Sunday, August 14, 2016

‘સી.આઇ.ડી.’ના ૬૦ વર્ષ: વહિદા રહેમાને ‘ગુરુ દત્ત મૂવિઝ’ સાથેનો કોન્ટ્રાક્ટ તોડી નાંખ્યો હોત તો?


-પરાગ દવે

તમારી જાણ ખાતર કે વર્ષોથી ચાલતી સી.આઇ.ડી.સિરિયલને ૬૦ વર્ષ હજી નથી થયા. આ એ સી.આઇ.ડી. ફિલ્મની વાત છે, જેનું ઓ. પી. નૈયરે ગીતા દત્ત પાસે ગવડાવેલું જાનદાર ગીત જાતા કહાં હૈ દિવાને ગયા વર્ષે પિટાઇ ગયેલી અનુરાગ કશ્યપની બોમ્બે વેલ્વેટમાં લેવામાં આવ્યું હતું. મજાની વાત એ છે કે સેન્સર બોર્ડ ત્યારે પણ ખૂબ સક્રિય હતું અને ગીતના ફીફી શબ્દ તથા ગીતના મુખડાંના શબ્દોને દ્વિઅર્થી ગણીને આ ગીત ફરીથી બનાવવા આદેશ કર્યો હતો. આ શક્ય ના બનતાં ફિલ્મમાં આ સુંદર ગીત સમાવવામાં જ આવ્યું નહોતું. આ ફિલ્મ હિન્દી સિનેમાની સર્વકાલિન શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં નિર્વાવાદ સ્થાન પામતા વહિદા રહેમાનની ડેબ્યૂ ફિલ્મ હતી. અને સૌના લાડલા કોમેડિયન મહેમૂદે આ ફિલ્મમાં વિલનનો નાનકડો રોલ કર્યો હતો.

એક ધનિક વ્યક્તિના અન્ડરવર્લ્ડ સાથેના કનેક્શનનો પર્દાફાશ કરવા જઇ રહેલા અખબારના તંત્રીનું મર્ડર થઇ જાય અને ફિલ્મનો હીરો પોલિસ ઇન્સ્પેક્ટર અનેક ચકરાવા બાદ આખાં ષડયંત્રનો ભેદ ખોલે એ વાર્તા ભલે આજે કોમન લાગે પણ 60 વર્ષ અગાઉ આ ફિલ્મે જબરું આકર્ષણ ઊભું કર્યું હતું.

હવે એ તો બધા જાણે છે કે દેવ આનંદ, ગુરુ દત્ત અને રહેમાન આજીવન મિત્રો હતા અને દેવ આનંદ તથા ગુરુ દત્તે સંઘર્ષના દિવસોમાં એકબીજાને વચન આપ્યું હતું કે જો પોતાની ફિલ્મ કંપની સ્થાપશે તો દેવઆનંદ ગુરુ દત્તને દિગ્દર્શક તરીકે અને ગુરુદત્ત દેવઆનંદને હીરો તરીકે મોકો આપશે. દેવ આનંદે પોતાની નવકેતન ફિલ્મ્સની બાઝી’ (૧૯૫૧)માં ગુરુ દત્તને દિગ્દર્શન સોંપીને પોતાનું વચન પાળ્યું, પણ ગુરુ દત્ત મૂવિઝ પ્રા લિ.ના બેનર હેઠળ બનેલી સી.આઇ.ડી.માં દેવ આનંદને હીરો તરીકે જરૂર લેવામાં આવ્યા, પણ દિગ્દર્શન રાજ ખોસલાએ કર્યું, કારણ કે દત્ત સાહેબ પ્યાસાની તૈયારીમાં લાગ્યા હતા! સ્વતંત્ર દિગ્દર્શક તરીકે રાજ ખોસલાએ ત્યારબાદ વો કૌન થી, દો બદન, દો રાસ્તે અને મૈં તુલસી તેરે આંગન કી જેવી ઉમદા ફિલ્મો આપી હતી.

કારકિર્દીના બીજા જ વર્ષે પ્યાસા જેવી ફિલ્મ મેળવનારા વહિદા રહેમાને ૧૭ વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ રોજુલુ મારાઇ (ઉચ્ચારમાં ભૂલ-ચૂક હોય તો મોટું મન રાખવું) ફિલ્મમાં એક ડાન્સ સાથે કરિયરની શરૂઆત કરી. તમિલનાડુમાં મુસ્લિમ કુટુંબમાં જન્મેલા વહિદા રહેમાનને આમ તો નાનપણમાં ડોક્ટર બનવાના સ્વપ્ન આવતા પણ તેમની નિયતિમાં પ્યાસાની ગુલાબોના પાત્રથી અમર બનવાનું નિશ્ચિત હતું તો અનાયાસે તેલુગુ ફિલ્મોમાં આવી ગયા. હૈદરાબાદમાં જ વહિદા રહેમાન અને ગુરુ દત્ત પ્રથમ વખત મળ્યાં હતા. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ગુરુ દત્ત સન્માનનિય સ્થાન ધરાવતા હતા અને ફિલ્મ મેકિંગની ટેક્નિકમાં તેમણે કરેલા બદલાવ ધૂમ મચાવી રહ્યા હતા. તેમના પત્ની ગીતા દત્ત ટોપ રેન્ક સિંગર તરીકે પ્રસ્થાપિત થઇ ચૂક્યા હતા અને ક્લબ સોંગ્સમાં તેમની મોનોપોલિ હતી. સાવ નવી-સવી વહિદા રહેમાન સી.આઇ.ડી.દ્વારા દત્ત કેમ્પમાં અને પછી તેમના જીવનમાં પ્રવેશી જશે એવી કલ્પના પણ ક્યાંથી હોય?

