Tuesday, August 16, 2016

બલુચિસ્તાનની ટેલેન્ટે ભારતમાં ધૂમ મચાવી છે!


-પરાગ દવે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી બલુચિસ્તાનનો ઉલ્લેખ કર્યો અને ૭૦ વર્ષથી બલુચિસ્તાનના લોકો દ્વારા ચાલતી લડાઇને જાણે નવી ઊર્જા મળી છે. કશ્મીરના મુદ્દે પાકિસ્તાનની ટોચની નેતાગીરી ક્યારેય નિવેદન આપવાનો મોકો ચૂકતી નથી ત્યારે લાલ કિલ્લા પરથી બલુચિસ્તાન, ગિલગીટ અને પાક ઓક્યુપાઇડ કશ્મીરનો ઉલ્લેખ કરનારા નરેન્દ્ર મોદી સ્વાભાવિક રીતે ‘પ્રથમ’ ભારતીય વડાપ્રધાન બન્યાં છે. જોકે, આપણને રસ પડે તેવી બાબત એ છે કે દક્ષિણ-પશ્ચિમ પાકિસ્તાનમાં સ્થિત બલુચિસ્તાનમાં જન્મેલી ઘણી હસ્તીઓને આપણે ઓળખીએ છીએ, જેઓ પત્રકારત્વ અને ફિલ્મોને સમર્પિત જીવન જીવી છે.
રુસી કરંજિયા
૧૯૪૧માં ઇન્વેસ્ટિગેટિવ ટેબ્લોઇડ ‘બ્લિટ્ઝ’ શરૂ કરીને પત્રકારત્વમાં મહત્ત્વનું પ્રદાન કરનારા રુસ્તમ ખુર્શીદ કરંજિયા (આર. કે. કરંજિયા) બલુચિસ્તાનના સૌથી મોટા શહેર ક્વેટામાં જન્મ્યા હતા. લગભગ ચાર દાયકા સુધી ‘બ્લિટ્ઝ’ અનેક લોકોની પસંદ બની રહ્યું હતું. ક્વેટાના આ હોનહાર પારસી પરિવારે ભારતમાં કેવું યોગદાન આપ્યું છે? આર, કે. કરંજિયાના લઘુબંધુ બી.કે. કરંજિયા ૧૮ વર્ષ સુધી ‘ફિલ્મફેર’ અને ત્યારબાદ ૧૦ વર્ષ સુધી ‘સ્ક્રિન’ના તંત્રી રહ્યા હતા અને પછી તો તેમણે ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશન સ્થાપ્યું હતું. સમય જતાં તેનું નામ બદલીને ‘નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા’ કરવામાં આવ્યું અને તેના તેઓ ચેરમેન હતા. લો-બજેટ આર્ટ ફિલ્મોને ધિરાણ આપવાનું પ્રશંસનિય કામ આ સંસ્થાએ કર્યું છે. રુસિ કરંજિયાના પુત્રી રિટા મહેતાએ ‘સિને બ્લિટ્ઝ’ની સ્થાપના કરી અને તેના પ્રથમ એડિટર-ઇન-ચીફ બન્યાં હતા. (મેગેઝિનના પ્રથમ અંકના કવર પર ઝિન્નત અમાનની તસવીર હતી અને અંદરના પેજ પર પ્રોતિમા (પ્રતિમા) બેદીના મુંબઇમાં જૂહુ બિચ પરના ‘ન્યૂડ રન’ની તસવીરો હતી.)
આ પારસી ફેમિલી ઉપરાંત, ફિલ્મો કરતાં સલમાન ખાન સામેના આક્ષેપોની પત્રકાર પરિષદ માટે વધુ જાણીતા વિવેક ઓબેરોયના પિતા સુરેશ ઓબેરોય પણ આઝાદીના માત્ર એક વર્ષ અગાઉ ક્વેટામાં જ જન્મ્યાં હતા અને ભાગલાં પડતાં તેમના પિતાએ ભારતમાં આવીને હૈદરાબાદમાં મેડિકલ સ્ટોર્સની ચેઇન સ્થાપી હતી. (કેટલાક વાંકદેખા એવું કહે છે કે જો વિવેક એક્ટિંગ નહીં સુધારે તો એણે પણ કોઇ સ્ટોર જ શરૂ કરવો પડશે.)
આર. કે. ફિલ્મ્સની ‘હીના’ અને તેની સુંદર પાકિસ્તાની હિરોઇન તો તમને યાદ જ હશે! હા, ‘હીના’ અને અદનાન સામી સાથેના લગ્ન તથા છૂટાછેડા માટે ચર્ચામાં આવેલી ઝેબા બખ્તિયાર પણ બલુચિસ્તાનની જ છે. છૂટાછેડાના કિસ્સામાં અનેક વખત પોલિસ કેસ પણ થતા હોય છે તેના પરથી યાદ આવ્યું કે આપણી ફિલ્મોના ‘કાયમી’ પોલિસ ઇન્સ્પેક્ટર ઇફ્તિખારના બહેન વીણા (મૂળ નામ તજોર સુલતાના) ૧૯૨૬માં ક્વેટામાં જ જન્મ્યા હતા અને ભારતમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં કિશોરકુમારની ‘ચલતી કા નામ ગાડી’નો પણ સમાવેશ થાય છે. ફિલ્મ ‘તાજમહાલ’ (૧૯૬૩) માટે તેમણે ફિલ્મફેરનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ પણ મેળવ્યો હતો. ભાગલાં છતાં તેઓ બલુચિસ્તાન જવાના બદલે ભારતમાં જ રોકાઇ ગયા હતા અને તેમનો તે નિર્ણય યોગ્ય સાબિત થયો હતો કારણ કે બ્રિટિશરોની વિદાય પછી તરત જ રાજકારણે એવા રંગ બદલ્યાં હતા કે કલા-જગતના વિકાસ માટે ખાસ કોઇ અવકાશ નહોતો.
વીણા

