Sunday, May 3, 2009

એક વર્ષમાં લઘુ નવલ લખવાની ઇચ્છા છેઃ જય વસાવડા

પરાગ દવે

સૌરાષ્ટ્રના હ્રદય રાજકોટથી ગોંડલની દિશામાં અમારી કાર દોડતી હતી અને મારા દિમાગમાં વિચારોનું ઘોડાપુર હતું. 1970 બાદ હિન્દી સિનેમામાં વિજય નામનું એક પાત્ર દાખલ થયું, અને પોતાની એન્ગ્રી યંગ મેનની ઇમેજ વડે લોકોના દિલો-દિમાગ પર દાયકાઓ સુધી છવાયેલું રહ્યું. સિસ્ટમ સામેનો તેનો રોષ લોકોને પોતાનો અવાજ લાગવા માંડ્યો અને અનેક યુવાનો માટે 'વિજય'ના રૂપમાં અમિતાભ બચ્ચન રોલ-મોડેલ બની ગયા. 1996માં ગુજરાતી કોલમ જગતમાં એક 'જય'નો પ્રવેશ થયો અને આજે બાર વર્ષના ગાળા બાદ લાખો ગુજરાતી યુવાનોને તેમની કોલમ પોતાના વિચારોના પ્રતિબિંબ સમાન લાગે છે. વેલેન્ટાઇન-ડે કે ફ્રેન્ડશીપ-ડે વિશે કોઇ ગુજરાતી કોલમિસ્ટ લખે તે વાત જ જ્યારે સ્વપ્નવત લાગતી હતી ત્યારે જય વસાવડાએ આ વિષયોને સ્પર્શ કર્યો અને બદલાઇ રહેલી પેઢીએ પોતાનો પસંદગીનો લેખક જય વસાવડાના રૂપમાં મેળવી લીધો.
જાણીતા કાર્ટુનિસ્ટ મિત્ર અશોક અદેપાલ પણ સાથે હતા અને રાત્રે 8 વાગ્યે રાજકોટમાં વાત વાતમાં તેમણે જ ગોંડલ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે ગોંડલના માર્ગે ચઢી ગયા. રસ્તામાં અદેપાલે ફોન કરીને જય વસાવડાને કહ્યું કે એક પત્રકાર મિત્ર સાથે મળવા આવી રહ્યા છીએ. જોકે જયબાબુ ઘરથી દૂર હતા પરંતુ આશ્ચર્ય વચ્ચે તેમણે વિના સંકોચે 10:30 વાગ્યે ઘરે આવવાનું કહ્યું. મારા મનમાં જય વસાવડાનો ઇન્ટરવ્યૂ કરવાનો વિચાર આવ્યો.
અમે જ્યારે તેમના ઘરે પહોંચ્યાં ત્યારે હજુ જયબાબુ આવ્યા નહોતા પરંતુ અમે ઘરે આવવાના છીએ એ વાત તેમણે તેમના પિતાને જણાવી દીધી હતી. જય વસાવડાના નિવૃત્ત પ્રોફેસર પિતા લલિતભાઇ વસાવડા 73 વર્ષિય બુઝુર્ગ છે. ઘરમાં અમે દાખલ થયા તો માત્ર ચાલી શકાય તેટલી જ ખાલી જગ્યા હતી, બાકીનું આખું ઘર પુસ્તકો-મેગેઝિનો અને ડીવીડીથી ખીચોખીચ. પ્રો. વસાવડાએ અમારી સામે જોઇને પ્રેમથી કહ્યું, ''અમારા ઘરે ચોર ચોરી કરવા આવે તો વાંચવા બેસી જાય, અથવા થોડા દિવસો બાદ પુસ્તકનો બીજો ભાગ માગવા આવે...'' અમારી સાથે લગભગ 20 મિનિટ સુધી તે સાહિત્યની રસાળ ચર્ચા કરતા રહ્યા.