ખેર, સારું ઉર્દૂ બોલી શકતા વહિદા રહેમાન ગુરુ દત્તના મનમાં પ્યાસાની ગુલાબોના રોલ માટે પરફેક્ટ સ્થાન જમાવી ચૂક્યા હતા અને થોડા અનુભવ માટે તેમની સાથે સી.આઇ.ડી.અને પ્યાસાએમ બે ફિલ્મ માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો. સી.આઇ.ડી.માં મુખ્ય હિરોઇનનો રોલ તો ત્યારની જાણીતી હિરોઇન શકિલાને આપવામાં આવ્યો હતો પરંતુ સેકન્ડ લિડ વહિદા રહેમાન સાઇન થયા. જોકે, ફિલ્મના નિર્માણ દરમિયાન આજે સાવ સામાન્ય લાગે તેવી વાતે વહિદા રહેમાન કોન્ટ્રાક્ટ તોડી દેવા સુધી પહોંચી ગયા હતા. બન્યું હતું એવું કે ફિલ્મમાં કહીં પે નિગાહેં, કહીં પે નિશાનામાટે વહિદાએ એક સી-થ્રુબ્લાઉઝ પહેરવાનું હતું, જે નવા કોસ્ચ્યૂમ ડિઝાઇનર ભાનુમતિ (જે પછીથી ભાનુ અથૈયા તરીકે મશહૂર થયા)એ ડિઝાઇન કર્યું હતું. આજના જમાનામાં હિરોઇનો ગમે તેવા ભંગાર કપડાં પહેરવાને ફેશન ગણાવે છે પણ ત્યારે તો (મોટાભાગની) હિરોઇનો સેક્સી નહીં, પણ સુંદર દેખાવા જ પ્રયત્ન કરતી! વહિદા રહેમાન નવા હતા, પણ આવા કપડાં સાથે ગીત શુટ કરવાની દિગ્દર્શક રાજ ખોસલાની જિદને જરા પણ તાબે થયા નહીં અને ફિલ્મના કોન્ટ્રાક્ટ રદ કરી દેવા સુધીની તૈયારી દર્શાવી. અંતે રાજ ખોસલાએ ખંડાલામાં અબ્રાર અલ્વી સાથે પ્યાસાલખી રહેલા ગુરુ દત્તને બોલાવવાની ફરજ પડી. ગુરુ દત્ત આવ્યા ત્યારે વહિદા મેક-અપ રૂમમાં બેઠાં હતા, પણ પોતાના નિર્ણય પર અડગ હતા. દેવ આનંદને સ્વિટ્ઝર્લેન્ડ જવાનું હોવાથી તાત્કાલિક શૂટિંગ પૂરું કરવાનો બીજો કોઇ રસ્તો સૂઝતો નહોતો ત્યારે અંતે વહિદા રહેમાને જ દુપટ્ટો રાખીને ગીતનું શૂટિંગ કરવાનો રસ્તો બતાવ્યો અને એ તમે ગીતમાં જોઇ શકો છો!

જો તમે ગુરુ દત્તના (મારી જેમ) એ.સી. હોવ (ફેન શબ્દ નાનો પડે) તો સ્વાભાવિક રીતે એવું સમિકરણ ગોઠવવા માંડો કે આ રીતે દુપટ્ટો રાખીને ગીત ગાવાના બદલે વહિદા રહેમાને ગુરુ દત્ત મૂવિઝ સાથેનો કોન્ટ્રાક્ટ જ તોડી નાંખ્યો હોત તો ગુરુ દત્ત અને ગીતા દત્તના જીવનમાં તોફાન આવતું અટકી ગયું હોત અને ટી.વી. ચેનલો એ દંપત્તિને જીવતેજીવ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ્સઆપી શકી હોત! પરંતુ...સિને ઉદ્યોગમાં એક ડિબેટ વર્ષોથી ચાલી આવી છે અને તેમાં કંઇક વજૂદ પણ લાગે છે કે વહિદા રહેમાન સાથેની નિકટતા અને તેના કારણે અંગત જીવનમાં આવેલા ઝંઝાવાત વગર આપણને અતિ સંવેદનશીલ સર્જકગુરુ દત્ત મળ્યા હોત? કેમ કે વહિદા રહેમાનનો ગુરુ દત્તના જીવનમાં પ્રવેશ થયો એ પહેલાંની તેમની તમામ ફિલ્મો ટેક્નિકલી જરૂર શ્રેષ્ઠ હતી, પણ કથાનક તો ક્રાઇમ થ્રિલર અને ક્યારેક હળવીફુલ મિસ્ટર એન્ડ મિસિસ ૫૫જેવાં જ રહેતા.

