Monday, April 13, 2009

બોર્ડની પરીક્ષાની આત્મકથા...


પરાગ દવે


અત્યાર સુધી હું ચૂપ હતી, પણ હવે મને લાગે છે કે મારે મૌનનો ત્યાગ કરવો જ પડશે. મારા એક ભાગ સમાન ગુજરાતીના પ્રશ્નપત્રોમાં વર્ષોથી હું નિબંધરૂપે પૂછાતી આત્મકથાઓ જોતી આવી છું, પણ હવે તો હદ થાય છે. 'એક ટૂટેલા ઘડાની આત્મકથા', 'એક પેનની આત્મકથા', 'એક ખટારો થઇ ગયેલી બસની આત્મકથા' ને 'એક સળગી ગયેલી દિવાસળીની આત્મકથા' પણ મેં મારા પ્રશ્નપત્રોમાં જોઇ છે. મને એ હકિકતનો આજીવન રોષ રહ્યો છે કે મારા નામે ભીરું વિદ્યાર્થીઓ અને એથીયે ભીરું વાલીઓને ડરાવતા રહેલા શિક્ષકો, સંચાલકો કે શિક્ષણશાસ્ત્રીઓએ ક્યારેય મારી આત્મકથાનો નિબંધ તો નથી જ પૂછ્યો પણ તેમને આવો વિચાર પણ નથી આવ્યો. વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેના જીવન ઘડતર અને સંપત્તિ સર્જનમાં મારું યોગદાન અવગણી ના શકાય તેવું રહ્યું છે તે જોતાં આ સમગ્ર શિક્ષણઆલમની એ ફરજ છે કે તેઓ મારી આત્મકથા નિબંધરૂપે પૂછીને મારી કદર કરે. ભલે તેઓ વિવેક ચૂક્યા, પણ હું મારા વિશેની તમામ જિજ્ઞાસા સંતોષવા મારી કહાની કહી રહી છું. આ રીતે હું પહેલી જ વખત જાહેરમાં નિવેદન કરી રહી છું, જો આ શિસ્તભંગ ગણાય તો મને તાકીદે સેવામાંથી મુક્ત કરવાની પણ હું અપીલ કરું છું, (જો કે મને ખબર છે કે હું સોનાના ઇંડા આપતી મરઘી જેવી છું અને મને સેવામુક્ત કરવાની કોઇની ગણતરી નથી, એટલે જ મેં આ ગુગલી ફેંકી છે). અને હા, આ કથની કહેતા પહેલાં મેં દહીં પણ ખાઇ લીધું છે, શુકન તરીકે.


મારો જન્મ ક્યારે થયો અને મારા માતા-પિતા કોણ છે એ વિશે તો મને પણ ચોક્કસ ખ્યાલ નથી, પણ મારા પ્રશ્નપત્રોમાં નિબંધરૂપે પૂછાતી આત્મકથાઓની પેઠે મારું બાળપણ પણ સોનેરી જ હશે એવું હું માની લઉં છું. ઘણા ઘરડા કહેતા હોય છે કે અગાઉ હું 'ઇન્ટર' સ્વરૂપે હતી. મોભો તો ત્યારે પણ મારો બહુ મોટો હતો અને મારા નામમાત્રથી ભલભલા કાંપી ઉઠતા. જેઓ મને પ્રસન્ન કરી શકતા હતા તેમને હું સોનેરી ભવિષ્ય યાવદચંદ્ર દિવાકરૌ લખી આપતી હતી અને જેઓ મારી સામે પરાસ્ત થઇ જતા, તેમની કારકિર્દીમાં હું ઇન્ટરવલ પાડી દેતી હતી. જોકે એ સમય એવો હતો કે સમાજના મહત્તમ લોકો મને ઇડરિયા ગઢ જેવી ગણતા અને મારી સામે પરાસ્ત થવામાં તેમને કોઇ નાનમ નહોતી અને હું પણ ત્યારે બાલ્યાવસ્થામાં હોવાથી મને પણ કોઇ એવી અપેક્ષાઓ નહોતી કે મારી સામે હથિયાર મૂકી દેનારા પૃથ્વી લોકનો ત્યાગ કરી દે. આમ મારું લાલન-પાલન બહુ જ સારી રીતે અને અન્ય ભાજી-મૂળા સમાન પરીક્ષાઓને ઇર્ષ્યા આવે એ રીતે થતું ચાલ્યું. જૂના સમયના વિદ્વાન ગુરુજનો મારું પૂરતું માન જળવાય એ રીતે વિદ્યાર્થીઓને તૈયાર કરતા હતા. હું બહુ જ ખુશ હતી.