જય વસાવડા આવ્યા ત્યારે ખબર પડી કે તે તેમના નિત્યક્રમ મુજબ ચાલવા માટે ગયા હતા. ગોંડલના જ બીજા બે મિત્રો પણ તેમની પાછળ જ આવ્યા અને પરિચય બાદ શરૂ થઇ રાજકારણની ચર્ચા. છેવટે લગભગ 1 વાગ્યે જય વસાવડાનો ઇન્ટરવ્યૂ શરૂ થયો. જય વસાવડા લેખમાં જેટલા નિખાલસ હોય છે તેના કરતાં વધુ નિખાલસ રૂબરુ વાતચીતમાં છે. સાનિયા મિર્ઝાની મારકણી અદા સાથેના પોસ્ટર ઉપરાંત સ્ત્રી-પુરુષ કિસ કરી રહ્યા હોય તેનું પોસ્ટર અને બાકી પુસ્તકો-સીડી-ડીવીડીથી છલોછલ રૂમમાં ઇન્ટરવ્યૂ ચાલુ થયો.
પ્રશ્નઃ કોલમિસ્ટ જય વસાવડાના ઘડતરની શરૂઆત...
જયઃ હું ધોરણ 1-7 સુધી ઘરે જ ભણ્યો છું. મારા મમ્મીએ મારા અભ્યાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. નાનપણથી જ ઘરમાં પુસ્તકો-મેગેઝિનો આવતા રહ્યા છે. વાંચન ગમતું ગયું, રસ પડતો ગયો અને પરિણામ સામે જ છે.
પ્રશ્નઃ 'સ્પેક્ટ્રોમીટર'ની શરૂઆત કઇ રીતે થઇ?
જયઃ હું એક વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યો હતો અને તેની પ્રેસનોટ આપવા માટે રાજકોટ ગુજરાત સમાચારમાં ગયો હતો. ત્યાં તંત્રી સૂર્યકાન્તભાઇ મહેતાએ મને કહ્યું કે તમારા પિતા ગુજરાતીના પ્રોફેસર છે તો નંબર આવે એમાં કઇ મોટી વાત છે? મેં તેમને કહ્યું કે આ બધું હું મારી જાતે લખું છું. ત્યારબાદ તેમણે મને જવાહરલાલ નહેરુ વિશે લેખ લખવા કહ્યું અને મેં ત્યાં જ તેમને લેખ લખીને આપી દીધો. ત્યારબાદ ધીમે-ધીમે ગુ.સ. સાથેનો સંપર્ક વધતો ગયો અને મેં વિજળી સંકટ વખતે રાજકોટમાં આઠ હપ્તાની શ્રેણી લખી ત્યારે નિર્મમભાઇ શાહે મને અમદાવાદ મળવા માટે બોલાવ્યો અને ગુ.સ.માં જોડાઇ જવા કહ્યું. જોકે મારો અભ્યાસ ચાલુ હોવાથી મેં ના પાડી તો તેમણે મને કોલમ લખવાનું આમંત્રણ આપ્યું. પહેલાં તો હું ચિંતામાં પડ્યો કે અમુક લેખો પછી વિષયો ખૂટી જશે તો? જોકે નિર્મમભાઇએ કહ્યું કે તમે લખવાનું ચાલુ તો કરો, વિષયો ખૂટી જાય તો બંધ કરી દેજો. 24 ઓગસ્ટ, 1996ના રોજ 'ગુજરાતની અસ્મિતાઃ સ્મિત વિલાઇ રહ્યું છે' શિર્ષક સાથે પ્રથમ લેખ લખ્યો અને હજુ વિષયો ખૂટ્યા નથી અને આજ સુધીમાં મેં લગભગ 1,200 જેટલા લેખ લખ્યા છે. 2002માં મમ્મીના અવસાન વખતે બે રવિવાર લખ્યું નહોતું તે સિવાય ક્યારેય ડેડલાઇન પણ ચૂક્યો નથી.
