Sunday, August 21, 2016

"બક્ષીસાહેબનો ‘વિકલ્પ’ હજુ મળ્યો નથી અને કદાચ મળશે પણ નહીં"


-પરાગ દવે

ડિસેમ્બર 2012માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત ચૂંટાયા ત્યારથી લઇને મે-2014માં વડાપ્રધાન તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા તે સમયગાળામાં કોલમિસ્ટ ચંદ્રકાંત બક્ષીને મેં સૌથી વધુ મિસ કર્યાં છે. ગુજરાત અને ભારતના રાજકારણના તમામ ચઢાવ-ઉતાર વખતે બક્ષીબાબુની કલમે ધારદાર વિશ્લેષણ પ્રકટ કર્યાં હતા પરંતુ મોરારજી દેસાઇ બાદ પ્રથમ વખત એક ગુજરાતી ભાજપની તમામ આંતરિક ખેંચતાણને શમાવીને વડાપ્રધાન બનવા જઇ રહ્યા હતા તે ઘટનાનું નિરૂપણ બક્ષીબાબુની કલમે આપણને વાંચવા નથી મળ્યું તેનો ખેદ કાયમ રહેશે. કલકત્તામાં પોતાની કપડાંની દુકાનના કાઉન્ટર બેસીને તેમણે જે વાર્તાઓ અને નવલકથાઓ લખી તેણે ગુજરાતી સાહિત્યમાં હલચલ મચાવી દીધી હતી અને બીજી તરફ, અખબારોની કોલમના સ્તરને તેઓ એટલું ઊંચું લઇ ગયા કે આજે તેમના અવસાનના સવા દસ વર્ષ બાદ પણ તેમનો વિકલ્પ હજી સુધી આપણને મળ્યો નથી, અને કદાચ મળશે પણ નહીં.શનિવારે, 20 ઓગસ્ટની રાત્રે (યસ, બક્ષીસાહેબના જન્મદિવસે) આ આ વાક્યો નવગુજરાત સમય ના તંત્રી અજયભાઇ મટ બોલ્યાં ત્યારે ગુજરાત અને ગુજરાતી સાહિત્યના ફલક પર પોતાની રાખના ધબ્બાઓ મૂકી જનારા બક્ષીસાહેબની ગેરહાજરીનો વિષાદ સ્પષ્ટ હતો. (વિકલ્પ બક્ષીસાહેબની કોલમનું નામ હતું. વાતાયન તેમની ફ્લેગશીપ કોલમ હતી!)

સાહિત્યકાર બક્ષીએ પોતાની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ સહિતના સર્જન વિશે વિપુલ પ્રમાણમાં લખ્યું છે પરંતુ પત્રકાર અને કટાર-લેખક બક્ષીસાહેબની ખૂબીઓ અજયભાઇ મટથી વધુ સારી રીતે કોણ સમજાવી શકે, જેમણે વર્ષો સુધી કોલમિસ્ટ બક્ષી સાથે કામ કર્યું છે. આ બ્લોગના માધ્યમથી તેમના અનુભવો જણાવવા માટે મેં વિનંતિ કરી અને સતત 45 મિનિટ સુધી બક્ષીસાહેબની વાતોનો દૌર ચાલ્યો!

