પડી જાય છે કે વાત તો સાચી છે હો. એટલામાં યુવરાજ શું થયું છે એ જાણવા માટે ટોળામાં દોડી જાય છે અને બીજા દિવસે તમામ અખબારોમાં સમાચાર છપાય છે કે યુવરાજ સલામતિને ગણકાર્યા વિના યુવાનોને મળવા દોડી ગયા! આ યુવરાજના ભવિષ્યને લઇને રાજમાતા ઘેરી ચિંતામાં છે.

અત્યાર સુધીની લોકસભા ફિલ્મોમાં અટલજીના સહાયક અભિનેતા તરીકેનો રોલ કરતા આવેલા એલકે અડવાણી 82 વર્ષની ઉંમરે મુખ્ય ભૂમિકા ભજવવા ઉતાવળા છે. વારંવાર ભૂતકાળમાં સરી જવાની તેમની શૈલી અનેક વૃદ્ધોને આકર્ષી રહી છે. તેમનું કોઇપણ વક્તવ્ય 1947થી શરૂ થાય છે અને 2009 સુધી પહોંચતા પહોંચતા તેમણે બીજી સભા સંબોધવાનો સમય થઇ જાય છે. જોકે ગુજરાતના મુખ્યપ્રધાન અને ચૂંટણી જીતવાની કલાના સાધક નરેન્દ્ર મોદી સહાયક અભિનેતા હોવાથી અડવાણી માને છે કે તેમણે ચહેરા પર વધુ હાવભાવ લાવવાની જરૂર નહીં પડે. ભાજપના કાર્યકરો પણ માને છે કે જો અડવાણી પર્દા પર બંને હાથ ઘસવાની તેમની લાક્ષણિક અદા છોડી દે તો તેઓ આક્રમક પ્રચાર કરી શકશે.

આગામી દિવસોમાં ચૂંટણીઓ અંગેના વધુ નિરિક્ષણો આ બ્લોગ પર આવતા રહેશે...

[એક તરફ ઘણા ચિંતકો એવી ચિંતામાં જીવી રહ્યા છે કે ગુજરાતી ભાષા આગામી વર્ષોમાં મૃતઃપ્રાય થઇ જશે અને બીજી તરફ જવાન ગુજરાતી છોકરા-છોકરીઓ ગુગલ પર સર્ચ કરીને ગુજરાતી સાહિત્ય શોધતા રહે છે. ભાષા પાણી જેવી છે, એને વહેવા દેવી જોઇએ, એ અનેક અજાણ્યા કિનારાઓ સાથે અફળાઇને આગળ વધતી જાય છે, અને કોઇ એને બાંધી શકતું નથી એ પણ સત્ય છે. ભાષા પોતાનો માર્ગ શોધી લેશે. આજે તમામ ભાષાઓને ઇન્ટરનેટ જેવું એક અત્યંત સબળ માધ્યમ સુલભ છે. ગુજરાતી ભાષા આજે બ્લોગના ઉપયોગ દ્વારા ફેલાતી જાય છે. શિકાગોમાં બેઠેલા કરોડ઼પતિ એનઆરજી અને શિહોરની શાળામાં ભણતો મધ્યમવર્ગીય વિદ્યાર્થી- બંને બ્લોગ વાંચી રહ્યા છે અને દુનિયાભરમાં ફેલાયેલા ગુજરાતીઓના વિચારો કમ્પ્યુટરના ટચૂકડા મોનિટર દ્વારા વ્યક્ત થઇ રહ્યા છે.

છેલ્લાં 15 દિવસના આંદોલન બાદ અંતે મને ગુજરાતીમાં બ્લોગ લખવા માટે જરૂરી ફોન્ટ આપવામાં આવ્યા છે. આજે હું મારો બ્લોગ લખી રહ્યો છું તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં અંગત મિત્રો કેયૂર કોટક, દિવ્યેશ નાગર અને નિશાંત ફડિયાનો સક્રિય ફાળો છે (આથી જો બ્લોગ પસંદ ના પડે તો માત્ર મને નહીં પણ આ ત્રણેને પણ સરખા જવાબદાર ગણીને સજા આપવી, જો બ્લોગ પસંદ પડે તો મને અભિનંદન આપી દેવાથી ચાલશે!).]