પ્રશ્નઃ તમે કહો છો કે વિષયો ખૂટ્યા નથી, પણ તમારા કેટલાક વાચકોને લાગે છે કે તમે વારંવાર ફિલ્મો વિશે લખતા જ રહો છો. શું તમારા લેખોમાં ફિલ્મોનો ઓવરડોઝ નથી થતો?
જયઃ (ઊભા થઇને એક પ્લાસ્ટિક-બેગમાંથી થોડા કાગળો કાઢે છે) આ મારા છેલ્લાં 20 લેખોનું લિસ્ટ છે, જે સ્પેક્ટ્રોમીટર, અનાવૃત્ત અને અભિયાનમાં લખ્યાં છે. આ લિસ્ટમાં 4-5 લેખો ફિલ્મોના છે. હું ફિલ્મો વિશે વધુ લખું છું એવું નથી પણ લોકોને સિનેમાના લેખો વધુ ગમે છે એટલે એ યાદ રહી જાય છે.
પ્રશ્નઃ પણ તમે મોટાભાગે ફ્લોપ ફિલ્મો વિશે જ લખો છો અથવા તમે લખો છો એ ફિલ્મ ફ્લોપ થઇ જાય છે...
જવાબઃ (હસતાં હસતાં) મારી પાસે લગભગ 5,000 ફિલ્મોનું પર્સનલ કલેક્શન છે અને હું મને જે ફિલ્મ ગમે છે એને સમાજ સાથે જોડીને લખું છું.
પ્રશ્નઃ ગુજરાતી કોલમીસ્ટ તરીકે બક્ષીનું સ્થાન હજુ કોઇ લઇ શક્યું નથી અને બક્ષીએ જ તમને નવી પેઢીના સૌથી તેજ-તર્રાર કોલમિસ્ટ ગણાવ્યા હતા. તમારા લેખો બહુ મોટા પ્રમાણમાં વંચાય છે, પણ તેમાં માહિતી કેમ હંમેશા ઓછી અને અંગત વિચારો હંમેશા વધુ હોય છે?
જયઃ હાલમાં ઇન્ટરનેટના કારણે માહિતી લોકોની ફિંગરટીપ પર ઉપલબ્ધ છે. માહિતીની સાથે તમે ઇમોશનલ પંચ ઉમેરો એ બહુ જરૂરી છે. બક્ષી જગતભરના અખબારો મંગાવતા હતા અને તેના આધારે કોલમ લખતા હતા. હવે લોકોને માહિતીનો અચંબો નથી, માત્ર માહિતીપ્રદ લખાણ હવે ફિક્કુ લાગે છે.
પ્રશ્નઃ તમે લેખ કઇ રીતે લખો છો? લેખ લખવા માટે કોઇ ખાસ વાતાવરણની જરૂર પડે છે?
જયઃ બિલકુલ નહીં, હું ગમે ત્યાં લેખ લખી શકું છું. એક વખત સબ્જેક્ટ નક્કી કર્યા બાદ લખવા માટે કોઇ ખાસ લક્ઝરીની જરૂર પડતી નથી. મારો છેલ્લો લેખ મેં રાજકોટમાં એક સ્ટ્રીટ લાઇટ નીચે પૂરો કર્યો હતો, કારણ કે મારી સાથે આવેલો મિત્ર તેના કોઇ કામસર બીજી જગ્યાએ ગયો હતો. આનો લાભ એ થાય છે કે લેખ હંમેશા સમયસર લખી શકાય છે.