પરંતુ નિયતિ તો પરીક્ષાઓને પણ હોય છે એ બાબતથી હું સાવ અજાણ હતી. સમગ્ર શિક્ષણ જગતમાં મારો જોટો જડે તેમ નહોતો અને હું કેટલી મૂલ્યવાન બની શકું તેમ છું તેનો પણ મને ખ્યાલ નહોતો. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ હું વધારે ને વધારે ભયાનક થવા લાગી. રાજાની રાજકુંવરીની જેમ મારો હાઉ લોકોમાં દિવસે ના વધે એટલો રાત્રે અને રાત્રે ના વધે એટલો દિવસે વધતો ચાલ્યો. વર્ષો વર્ષ મેં બનાવેલો ખાડો કૂદવા ઇચ્છનારાઓની સંખ્યા વધતી ચાલી. હવે તો હું 'મેટ્રિક' બની ગઇ હતી અને મારી યુવાની એવી ખીલી હતી કે મને પ્રસન્ન કરવા મથતા કિશોરો સફળ થાય છે કે નિષ્ફળ તેના પર તમામની મીટ મંડાયેલી રહેતી. દરમિયાન હિન્દુસ્તાનની જેમ મને પણ ખંડિત કરી દેવામાં આવી અને હું એક સાથે 10 અને 12 એમ બે વર્ષના વિદ્યાર્થીઓ માટે પડકાર બની ગઇ. આમ કરવાથી મારી પ્રતિભાનો પૂરતો ઉપયોગ કરી શકાશે એવું શિક્ષકો માનતા હતા. હાર્યો જુગારી બમણું રમે એ હિસાબે માર્ચ મહિનામાં નાપાસ થયેલા અનેક વિદ્યાર્થીઓ ઓક્ટોબર મહિનામાં બમણા ઉત્સાહથી પરીક્ષા આપતા હતા. જોકે ઓક્ટોબર મહિનો સત્યના ઉપાસક મહાત્મા ગાંધીના જન્મનો પણ મહિનો છે અને ગાંધીજીએ એક ઉપદેશ એવો પણ આપેલો કે ચોરી ન કરવી. સત્તાવાળાઓનું આ અંગે કોઇએ ધ્યાન દોર્યું અને પછી ઓક્ટોબરની પરીક્ષાઓ ગાંધીજીની જેમ જ ઇતિહાસ બની ગઇ.


હવે હું પુખ્ત થઇ ગઇ હતી અને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ (મારા નહીં), મને લઇને બહુ ચિંતિત હતા. મારા કારણે હજારો વાલીઓને અનિદ્રાનો રોગ લાગુ પડવો શરૂ થઇ ગયો હતો. મારા વિરોધીઓ પણ હવે ઉત્પન્ન થવા લાગ્યા હતા અને તેઓ વાલીઓમાં આવેલી જાગૃતિને અકારણ ગણાવી રહ્યા હતા. સૌથી સારી રીતે મને પસાર કરનારા વિદ્યાર્થીઓની તસવીરો અખબારોમાં પ્રથમ પાને ચમકવા લાગી હતી. બધું બહું સારી રીતે ચાલી રહ્યું હતું અને હું હજુ પણ ખુશ હતી. જોકે સમય પોતાની જૂની ટેવ મુજબ જ બદલાઇ રહ્યો હતો અને સફળતાના નશામાં ચૂર એવી મને એનો ખ્યાલ જ નહોતો. ભાવિના ગર્ભમાં શું છે એ કોણ પામી શક્યું છે?