કોલમિસ્ટ બક્ષીએ જે માપદંડ સ્થાપ્યાં છે તે અનન્ય છે અને બક્ષીએ ગુજરાતી કોલમ લેખનમાં જે પરિવર્તનો આણ્યાં છે તેનું આજપર્યંત અનુસરણ થાય છે. અજયભાઇ દિવ્ય ભાસ્કરના શરૂઆતના સમયને યાદ કરતાં કહે છેઃ બક્ષી મારા ફ્રેન્ડ, ગાઇડ એન્ડ ફિલોસોફર તો હતા જ પણ અમારા અખબાર માટે તેઓ એક બ્રાન્ડ એમ્બેસેડર હતા. બક્ષી જોડાયા ત્યારપછી ગુજરાતના અન્ય ખ્યાતનામ કોલમિસ્ટોને અમારી સાથે જોડવાનું કામ સરળ બની ગયું હતું. બક્ષીએ મને સૂચવ્યું કે કોલમિસ્ટોના લેખ સાથે તેમના ફોટોગ્રાફ પણ છપાવા જોઇએ પરંતુ હું તે સૂચનનો સ્વીકાર કરવામાં થોડો ખચકાટ અનુભવતો હતો. બક્ષીસાહેબની દલીલ હતી કે લેખકના ફોટોગ્રાફ સહિત છપાતી કોલમ સાથે વાચકો વધુ સરળતાથી કનેક્ટ થશે અને ત્યારબાદ તમામ કોલમ સાથે તેના લેખકનો ફોટો છાપવાની અમે પહેલ કરી અને આ પ્રયોગ અત્યંત સફળ રહ્યો. બક્ષી માનતા કે ગુજરાતી કોલમિસ્ટોમાં તેમનો પુરસ્કાર સૌથી વધુ હોવો જોઇએ અને સાથોસાથ તેમનો આગ્રહ રહેતો કે લેખકોને સારો પુરસ્કાર મળવો જ જોઇએ!

વર્ષ 2005માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શાસક કોંગ્રેસને પરાસ્ત કરીને ભાજપે ઝળહળતો વિજય મેળવ્યો ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રચારના વિશ્લેષણ સમાન પાંચ હપ્તાની ખૂબ વખણાયેલી શ્રેણી જો જીતા વોહી સિકંદર અજયભાઇએ લખી હતી અને તેમાં પાંચમા દિવસે બક્ષીસાહેબે પણ એક લેખ લખ્યો હતો, જેનો સાર હતો – નરેન્દ્ર મોદી, દુશ્મનોથી તમને લાભ જ છે!” અને મોદી વડાપ્રધાન બન્યાં ત્યાં સુધી એ વારંવાર સિદ્ધ થતું રહ્યું છે. બક્ષીબાબુ જેટલી સજ્જતા ભાગ્યે જ કોઇ કટાર લેખકમાં જોવા મળે છે. રિસર્ચ અને ફેક્ટ્સથી ભરપૂર લેખોમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય મૂકીને બક્ષી લેખને સુપિરિયર બનાવે અને સાથોસાથ ભવિષ્યની સચોટ અટકળ પણ તેઓ મૂકી શકે. શબ્દની બંદગી કરતા બક્ષી પોતાના શબ્દો દ્વારા ધાર્યું તીર મારી શકતા હતા અને લેખોમાં શબ્દોનું ચયન એટલી ચિવટથી કરતા કે તેમના લેખમાંથી એક શબ્દ પણ એડિટ કરવો અશક્ય હતું. શ્રેષ્ઠ કટારલેખક હોવા છતાં તેમની શિસ્ત અનન્ય હતી. ડેડલાઇનના 24 કલાક અગાઉ જ પૂર્તિના સંપાદક પાસે તેમનો લેખ પહોંચી જાય તે સુનિશ્ચિત કરતા. પરફેક્ટ સંખ્યાના અક્ષરો સાથેનું હેડિંગ, સબ-હેડિંગ, હાઇલાઇટ્સ અને લેખ સાથેના ફોટોગ્રાફ સુધીની ચોક્સાઇ તેઓ રાખતાં!”

બક્ષી માત્ર પત્રકાર કે લેખક નહોતા, કવિતા સિવાય સાહિત્યનો ભાગ્યે જ કોઇ પ્રકાર છે જેમાં બક્ષીએ યોગદાન નથી આપ્યું. વક્તા તરીકે તેઓ બહુ ઊંચી ફી વસૂલી શકતા અને વક્તવ્યના અંતે આયોજકો તથા શ્રોતાઓનો મબલખ પ્રેમ પણ મેળવી જતા.