પ્રશ્નઃ અત્યારે આપણે રાજકારણની જે ચર્ચા કરી તેના પરથી કહી શકાય કે તમે રાજકારણ વિશે રોચક ચર્ચા કરો છો. પણ રાજકારણ વિશે લેખો કેમ બહુ ઓછા લખો છો?
જયઃ પહેલાં લખતો હતો, પણ પછી લાગ્યું કે લોકોને રાજકારણ ગમતું નથી. તેમ છતાં અમુક વખત મારા આનંદ માટે રાજકારણ પર લખું છું, પણ જો એ જ ચાલુ રાખું તો છ મહિનામાં મારી કોલમ બંધ થઇ જાય. (ખડખડાટ હસે છે)
પ્રશ્નઃ તમે યુવાનોના પ્રિય લેખક છો અને મહત્તમ લેખો યુવાનોને ધ્યાનમાં રાખીને જ લખો છો. આ સ્વાભાવિક છે કે સભાનપણે?
જયઃ આ એકદમ સ્વાભાવિક છે, કોઇ એજન્ડા વગર લખાય છે. મને યુવાનો માટે લખવું ગમે છે. હું જ્યારે વાંચતો ત્યારે ડુઝ એન્ડ ડોન્ટ્સ વાંચતો અને તેનાથી કંટાળી જતો. જીવનમાં અમુક વસ્તુ આનંદ માટે હોય, બધું જ માત્ર મોટિવેશન માટે ના હોય, દરેક બાબતમાં હેતુ ના હોય. મેં વેલેન્ટાઇન-ડેના લેખમાં મેઘાણીની વાર્તા લખી હતી. જો યુથ માટે જાણી-જોઇને લખવું હોય તો મેઘાણીની તળપદી ભાષાની વાર્તા શા માટે પસંદ કરું? મારી મોટાભાગની ચોઇસ યુથ સાથે મેળ ખાય છે, પણ માત્ર યુવાનોને જ ગમે એ માટે લખ્યું હોય એવું નથી. યુવાનો સેકન્ડરી છે, આપણને ગમે એ પ્રથમ છે. કેટ વિન્સલેટ મને ગમે છે એટલે મેં લખ્યું છે, યુવાનોને તે ગમે છે એટલે નહીં.
પ્રશ્નઃ સેક્સ પણ તમારો ફેવરિટ સબ્જેક્ટ રહ્યો છે...
જયઃ હું જે કાંઇ લખું છું તે આપણી સંસ્કૃતિના આધારે જ લખું છું. વાલ્મિકી રામાયણમાં પણ રામ-સીતાની વાત છે. બધું જ અહીં જ છે, હું માત્ર ટોર્ચ લઇને પહોંચી જાઉં છું. ભારતીય સંસકૃતિમાં સેક્સ વિના કાંઇપણ પૂર્ણ થતું નથી, કૃતિ, મંદીર કાંઇ નહીં. પ્રાચિન ભારતીય સંસ્કૃતિની સ્થાપના કરવી હશે તો આ હકીકતોને ધ્યાનમાં લીધા વગર નહીં ચાલે. વિરોધ કરનારાઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના નામે જે ચલાવે છે તે ઇસ્લામિક છે તાલિબાનો સમાન છે. મુસ્લિમો અને અંગ્રેજોએ જે ચલાવ્યું તે હાલમાં તમે ચલાવી રહ્યા છો.
પ્રશ્નઃ પણ તમે કઇ હદ સુધી છૂટછાટની તરફદારી ચાલુ રાખશો? અક્ષય-ટ્વિન્કલે જાહેરમાં જે હરકત કરી તેનો પણ તમે બચાવ કર્યો...