રાજ્યના તમામ મોટા શહેરો અને નાના નગરોમાં મારો બનાવેલો ખાડો કૂદવા માટેના ટ્રેનિંગ કેમ્પો (ટ્યૂશન ક્લાસીસ) ધમધમતા હતા અને શાળામાં ભણાવવાનો પૂરતો પગાર લેતા શિક્ષકો શાળામાં આરામ કરીને માત્ર ક્લાસીસમાં જ ભણાવવા લાગ્યા હતા. અમીર વાલીઓ તો ઠીક, પણ ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ પણ શબ્દશઃ પેટે પાટા બાંધીને તેમના લાડલા કે લાડલીને આ ક્લાસીસમાં મોકલવા માંડ્યા હતા. બાળક ધો 10 કે 12માં પ્રવેશે એ સાથે જ અનેક ઘરોના બજેટ ફરી જતા હતા. દર વર્ષે મને એવા હજારો કુટુંબોની માહિતી મળતી રહે છે જેમણે મારા કારણે તેમના ટીવી જાણે કે ભંગાર હોય એમ માળિયે ચડાવી દીધા હોય અને ભંગાર જેવા જ લાગતા ગણતરીના સગા-વ્હાલાને ત્યાં જવાનું પણ બંધ કરી દીધું હોય. પરંતુ આ બધું થવાથી વિદ્યાર્થીઓ ભારે તનાવ હેઠળ આવી જાય છે એવું મારા વિરોધીઓ કહે છે, જે સાવ ખોટું છે, કારણ કે વાલીઓ પોતે જ્યાં નથી જવું હોતું ત્યાં વિદ્યાર્થીઓને આગળ ધરી દે છે. હવે તો મારી સામેના યુદ્ધમાં ભભૂતભાઇના ભત્રીજા ભાનુએ કેવું વિરત્વ બતાવ્યું હતું તેના દાખલા દિનુભાઇ પોતાના દિવાસળી જેવા દિકરા દીપને આપવા લાગ્યા હતા. મારી સામે લડાઇની તૈયારીમાં ખપ લાગે એ માટેના ઓજારો અનેક પ્રકાશકોએ બહાર પાડ્યાં અને દર વર્ષે લાખો કમાવા લાગ્યા. આ એ સમય હતો કે જ્યારે મારા વિરુદ્ધ કંઇક આઇ-બ્રો ઊંચા થવા લાગ્યા હતા.
મહાભારતમાં કોઇ અભિમન્યુની વાત આવે છે અને તે ચક્રવ્યૂહના સાત કોઠા વિંધવા નિકળ્યો હોય છે અને સાતમા કોઠામાં પરાસ્ત થાય છે. કારણ કે તેના પિતા અર્જુનના ચાલુ પિરિયડે માતા સુભદ્રાને ઊંઘ આવી ગઇ હતી. મને લાગે છે કે મારા સાત વિષયો પણ આ ચક્રવ્યૂહના સાત કોઠા જેવા જ છે અને જો કોઇ વિદ્યાર્થી બાકીના છ વિષયોમાં ગમે તેટલો હોંશિયાર હોય, પણ એકાદ વિષયમાંથી આપોઆપ કે પછી શિક્ષકની સક્રિય સહાયથી તેનો રસ ઉડી જાય અને તે ચાલુ ક્લાસે નિદ્રાદેવીના શરણે ચાલ્યો જાય તો તે ચોક્કસપણે મારા ચક્રવ્યૂહમાં અટવાઇ જશે અને અટ્ટહાસ્ય કરતો એક જ વિષય તેની માર્કશીટને ચાળણી કરી નાંખશે અને સોનાની થાળીમાં લોઢાની મેખ બનશે.
એ દુર્ઘટનાઓ ઘટવાની શરૂઆત ક્યારે થઇ એ વિશે પણ મને ખ્યાલ નથી, પરંતુ અચાનક જ મારી સામે અનેક લોકોએ કાવાદાવા કરવા શરૂ કરી દીધા. મારી જાણ બહાર સમગ્ર સમાજજીવનમાં મારો ભય એવો તો ફેલાયો હતો કે મારા ડરથી કાચા-પોચા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા લાગ્યા. કેટલાય વિદ્યાર્થીઓ ઘરેથી ભાગી જવા લાગ્યા. અસંખ્ય વાલીઓ પણ એવા હતા જેઓ ભાગી જવા માગતા હતા, પણ મજબૂર હતા. અત્યાર સુધી મારો લાભ માત્ર શિક્ષકો અને શાળાઓ અને ટ્યૂશન ક્લાસીસવાળા લેતા હતા પણ હવે એમાં એક નવો જ વર્ગ ભળ્યો હતો