બાય ધ વે, ગુરુ દત્તે સી.આઇ.ડી.થી વહિદા રહેમાનને હિન્દી સિનેમામાં બ્રેક આપ્યો પણ ડાયરેક્ટર રાજ ખોસલા તો વહિદાજીથી એટલા નારાજ હતા કે તેમણે ગુરુ દત્તને એવું કહી દીધું હતું કે વહિદા ફિલ્મોમાં ચાલી શકે એમ જ નથી. થોડાં મહિના બાદ ગુરુ દત્તે પ્યાસાના જગમશહૂર ગીત જાને ક્યા તૂને કહી, જાને ક્યા મૈને સુનીના દ્રશ્યો બતાવ્યાં ત્યારે ખોસલાની આંખો ફાટી ગઇ કે આ હિરોઇને મારા નિર્દેશનમાં તો વેઠ ઉતારી હતી તો તમે એની પાસે આ પર્ફોર્મન્સ કઇ રીતે અપાવ્યું???

જોકે, એ પર્ફોર્મન્સ કોઇ ચમત્કાર નહોતો એ તો વહિદાજીએ ત્યારબાદ અનેક ફિલ્મોમાં સાબિત કરી આપ્યું જ્યારે આ ફિલ્મની લીડ એક્ટ્રેસ શકીલા તો દેવ-વહિદાની ગાઇડ આવ્યા પહેલાં જ લગભગ ખોવાઇ ગઇ હતી. ગુરુ દત્તની જ ફિલ્મ આર-પારમાં બાબુજી  ધીરે ચલના જેવું ગીતાનું એવરગ્રીન ગીન આ શકીલા પર ફિલ્માવાયું હતું. આ શકીલાના બહેન નૂરજહાંએ બદરૂદ્દીન જમાલુદ્દીન કાઝી સાથે લગ્ન કર્યા હતા, જેમને આખું જગત જ્હોની વોકરના નામે ઓળખે છે. ગુરુ દત્તે બદરૂદ્દીન કાઝીને જ્હોની વોકર નામ આપવા ઉપરાંત પોતાની તમામ ફિલ્મોમાં રોલ પણ આપ્યો હતો અને તેમના પ્રતાપે જ જ્હોની વોકર બોલિવુડના સૌથી પહેલાં સ્પેશિયલાઇઝ્ડ કોમેડિયનનો દરજ્જો પામ્યાં હતા.

આ ફિલ્મને અમરત્વ તો ઓ.પી. નૈયરના સંગીતે આપ્યું છે. સામાન્ય રીતે ગુરુ દત્તની ફિલ્મોમાં એસ.ડી. બર્મનનું જ સંગીત હોય, પરંતુ 'બાઝ' અને આ સી.આઇ.ડી.માં ઓ.પી.એ સંગીત આપ્યું હતું. સી.આઇ.ડી.ના તમામ ગીતો, રિપીટ, તમામ ગીતો સુપરહીટ હોવા છતાં 'પ્યાસા' માટે ગુરુ દત્તે સચિનદેવ બર્મનનું જ સંગીત લીધું. સી.આઇ.ડી.ના ગીતો પણ ગુરુ દત્તના પ્રિય સાહિરે નહીં, મજરુહ સુલતાનપુરી અને જાંનિસાર અખ્તરે (જાવેદ અખ્તરના પિતા અને ફરહાન અખ્તરના દાદા) લખ્યાં હતા. મજરૂહે લખેલું 'યે હૈ બમ્બઇ મેરી જાન' એ વર્ષે બિનાકા ગીતમાલામાં પ્રથમ ક્રમે હતું. અન્ય ગીતો પણ કેવા- લે કે પહેલા પહેલા પ્યાર, આંખો હી આંખો મે ઇશારા હો ગયા, બૂઝ મેરા ક્યા નામ રે અને ઉપર જેમનો ઉલ્લેખ છે એ ત્રણેય ગીતો. ફિલ્મના પ્રોડ્યુસરની પત્ની જ ટોપ રેન્ક સિંગર હોવા છતાં ફિમેલ વોઇસમાં શમશાદ બેગમ અને આશા ભોંસલેના ગીતો પણ છે. ફિલ્મમાં કોરિયોગ્રાફર ઘરે-ઘરે જાણીતા એક્ટ્રેસ દાદીમાં ઝોહરા સહેગલ હતા, જે 2014માં જ 102 વર્ષની ઉંમરે સ્વર્ગે સિધાવ્યા.

પણ સી.આઇ.ડી. બાદ ગુરુ દત્ત કેમ અત્યંત સંવેદનશીલ ફિલ્મો તરફ વળી ગયા એનો ભેદ તો સી.આઇ.ડી.ના એ.સી.પી. પ્રદ્યુમ્ન પણ કદાચ નહીં ઉકેલી શકે!

No comments:

Post a Comment