જયઃ અક્ષય-ટ્વિન્કલના ઇશ્યૂમાં હકીકતે તો એક મોડેલ અક્ષયના જિન્સનું બટન ખોલવાની હતી, પણ તેના બદલે અક્ષયે પત્ની ટ્વિન્કલ પાસે એ બટન ખોલાવ્યું હતું. બીજું, કે એ ઘટના સમાજમાં બની નહોતી, એક પ્રાઇવેટ પ્રોગ્રામ હતો. એ ઘટનાને મિડિયા સમાજમાં લાવ્યું. માણસનું સ્વરૂપ અલગ-અલગ સમયે અલગ-અલગ હોય છે. કોઇ વ્યક્તિ ઘરમાં ફોન પર ગુસ્સે થશે તો ગાળ નહીં બોલે પણ શેરીમાં આવશે પછી? હું માનું છું કે આપણો સમાજ જો ગુટખાને સ્વીકારી શકે છે તો આટલી છૂટછાટ શા માટે સ્વીકારી શકતો નથી? આપણે સંયમ અને સભ્યતાની વાતો કરીએ છીએ પણ ફિલ્મમાં જો હીરો-હીરોઇન નજીક આવે તો પણ કેટલાય લોકો સીસકારા બોલાવવા લાગે છે. આ દંભ સામે મારો વિરોધ છે.
પ્રશ્નઃ હજુ કોઇ વિષયો પર લખી ના શકાયું હોય એવું લાગે છે?
જયઃ હા, હજુ મારે ઘણા વિષયો પર લખવું છે. ખાસ કરીને બાયોગ્રાફી. આર્ટિસ્ટ્સ, લેખકો અને વૈજ્ઞાનિકોના જીવન પર હું લખવા માગું છું, પણ આ બધું અભ્યાસ વગર લખવું શક્ય નથી અને સમયનો અભાવ અભ્યાસની તક પૂરી પાડતો નથી.
પ્રશ્નઃ હાલમાં તમે કઇ રીતે સમયનો ઉપયોગ કરો છો?
જયઃ દર અઠવાડિયે હું ત્રણ-ચાર પ્રવચનો આપું છું. એની તૈયારીમાં ઘણો સમય જાય છે, તે સિવાય મિત્રો સાથે ગપ્પાં-બાજી, ચાલવા જવાનું, ક્રિયેટિવ કોન્ટ્રાક્ટ્સ, સ્ક્રીપ્ટીંગ, નેટ સર્ફિંગ, ટેલિવિઝન અને ઘરના નાના-મોટા કામમાં સમય ફાળવું છું. પ્રવચનો મારી દ્રષ્ટિએ બહુ મહત્ત્વપૂર્ણ છે. ભારતના જન-સામાન્ય સુધી માત્ર બોલીને જ પહોંચી શકાય.
પ્રશ્નઃ તમે કોલમિસ્ટ તરીકે ઘણી ખ્યાતિ મેળવી છે, પણ સાહિત્યમાં તમે પ્રવેશ શા માટે નથી કર્યો? જ્યારે અગાઉના મોટાભાગના ગુજરાતી કોલમિસ્ટો વિખ્યાત સાહિત્યકાર રહી ચૂક્યા છે.
જયઃ હવે હું સાહિત્યમાં પણ પ્રવેશ કરીશ. બે નવલકથાના પ્લોટ વિચારી રાખ્યા છે. એક યુરોપિયન ફિલ્મ પર આધારિત પ્લોટ છે. પણ લખવાનો સમય મળતો નથી. હું એક નવલકથા લખું એટલા સમય અને શક્તિમાં આઠ-દસ લેખ લખી શકાય. જોકે આ વર્ષે એક નવલકથા લખવાનું ચાલુ કરીશ, જે લઘુનવલ રહેશે.
