Monday, August 15, 2016

ગાંધીજી, સરદાર, જિન્નાહઃ જીવનભર ઝઝૂમ્યા બાદ પણ હ્રદય ખંડિત!


-પરાગ દવે

ઇતિહાસ બહુ ક્રૂર શિક્ષક છે, પણ ઇતિહાસ સાથે આપણે ગુજરાતીઓ બહુ લગાવ રાખતા નથી તે પ્રજા તરીકે આપણી બહુ મોટી ભૂલ છે. સમાજવિદ્યા આજે પણ આપણા બાળકો માટે મહત્ત્વનો વિષય નથી, કારણ કે તેમાં ગણિતની જેમ પૂરા માર્ક મળવા મુશ્કેલ લાગે છે! વિશ્વફલક પર મહાનતમ નેતાઓ તરીકે જેમના નામ ઝળહળે છે તેવા નેતાઓ અને તેમના સંઘર્ષને ભૂલાવીને આપણે માત્ર કેલેન્ડરમાં તેમની જન્મજ્યંતિની રજાઓ કયા વારે આવે છે તે શોધતા રહીએ છીએ અને આ વર્ષે સ્વાતંત્ર્ય દિન સોમવારે આવ્યો હોવાથી એકંદરે વધુ ફીલ-ગુડ ફેક્ટર છે!

ભારતના સ્વાતંત્ર્ય માટે અગણિત જાન કુરબાન થઇ હતી અને 1857ની ક્રાંતિ બાદ પણ નામી-અનામી અનેક યુવાનોએ શહીદી વહોરી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ બ્રિટીશરો ભારત છોડી જશે એ નિશ્ચિત લાગતું હતું ત્યારે ગાંધીજી સાથે સરદાર પટેલ અને મોહમ્મદઅલી જિન્નાહ રાજકીય ગતિવિધિઓના સૌથી મહત્ત્વપૂર્ણ પાત્રો બની ગયા હતા અને આ ત્રણેય ગુજરાતી હતા. ગુજરાતે બે દેશના રાષ્ટ્રપિતા આપ્યાં છે!

જે સ્વતંત્રતા મેળવવા માટે જીવન હોમી દીધું હતું તે સ્વતંત્રતા મેળવતાં દેશના ભાગલાં પડી રહ્યા હોવાની વાતે મહાત્મા ગાંધી અત્યંત વ્યથિત હતા અને અંતે આઝાદી મળ્યાંના સાડા પાંચ મહિનામાં તેમની હત્યા થઇ. વિભાજન વખતે થયેલી હિંસામાં પાંચ લાખથી 10 લાખ લોકોના મૃત્યુ થયા હોવાનો અંદાજ છે અને સ્વાભાવિક રીતે અહિંસાના પૂજારી માટે સ્વતંત્રતાનું આ પ્રકારનું લોહિયાળ આગમન અસહ્ય ઘાવ સમાન બની રહ્યું હતું.

ગાંધીજીના અવસાનના આઠ મહિના બાદ જિન્નાહે મૃત્યુ પહેલાં પોતાના ડોક્ટરને કહ્યું હતું: “પાકિસ્તાન હેઝ બિન ધ બિગેસ્ટ બ્લન્ડર ઓફ માય લાઇફ,” ! 14 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાન અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ જિન્નાહ પૂરા 13 મહિના પણ જીવ્યા નહોતા અને તેમનો તમામ સંઘર્ષ તેમને મરણપથારીએ અર્થહિન લાગ્યો હતો!

સરદાર વલ્લભભાઇ પટેલે 550થી વધુ દેશી રજવાડાંના સ્વતંત્ર ભારતમાં વિલિનીકરણને શક્ય બનાવીને ભારતના બિસ્માર્કનું બિરુદ મેળવ્યું હતું પણ સ્વતંત્ર ભારતના ઉપ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે માત્ર ત્રણ વર્ષ અને ચાર મહિના જેટલો સમય મેળવનારા સરદારે કેવા ક્ષુલ્લક આક્ષેપોના જવાબ જીવતે જીવ આપવા પડ્યા હતા? 15 ડિસેમ્બર 1950ના દિવસે સરદારનું અવસાન થયું તેના લગભગ બે મહિના પહેલાં 3 ઓક્ટોબરે આપેલા એક પ્રવચનમાં સરદારે જે કહ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે આઝાદીના માત્ર સાડા ત્રણ વર્ષમાં દેશના ઘડવૈયાને કેટલી પીડા પહોંચી હશે? એ પ્રવચનમાં સરદારે કહ્યું હતું, કેટલાક કહે છે કે સરદાર મૂડીવાદીઓના હાથમાં છે. હું કોઇના હાથમાં નથી. કોઇ મને પોતાના હાથમાં રાખી શકે નહીં. જે દિવસે મને એમ લાગશે કે હું મૂડીવાદીઓ વિના ચલાવી શકું છું, હું એક પળ પણ નહીં અચકાઉ. ઘણા કહે છે કે મારી પાસે ખૂબ પૈસા છે. જે લોકો એમ સમજે છે કે આવી વાતોથી મને ચલિત કરી શકાશે એમના ભાગ્યમાં માત્ર નિરાશા આવશે. વર્ષો પહેલાં મેં મારી બધી જ સંપત્તિ છોડી દીધી છે. જો કોઇ એમ કહે કે મારી પાસે સંપત્તિ છે તો હું તેના નામે કરી દેવા તૈયાર છું. જો આપણી પાસે મૂડી હોય તો આપણે પણ મૂડીવાદી થવામાં વાંધો ના લઇએ, આપણી પાસે નથી માટે આપણે આક્રોશ કરીએ છીએ .” યાદ રહે, આ વ્યથા એ સરદારે વ્યક્ત કરવી પડી હતી કે જેમણે આઝાદી મળ્યાના દિવસે ઊજવણીમાં સમય વ્યય કરવાના બદલે પાકિસ્તાનના નૌકાદળની પહેલાં ભારતનું નૌકાદળ મોકલીને લક્ષદ્વિપ ટાપુઓ પર કબજો મેળવી લીધો હતો!

1937માં પ્રથમ વખત 18 રાજ્યોમાં કોંગ્રેસની સરકાર રચાઇ હતી અને તે બ્રિટીશરો દ્વારા તૈયાર થયેલી નીતિઓ મુજબ કાર્ય કરતી હતી ત્યારે આ સરકારો મૂડીવાદીઓ માટે જ કામ કરે છે અને ગરીબોની સદંતર અવગણના કરવામાં આવે છે તેવા કારણ સાથે જયપ્રકાશ નારાયણે કોંગ્રેસ વર્કીંગ કમિટીમાંથી રાજીનામું આપી દીધું હતું. આઝાદીના 69 વર્ષ બાદ પણ ભારતમાં કોઇપણ સરકાર પર આક્ષેપ માટે હજુ આ જ શબ્દો વપરાય છે.
શોષણ, પીડા, અભાવ અને અસમાનતા જેવા દૂષણોથી આપણા સમાજને આઝાદી અપાવવા માટે તમામ દેશભક્તોએ પ્રયત્નો કરવા હવે અનિવાર્ય છે.

જય હિન્દ!

No comments:

Post a Comment