અને તે આ બધાથી રૂપાળું એવું માનસશાસ્ત્રી નામ ધરાવતા લોકોનો બનેલો હતો. લગ્ન કે છૂટાછેડાના કાઉન્સેલિંગની જેમ પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓનું કાઉન્સેલિંગ શરૂ થયું. આ નવા વ્યવસાયને ઠીક ઠીક પ્રસિદ્ધિ મળી અને કેટલાક માનસશાસ્ત્રીઓએ તો 'બોર્ડ એક્ઝામ સ્પેશિયાલિસ્ટ'ના પાટિયા મારી દીધા. આ નિષ્ણાતોનું કહેવું એવું છે કે વિદ્યાર્થી કે વાલીને સહેજ પણ બેચેની લાગે તો તેમનો સંપર્ક કરવો. આ તમામ સ્પેશિયાલિસ્ટને ત્યાં લાંબી લાઇનો લાગી.
મારો હાઉ સહેજ પણ ઓછો ના થાય એ માટે શિક્ષણ બોર્ડે પણ આકરી મહેનત કરી છે. શાળામાં પરીક્ષા આપવા આવતા પરીક્ષાર્થીઓને હિંમત આપવા માટે ગુલાબના ફુલ આપવામાં આવે છે અને પછી તેમને કાંટા જેવા લાગે એવા પેપર આપવામાં આવે છે. કેટલાય નબળા સૈનિકો મારી સામેના યુદ્ધમાં બચી જવા માટે કાપલીઓ સ્વરૂપે બખ્તર પહેરીને આવે છે તેમને યુદ્ધમેદાનમાં શોધી કાઢીને રણમેદાનની બહાર બનાવવામાં આવેલા શમિયાણામાં મોકલી દેવા માટે ફ્લાઇંગ સ્ક્વોડ પણ રચાઇ છે. પરીક્ષાર્થીઓ પરીક્ષાખંડ રૂપી રણભૂમિમાં મારી સામે જીવસટોસટની લડાઇ લડતા હોય છે ત્યારે વાલીઓ પણ તેમના મનોબળને ટકાવી રાખવા માટે ખુલ્લા આકાશ નીચે સ્કુટર પર બેઠા રહે છે અને કેટલાક હોંશિયાર વાલીઓ તો માર્ચ એન્ડિંગનો લાભ લઇને અન્ય વાલીઓની વીમા પોલિસી પણ ઉતરાવી લે છે. (ગયા વર્ષે જ એક વીમા એજન્ટ વાલીએ બીજા એક વાલીને તેમના દીકરા માટે વીમો ઉતરાવી લેવા કહ્યું અને ઉમેર્યું કે ન કરે નારાયણ અને તમારો દીકરો જો પરીક્ષાનું પરિણામ જોઇને નારાયણ પાસે પહોંચી જશે તો તમને તેના વીમાના રૂ. 2.50 લાખ રોકડા મળશે. તમારી જાણ ખાતર કે પેલા વાલીએ આ સલાહ માનીને વીમો ઉતરાવી દીધો હતો.)
થોડા વખત પહેલાં મારા વિરોધીઓને બહુ મોટી સફળતા મળવાની સંભાવના સર્જાઇ હતી અને વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા આપે એવો તખ્તો ગોઠવાઇ રહ્યો હતો. જોકે મારા અને તેના કરતા પણ મારા ભયના સમર્થકોએ તેનો હાલ પૂરતો તો છેડ ઊડાડી દીધો છે, પણ તેમ છતાં કાંઇ નક્કી કહેવાય નહીં. હું આજે યુવાન નથી રહી અને વૃદ્ધ થતી જાઉં છું, જોકે એક સ્ત્રી તરીકે હું મારી ઉંમર તો તમને નહીં જ કહું, પણ એટલું તો જરૂર કહીશ કે આ જે પરિસ્થિતિ સર્જાઇ છે તેમાં મારો કોઇ દોષ નથી. હું તો આજે પણ નિર્દોષ જ છું. મારા નામની બીક લોકોના મનમાં મેં નથી પેસાડી અને આજે એ સ્થિતિ છે કે હું માત્ર ખેલ જોયા સિવાય કાંઇ કરી શકું એમ નથી. કોઇ આત્મકથામાં નાયક કે નાયિકા સમગ્ર સમાજની માફી માગતા નથી, પણ હું તો મેં નહીં કરેલા અપરાધની માફી પણ માગી રહી છું એવી આશા સાથે કે મારી આ કથની સાંભળીને કોઇ વિરલો ફરી મને નિરુપદ્વવી બનાવવા આગળ આવશે...