પ્રશ્નઃ સરસ. તમારા પ્રવેશથી લઇને આજ સુધીના ગુજરાતી કોલમ જગતમાં તમારા કારણે કોઇ બદલાવ આવ્યો હોય એવું લાગે છે?
જયઃ બિલકુલ. વેલેન્ટાઇન-ડે અને ફ્રેન્ડશીપ-ડે વિશે સૌથી પહેલાં મેં જ લખવાની શરૂઆત કરી. જોકે મારી શરૂઆત બાદ પણ બે-ત્રણ વર્ષ સુધી તેના વિશે ખાસ કોઇ લખતું નહોતું, પણ હવે તમે જોઇ શકો છો કે આ બંને દિવસો વિશે ગુજરાતી અખબારો પાનાં ભરે છે. વળી, જયેશ અધ્યારુ, વિરલ વસાવડા, જ્વલંત છાયા, જયેશ વાછાણી અને કુલદીપ મણિયાર જેવા મારા કેટલાક વાચકો પણ લેખક બન્યાં.
પ્રશ્નઃ તમને પોતાને ગમતા લેખકો...
જયઃ નગીનદાસ સંઘવી, નગેન્દ્ર વિજય, હસમુખ ગાંધી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય મારા પ્રિય લેખકો છે. તે ઉપરાંત કાન્તિ ભટ્ટ પણ ગમે છે, ખાસ કરીને 40 વર્ષથી દરરોજ એક વેખ લખવાની તેમની ક્ષમતા અદભૂત લાગી છે. હાલના કોલમિસ્ટમાં દીપક સોલિયા શ્રેષ્ઠ લાગે છે. હ્યુમરમાં અશોક દવે પ્રિય છે.
પ્રશ્નઃ જય વસાવડાને સૌથી વધુ ગમતી ફિલ્મો...
જયઃ સેંકડો ફિલ્મો પસંદ છે. પણ ટાઇટેનિક, સ્ટારવોર સિરિઝ, દિલ સે, યુગપુરુષ, સત્યકામ, અગ્નિપથ, ટુ બી ઓર નોટ ટુ બી, હિચ, હેરાફેરી બહુ પસંદ છે, આ સિવાય પણ અનેક ફિલ્મો જેવી કે વેનસ્ડે, યે હૈ મુંબઇ મેરી જાન, ધ ફોલ, ઓપન યોર આઇઝ, ધ એપાર્ટમેન્ટ (ઇટાલિયન ફિલ્મ), પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન, લમ્હેં, હમ દિલ દે ચૂકે સનમ અને સાંવરિયા પણ મનપસંદ છે.
પ્રશ્નઃ મનપસંદ ગીતો...
જયઃ રહેમાનના લગભગ તમામ ગીતો ઉપરાંત હર કિસીકો નહીં મિલતા યહાં પ્યાર, પરદેશનું નહીં હોના થા, તાલનું ઇશ્ક બિના, રંગીલાનું ક્યા કરે ક્યા ના કરે, પ્રિયતમાનું કોઇ રોકો ના દિવાને કો, રેડ રોઝનું કિસકી સદાયેં, કુરબાનીનું હમ તુમ્હે ચાહતે હૈ ઐસે, ઉપકારનું કસ્મે વાદે, સીઆઇડીનું લે કે પહેલા પહેલા પ્યાર અને અમરપ્રેમનું કુછ તો લોગ કહેંગે...લિસ્ટ પૂરું થાય એમ નથી.
પ્રશ્નઃ ગુજરાતના 15 લાખથી વધુ વાચકો સુધી પહોંચતા જય વસાવડાને હવે ગોંડલ નાનું સેન્ટર નથી લાગતું?