 _________________________________________

સાહિત્યકાર બક્ષીઃ
બક્ષીની પહેલી વાર્તા મકાનનાં ભૂત૧૯૫૧માં કુમારમાં છપાઇ હતી અને ત્યારે બક્ષી બી.એ.ના ત્રીજા વર્ષમાં હતા. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી તેમણે કંઇજ લખ્યું નહોતું અને ૧૯૫૪-૫૫થી તેમણે નિયમિત લખવાનું શરૂ કર્યું, જે પૂરા ૫૦ વર્ષ- મૃત્યુ સુધી- સતત ચાલુ રહ્યું.

બક્ષી પોતાની બીજી વાર્તા છૂટ્ટીને પોતાની પ્રથમ વાર્તા ગણતા હતા કારણ કે એ વાર્તા પછી બાકાયદા લેખક તરીકે લખવાનું તેમણે શરૂ કર્યું હતું. ગુજરાતથી દૂર, ત્યારના કલકત્તામાં લેખકચંદ્રકાન્ત બક્ષીનો જન્મ કઇ રીતે થયો? બક્ષીના અદ્‌ભૂત લેખોનો સંગ્રહ ધરાવતા પુસ્તક આભંગ’ (પ્રથમ આવૃત્તિ ૧૯૭૬)માં બક્ષીએ લખ્યું છે: પૂર્વ પાકિસ્તાનની સીમા પર બશિરહાટમાં મારા એક ઘનિષ્ઠ મિત્રની તમાકુની દુકાન હતી, એક દિવસ ગયેલો. સાંજ હતી, ઇચ્છામતિ નદી વહેતી હતી, દૂર પાકિસ્તાની ગનબોટ દેખાતી હતી. મિત્રે કહ્યું, સામે પાકિસ્તાન. દિવસે આ સીમાઓ પર રાઇફલો લઇને માણસો પરેડ કરે છે, રાત્રે ગળે મળે છે અને સ્મગલીંગ કરે છે. ઇચ્છામતિ નદીની એક ભેખડ પર એ વાર્તાનો જન્મ થયો. વાર્તા લખાઇ રહી ત્યાં સુધી થ્રી-નોટ-થ્રીનું બેરલ ચમકતું રહ્યું, અને ગન-બોટની પાણી પરથી આવતી વ્હીસલ. વાર્તા પ્રામાણિક હતી પણ લખાણ કમજોર હતું. છપાઇ ગઇ. ૧૪ વર્ષની ઉંમરે વયસ્ક થઇ ગયા પછી આશ્ચર્ય બહુ જલદી થતું ન હતું. એક પથી એક વાર્તા લખાઇ, હુગલી નદી પરની ડીંઘીઓ, ફાનસો પર મચ્છીની બુ. ઢળતી સાંજમાં નદીના પાણીથી કુલ્લા કરીને નમાજ પઢતા માઝીઓ, લીલી લુંગીઓ, ચાંદનીમાં ખાલી ફુટબોલના મેદાનો, છેલ્લી શિફ્ટ માટે સામે પારની જ્યુટ મિલોમાં હોડીઓમાં જતા મજદુરો, ગેસલાઇટની નીચે ભીંજાયેલું પોસ્ટકાર્ડ વાંચવાનો પ્રયત્ન કરતો ગાડાવાળો, ઝાડના અંધકારમાં ઊભી રહીને મને સમય પૂછતી વેશ્યા, ટેક્ષીઓ રોકીને પેશાબ કરવા બેસી જતા ટેક્ષી ડ્રાઇવરો, ફોર્ટ વિલિયમના વોટર ગેટમાં પાછી ફરતી લશ્કરની ભેંસોં, ઇડન ગાર્ડન પાસે કૂતરા વેચવા આવેલી, નાહીને તાપણાંઓ પાસે વાળ સૂકવતી જિપ્સી ઔરતો, આવતા ચોવીસ કલાકમાં વીંઝાનારા ભવિષ્યની ચિંતા, કલકત્તા--કલકત્તા--કલકત્તા....અને ચંદ્રકાન્ત બક્ષીનો જન્મ થયો.

