Tuesday, August 4, 2009

સાયગલના ગીતનો રૂપિયો, પંકજ મલિકના ગીતના બાર આના અને અશોક કુમારના ગીતના 25 પૈસા...પરાગ દવે
દરરોજ સ્કુલે જતાં-આવતાં રસ્તામાં આવતી લાંબી દિવાલની બીજી તરફ શું હશે તે જાણવાની ઉત્કંઠા સતત વધતી જતી હતી અને વળી ઘરેથી માએ પણ એ દિવાલ કદી નહીં કૂદવાની કડક સૂચના આપી હતી. છેવટે એક દિવસ તે એ દિવાલ કૂદીને અંદર ઉતર્યો. તે ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન હતું. બાળક જિજ્ઞાસાથી એક પછી એક કબર જોતાં જોતાં આગળ વધતો ગયો અને અચાનક એક કબર પર તેની નજર અટકી રહી. એ કબર કોઇ ખ્રિસ્તી પાદરીની કબર હતી જેના પર લખ્યું હતું :'જન્મ 13 ઓક્ટોબર 1887, મૃત્યુ 4 ઓગસ્ટ 1929'. લગભગ કલાક સુધી તે ત્યાં બેસી રહ્યો. બાળ આભાસકુમારના મનમાં એક બાબત દ્રઢ થઇ ગઇ કે મારો જન્મ 4 ઓગસ્ટ 1929ના રોજ થયો છે તો હું આ ફાધરનો જ પુનઃજન્મ છું. આજીવન તે આમ જ માનતો રહ્યો અને સમયનું એક પૂરું ચક્ર ફરી ગયું. 13 ઓક્ટોબર, 1987ના દિવસે શું થશે તેનો તેને ખ્યાલ નહોતો, પણ એ જ દિવસે તેનું અચાનક અવસાન થયું. આ આભાસકુમાર ગાંગુલી એ જ કિશોરકુમાર.
ખેર, આજે આપણે ભારતીય સિનેમાના ઇતિહાસના એકમાત્ર 'સંપૂર્ણ કલાકાર' (માત્ર ગાયક નહીં, પણ અદાકારી, સંગીત, દિગ્દર્શન, નિર્માણ, સ્ટોરીમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે) કિશોર કુમારની જન્મજ્યંતિ ઉજવી રહ્યા છીએ. એફએમ ચેનલો દિવસભર એમના ગીતો આપણને સંભળાવી રહી છે ત્યારે આપણે એમના સદાબહાર ગીતોની વાતો નથી કરવી પણ એમની સદાબહાર અને રોચક જિંદગીની વાત કરવી છે. બાય ધ વે, જિંદગી વિશે કદાચ સૌથી વધુ ગીતો પણ તેમણે જ આપ્યાં છે ને.
1948માં ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં દેવ આનંદ માટે ફિલ્મ જિદ્દીમાં સૌપ્રથમ ગીત (મરને કી દુવાએં ક્યું માંગુ, જીને કી તમન્ના કૌન કરે...) કોપી સાયગલની જેમ ગાઇને કિશોરકુમારે કારકિર્દીની શરૂઆત કરી અને માત્ર ને માત્ર પાર્શ્વગાયનમાં આગળ વધવાનું ધ્યેય હોવા છતાં તેમણે ટકી રહેવા માટે એક્ટિંગ કરવી પડી. યાદ રહે કે એ યુગ ફિલ્મ ઇતિહાસનો એક સંધિકાળ હતો, જ્યારે સાયગલનું અવસાન થયું હતું અને હીરો પોતે જ ગીત ગાય તેના બદલે અન્ય ગાયક હીરોને પોતાનો અવાજ આપે એ ટ્રેન્ડ શરૂ થઇ રહ્યો હતો. જોકે કિશોરકુમાર સામે પર્વત જેવા પડકારો હતા. રફી, મન્ના ડે, હેમંતકુમાર, તલત મહેમૂદ અને મુકેશ જેવા શાસ્ત્રીય સંગીતની અધિકૃત તાલિમ પામેલા સક્ષમ ગાયકો હિન્દી સિનેમા પાસે આવી ચૂક્યા હતા ત્યારે કિશોર જેવા સંગતની કોઇપણ પ્રકારની પ્રાથમિક તાલિમ પણ ના ધરાવતા ગાયક માટે પોતાની અલગ જગ્યા ઊભી કરવી અત્યંત મુશ્કેલ હતી ('મહાન' નૌશાદ તો કિશોરકુમારને ગાયક ગણતા જ નહોતા...).
દાદામોની અશોકકુમારે તેમને એક્ટિંગ કરવાની સલાહ આપી અને પરિણામ એ આવ્યું કે કિશોરકુમારને પોતાના માટે અને દેવ આનંદ માટે ગાવાની તક મળતી રહી. 'તક' શબ્દનો અહીં એટલા માટે ઉપયોગ કર્યો કે બિમલ રોયની ફિલ્મ 'નૌકરી' (1954)માં કિશોરકુમાર હીરો હતા અને તેનું અત્યંત સૂરીલું ગીત 'છોટા સા ઘર હોગા...' સંગીતકાર સલિલ ચૌધરી હેમંતકુમાર પાસે ગવડાવવા માંગતા હતા. કિશોરદાએ પોતાને આ ગીત આપવા માટે વારંવાર વિનંતી કરી પરંતુ સલીલદા બિલકુલ તૈયાર નહોતા. છેવટે કિશોરકુમારે હઠ કરી કે એક વખત મને સાંભળો અને ત્યારબાદ સલિલ ચૌધરીએ તેમને આ ગીત આપ્યું, જે સુપરહીટ થયું. જોકે સલિલ ચૌધરી કિશોરકુમારને ગાયક તો માનતા જ નહોતા. 1972માં આવેલી ફિલ્મ 'મેરે અપને'ના અમર ગીત 'કોઇ હોતા જિસકો અપના' સાંભળ્યા બાદ જ સલિલ ચૌધરીએ કિશોરદાને મહાન ગાયક માન્યાં. એ દરમિયાન વચ્ચે 18 વર્ષનો ગાળો પસાર થઇ ચૂક્યો હતો...