જયઃ મને ઘણી વખત રાજકોટ સ્થાયી જઇ જવાનો વિચાર આવ્યો છે, પણ રાજકોટ બહુ મોંઘું શહેર છે. જોકે એક વાત નક્કી છે કે હું વહેલો-મોડો રાજકોટ શિફ્ટ થઇ જઇશ કારણ કે મને એ શહેર ગમે છે, શહેર અને ગામડાંનું એ મિશ્રણ છે.
પ્રશ્નઃ જો તમને ભારતમાં ત્રણ બાબતો બદલવાની સત્તા આપવામાં આવે તો કયા બદલાવ લાવો?
જયઃ સૌપ્રથમ તો છોકરા-છોકરીના લગ્નમાં વડિલોની દખલગીરી અટકાવું, કારણ કે તેના કારણે ઘણી હત્યાઓ અને આત્મહત્યાઓ થાય છે અને ઘણાની લાગણી દુભાય છે. બીજું, ઓપન એક્સપ્રેશન ઓફ સેક્સ્યુઆલિટીનો સ્વીકાર કરાવું, કારણ કે એ દુનિયાના અનેક દેશોમાં સ્વીકાર્ય છે અને તેમ છતાં ત્યાં કાંઇ આપણા કરતાં વધુ ગુન્હા થતા નથી. ત્રીજું, આપણે ત્યાં જે Lack of innovation છે તે બદલું, એક સમયે આપણે ત્યાં નવા વિચારો સ્વીકારવામાં વધુ ઉદારતા હતી, પણ આજે નથી રહી, જે અફસોસજનક છે.
પ્રશ્નઃ તમે ક્યારે લગ્ન કરશો?
જયઃ એ હું એકલો તો કઇ રીતે કહી શકું? લગ્ન બે વ્યક્તિ વચ્ચે જ શક્ય બને છે અને હાલની આર્થિક મંદીના સમયમાં જનાનખાનું બનાવવું ના પોસાય. જોકે હું ગમે ત્યારે લગ્ન કરી નાંખું એ નક્કી છે.
પ્રશ્નઃ ભારતના યુવાન પાસે શું નથી?
જયઃ ડેપ્થ. માત્ર ઊર્જાથી બધું ના થઇ શકે. કોઇપણ વિષયમાં ઊંડા ઉતરવામાં આપણા યુવાનો પાછળ પડે છે. વળી, ગુજરાતી યુવાનનના જીવનમાં તો નાણાં સિવાય બીજું કાંઇ નથી. અહીં સફળતાની વ્યાખ્યા માત્ર પૈસા જ છે. આનંદ અને સફળતા માટે બીજી ઘણી બાબતો જરૂરી છે.
પ્રશ્નઃ તમારા જીવનનું લક્ષ્ય શું છે?
જયઃ જલસા. સર્જન અને મનોરંજન. જલસાને જીવનનું અલ્ટિમેટ ગોલ ગણીને બીજા શોર્ટ-ટર્મ ગોલ પ્રાપ્ત કરવાના, પણ લક્ષ્ય તો જલસા જ. જીવવાની મજા આવવી જોઇએ બસ.
ડિયર રિડર, ગુજરાતનો કદાચ એકમાત્ર લેખક, જેના મોબાઇલમાં 3,664 વાચકોના નંબરો 'સેવ' કરેલા છે, તેવા જય વસાવડા સાથેની મુલાકાતના અંતે એ જાણીને આનંદ થયો કે તેમાં મારો મોબાઇલ નંબર પણ 'સેવ' છે. વળી, મનગમતી ફિલ્મો અને ગીતો વિશે જેને પૂછવું ગમે અને જવાબમાં જે આટલી લાંબી યાદી આપે તેવો બીજો ગુજરાતી લેખક મળવો પણ મુશ્કેલ છે. જો કે હવે આપણે પ્રતિક્ષા કરવાની છે જય વસાવડાની લઘુ નવલની. વેઇટ ફોર ઇટ...