બક્ષી કહેતા, સિદ્ધાંતો ઘડીને પછી એમનું પ્રતિપાદન કરવા માટે વાર્તા લખવા ન બેસાય. જેને સમજાય એવી સહેલી ભાષા લખતા આવડતી નથી એણે વાર્તા ના લખવી જોઇએ...વાર્તાનું ઉદ્‌ગમસ્થાન છાતી છે, મગજ નહીં, ફીલીંગ છે, બુદ્ધિ નહીં. બુદ્ધિ હલાવી નાંખવાથી વાર્તા નહીં વરસી જાય, માત્ર શબ્દો ઢોળાઇ જશે.

ગુજરાતી સાહિત્યમાં ઘટનાનો હ્રાસ કે તિરોધાનની ચર્ચા શરૂ થઇ ત્યારે બક્ષીએ કહેલું, ઘટના વિના હું લખી જ ના શકું! ૧૯૬૯માં જાતકકથાનવલકથા આવી ત્યાં સુધીનું તમામ સર્જન તેમણે કલકત્તામાં તેમની દુકાન અલકા સ્ટોરના કાઉન્ટર પર જ કર્યું હતું, પણ સાર્ત્રનો અસ્તિત્વવાદ એ પ્રત્યેક શબ્દમાં છલકે છે.

બક્ષીની ટૂંકી વાર્તાઓ કે નવલકથાના હીરો કોઇ રાજકુમારો નથી કે કોઇ ટિપીકલ આદર્શ ગુજરાતી યુવાન નથી. “...મારો નાયક મારી જેમ ઊંચાઇમાં નીચો, કાળો, ચશ્મા પહેરનારો, બદમાશીમાં બહલનારો, મર્દાનગીની અમખયાલીમાં ચૂર, ખાનારો-પીનારો, પ્રામાણિકતાને જ ધર્મ સમજનારો, હંમેશા નિષ્ફળ જનારો, એકજ સંતાનનો પિતા, બહેન વિનાનો, હિંદી-અંગ્રેજીથી સભર ગુજરાતી બોલનારો- અને શરીરની સ્વસ્થતા અને માંસલતા વિશે બહુ જ પક્કા અને જિદ્દી ખ્યાલો રાખનારો છે. એ વિષે શર્મ નથી, ગર્વ પણ નથી. એ વિષે કોઇ સફાઇ પેશ કરવાની જરૂર પણ નથી. એ બધું છે જ.બક્ષીએ ગુજરાતી સાહિત્યમાં એવા નાયકો આપ્યાં કે જે નિરાશામાં માથું ધૂણાવતો હોય અને ગાળ પણ બોલી શકતો હોય!

બક્ષીસાહેબ માત્ર નિષ્ણાત કે ચર્ચા સંયોજક તરીકે જ ટી.વી. પર છવાયા હતા એવું નથી. તિગ્માંશુ ધુલિયાએ દિગ્દર્શિત કરેલી વિખ્યાત સિરિઝ- સ્ટાર બેસ્ટસેલર્સમાં બક્ષીસાહેબની શ્રેષ્ઠ ટૂંકી વાર્તાઓ પૈકીની એક એવી એક સાંજની મુલાકાતપરથી એપિસોડ બનાવવામાં આવ્યો હતો અને તેમાં બક્ષીસાહેબનું પાત્ર ઇરફાનખાને ભજવ્યું હતું!

લોગ-આઉટઃ
જીવતા સર્જકનો મુદ્રાલેખ એક જ હોઇ શકે- to better my best.”  -ચંદ્રકાંત બક્ષી

(બાય ધ વે, ગુજરાતી કોલમમાં લેખના અંતે આ પ્રકારે કોઇ કહેવત કે ક્વોટ મૂકવાની શરૂઆત પણ બક્ષીસાહેબે કરી હતી!)

No comments:

Post a Comment