1955 બાદ પોતાની અફલાતુન કોમેડી અને યોડલિંગ સાથેના મસ્તીભર્યા ગીતોના કારણે કિશોરકુમાર બોલિવુડના સૌથી હોટ સ્ટાર બની ચૂક્યા હતા અને 1955-60 દરમિયાન ફિલ્મી મેગેઝિનોના કવર પર દેવ-દિલીપ-રાજ કરતાં આ બંગાળીબાબુના વધુ ફોટા છપાતાં હતા. ગ્રેટ. 1957ના ફિલ્મફેર મેગેઝિનમાં કિશોરકુમારે પોતાની યાદદાસ્તના સહારે એક ડાયરી સ્વરૂપે થોડું લખ્યું હતું, જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કિશોરકુમાર કરતાં અશોકકુમાર લગભગ 17 વર્ષ મોટા હતા અને બાળક કિશોર તો તેમને ભાઇ માનતા જ નહોતા. તેઓ તો એવું માનતા કે અનુપકુમાર જ તેમના ભાઇ છે.
અશોકકુમાર ફિલ્મ જીવનનૈયા બાદ મોટા સ્ટાર બની ગયા હતા અને ખંડવામાં બાળ કિશોર અત્યંત કડક એવા પિતા કુંજલાલથી છૂપાઇને પોતાના ગળાને તૈયાર કરી રહ્યા હતા (વકિલ પિતાએ ખરીદેલી ફોર્ડ કારને જ તેમણે 1958ની પોતાની સુપર-ડુપર હીટ ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં ચલાવી હતી.). કે એલ સાયગલ કિશોરકુમારના એકમાત્ર ગુરુ અને આજીવન તેઓ સાયગલને પોતાનાથી અત્યંત મહાન માનતા રહ્યા. એ જમાનામાં સાયગલ ઉપરાંત પંકજ મલિક અને સુરેન્દ્ર પણ લોકપ્રિય ગાયકો હતા અને અશોકકુમાર પણ એ સમયના નિયમ મુજબ ગીત ગાતા હતા. સ્ટાર ગાયક બન્યાં બાદ પ્રોફેશનાલિઝમને વળગી રહેનારા કિશોરદા નાનપણથી પ્રોફેશનલ જ હતા. ઘરમાં જ્યારે જ્યારે કોઇ સાયગલના ગીતની ફરમાઇશ કરે તો તેણે બાળ કિશોરને રૂ.1 આપવો પડતો. એ જ રીતે પંકજ મલિકના ગીત બાર આના અને સુરેન્દ્રના ગીત આઠ આનામાં તેઓ ગાઇ આપતાં. જોકે અશોકકુમારના ગીત સંભળાવવાનો તેઓ માત્ર 25 પૈસા ચાર્જ લેતા.
કિશોરકુમાર ખરા અર્થમાં પ્રોફેશનલ હોવાના કારણે તેમની છાપ કંજૂસ તરીકેની ઊભી થઇ હતી અને કિશોરે પણ ક્યારેય ઓલિયા બનવાના સભાન પ્રયત્ન કર્યા નહોતા. પોતાની સંગીતની ટેલેન્ટને બહુ શરૂમાં ઓળખી લેનારા અત્યંત ઓછા જાણીતા કલાકાર અરુણકુમાર મુખર્જીના અવસાન બાદ કિશોરકુમારે તેમની વિધવાને દર મહિને આજીવન ઘરખર્ચી મોકલી હતી. 'ચલતી કા નામ ગાડી' જેવી ગોલ્ડન જ્યુબિલી ઊજવનારી ફિલ્મની તમામ આવક તેમણે સંઘર્ષ કરી રહેલા પોતાના ભાઇ અનુપકુમારને આપી દીધી હતી. 'પથેરપાંચાલી' બનાવનારા સત્યજિત રેને પણ તેમણે આર્થિક મદદ કરી હતી.
કિશોરકુમાર ફિલ્મી પર્દે તો હીરો તરીકે 90થી વધુ ફિલ્મોમાં આવ્યા અને તેમાં અનેક ગોલ્ડન જ્યુબિલી ફિલ્મો હતી, પરંતુ રિયલ લાઇફમાં પણ તેઓ હીરો હતા. કટોકટીકાળમાં દેશમાં જેમની ધાક વાગતી હતી એ સંજય ગાંધીએ કિશોરકુમારને મુંબઇમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં ગાવા માટે જણાવ્યું હતું, પરંતુ કિશોરકુમારે ઇનકાર કરી દીધો. પરિણામે ઓલઇન્ડિયા રેડિયો પર કિશોરકુમારના ગીતો વગાડવા પર પ્રતિબંધ આવી ગયો, પણ અહીં પરવા કોને હતી? છેવટે ફિલ્મ જગતના અગ્રણીઓએ મામલો થાળે પડાવ્યો હતો.
To Be Continued...