૪ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ, પાકિસ્તાનની આઝાદીના બરાબર ૧૦ દિવસ અગાઉ, પાકિસ્તાન, બ્રિટિશરો અને બલુચિસ્તાન વચ્ચે એક કરાર કરવામાં આવ્યો હતો, જેમાં બલુચિસ્તાનના સાર્વભૌમત્વને સ્વિકારવામાં આવ્યું હતું. પાકિસ્તાનના અસ્તિત્વના બે દિવસ પહેલાં, ૧૨ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ બલુચિસ્તાને પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધું હતું અને ચૂંટણી યોજીને ડિસેમ્બર મહિનામાં એસેમ્બ્લી સેશન પણ યોજ્યું હતું. બલુચિસ્તાનના લોકો માટે ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો ધરાવતા તત્કાલિન નેતા ઘૌસ બક્ષ બિઝેન્જોએ ૧૪ ડિસેમ્બર ૧૯૪૭માં જે વક્તવ્ય આપ્યું હતું તે આજે પણ પાકિસ્તાનથી અલગ બલુચિસ્તાન માટેની મુખ્ય દલીલ ગણાય છે. તેમણે કહ્યું હતું કે, “અમે ઇરાન અને અફઘાનિસ્તાનની જેમ અલગ સભ્યતા ધરાવીએ છીએ. બ્રિટિશ ઇન્ડિયા અગાઉ અમે ક્યારેય ભારતનો ભાગ નહોતા. માત્ર મુસ્લિમ હોવાના નાતે અમારે કોઇ દેશ સાથે જોડાવું પડે તે અયોગ્ય છે. જો માત્ર મુસ્લિમ હોવાના નાતે પાકિસ્તાન સાથે અમારા જોડાણની વાત હોય તો ઇરાન અને અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ દેશો પણ પાકિસ્તાનમાં ભળી જવા જોઇએ.” આ ભાષણે બલુચિસ્તાનના બચ્ચા-બચ્ચાને રોમાંચિત કરી દીધા હતા. “અમે પાકિસ્તાન વગર ટકી જઇશું, પરંતુ અમારા વગરનું પાકિસ્તાન કેવું હશે?” એવા બક્ષના સવાલે પાકિસ્તાનને ચોંકાવી દીધું હતું. જોકે, મિલિટરી પાવરના જોરે બલુચિસ્તાન પાકિસ્તાનનો હિસ્સો બની ગયું એ સ્વાભાવિક છે અને ૧૯૭૭માં તો ગ્વાદર પોર્ટને પણ બલુચિસ્તાનનો ભાગ બનાવવામાં આવ્યું.
લગભગ ૩.૫૦ લાખ ચોરસ કિમીમાં ફેલાયેલું બલુચિસ્તાન પાકિસ્તાનનો ૪૪ ટકા જેટલો ભૂભાગ ધરાવે છે. નેચરલ ગેસ, કોલસો અને અન્ય ખનીજો બલુચિસ્તાનને સમૃદ્ધ બનાવી શકે છે પણ અહેવાલો મુજબ, અહીં ૬૦ ટકા લોકો ગરીબી રેખા હેઠળ જીવે છે અને સાક્ષરતાનો દર ૪૦ ટકા જેટલો નીચો છે! મુખ્ય શહેર ક્વેટામાં એક કલાક પાણી પૂરવઠો આપવામાં આવે છે. અન્ય બાબતોમાં પણ બલુચિસ્તાનની ટેલેન્ટને સતત અન્યાયની ફરિયાદ કરવામાં આવે છે જેમ કે પાકિસ્તાન સુપર લિગ (પીએસએલ)માં ક્વેટા ગ્લેડિયેટર્સ ટીમ છે, પરંતુ તેમાં માત્ર એક ખેલાડી બિસ્મિલ્લાહ ખાન બલુચિસ્તાનનો છે અને તેને પણ મોટાભાગે અંતિમ ઇલેવનમાં સ્થાન મળતું નથી!

No comments:

Post a Comment