13 comments:

 1. Hey, it seems that you enjoyed this talk. I felt reading this that jay thinks the same I think. Even reading this i m inspired to write.

  ReplyDelete
 2. jaybhai ni vaato emna lekh karta pan vadhu intresting chhe. maja aavi.

  ReplyDelete
 3. gr8 interview..its really very interesting..keep it up..

  ReplyDelete
 4. I liked a lot your interview and it revealed an other side of you nature.

  ReplyDelete
 5. ભાઇ શ્રી પરાગ ! લખાણ ખુબ ગમ્યું... ! ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ.... ! આ સાથે એક સજેશન કે, જયભાઇ પહેલા આપણે જે વિભુતિને માળ્યા હતા એમના વિશે એટલે કે, જયભાઇના પપ્પા લલિતભાઇ વસાવડા વિશે કઈંક લખજો....

  ReplyDelete
 6. તમે કહો છો કે વિષયો ખૂટ્યા નથી, પણ તમારા કેટલાક વાચકોને લાગે છે કે તમે વારંવાર ફિલ્મો વિશે લખતા જ રહો છો. શું તમારા લેખોમાં ફિલ્મોનો ઓવરડોઝ નથી થતો?
  આ વાત સાથે સંમત.

  ReplyDelete
 7. બહુ સરસ
  તમે શરૂઆતમાં કહ્યું તેમ ત્યારી વિના નું ઇન્ટરવ્યૂ હતું
  તોપણ બહુ સરસ જયભાઈ વિષે વધારે આભ્યાસ હોત તો વધારે સારી માહિતી તમની પાસેથી મળી હોતા.

  keep it up

  ReplyDelete
 8. wah paraag bhai tnx yaar jay bhai vishe jetlu lakho tetlu ochhu chhe. maza aavi gai evu lagyu ke hu jay bhai ne sawaal puchhu chhu ane te mane jawaab aape chhe good.....

  ReplyDelete
 9. Kharekhar ..yaar ..!

  Vachi ne khub j aanand thayo. JV jeva lekhak ni aapna desh ne khub j jaroor che.
  ..Just want to say abt jay vasavada "Go on JV"

  - bharat parmar (rajkot)

  ReplyDelete
 10. Ha vanchi ne ghani maja avi ,,
  Biju ae k: temna vicharo ane ha khas karine temni vishay vise undanpurvak vicharvani rit ne vadhu apdi najik lave em mari asha 6e .....
  emni laghu navl no intejar jarur thi rehse.

  ReplyDelete
 11. આમ તો ગોંડલનો પર્યાય મારા મગજમાં આ પળ સુધી ભગવદ્ગોમંડલ જ હતો.  પણ હવેથી જ.વ.ના સચોટ નિર્ભેળ બિનરાજકીય અને સહજ જવાબો વાંચ્યા
  પછી હવે ગોંડલનો પર્યાય ભ.ગો. ને બદલે જ.વ. મનમાં ગોઠવાઈ ગ્યાનો
  હર્ષભીનો અહેસાસ થાય છે. ટીવી પર કોઈ કાર્યક્રમમાં મોરારીબાપુની હાજરી
  માં ચાલી રહેલા ફંક્શનમાં તે માઈક પર પહેલીવાર મેં તેમને સાંભળ્યા ને
  બસ સાંભળતો જ રહી ગયો. વિચારોની ભાષા, ગહનતા, તાર્કિક ક્રમિકતા,
  શબ્દોનું ચયન, અવાજનો ઉતાર-ચડાવ, વિરામસ્થળ બધું જ મને ભારે
  પ્રિય લાગ્યું. કોણ છે આ બોલનાર એવા સવાલનો જવાબ મેળવવા જ.વ.ના
  પ્રવચન પછી પણ મેં ટીવી ચાલું રાખ્યું. સદ્નસીબે મો.બાપુએ પોતાના
  વક્તવ્યમાં તેના નામનો ઉલ્લેખ કર્યો કે તુરત જ તે નામ હૈયામાં ત્રોફાઈ
  ગ્યું. હિન્દીમાં પણ બાબા રામદેવજીના મંચ પરથી ભારતની સંસ્કૃતિ તથા
  પુરાતન ઈતિહાસના ન સાંભળ્યાં હોય તેવા કેટલાય છૂપા તથ્યો જ.વ.
  જેવો જ એક યુવાન લખાણ વિના યાદદાસ્ત અને પોતાના ચિંતનને 
  આધારે બોલતો સાંભળ્યો હતો. તેનું નામ અત્યારે યાદ નથી આવતું પણ
  તે યુવાન વયે જ અવસાન પામ્યાના ન્યૂજ મળેલાં. તેનું કાસળ કાઢી
  નંખાયાનું પણ લોકજીભે ચર્ચાય છે.

  ReplyDelete
 12. Nice article
  https://www.kadakmithi.com

  ReplyDelete
 13. ખુબ જ સરસ

  ReplyDelete