Thursday, December 29, 2016

ઓહો! ૨૭ વર્ષ થઇ ગયા?-પરાગ દવે

સદ્દામ હુસૈને હજુ કુવૈત પર આક્રમણ કર્યું નહોતું અને તેથી અમેરિકા અને યુ.કે.ના ‘ઓપરેશન ડેઝર્ટ સ્ટોર્મ’ની કલ્પના પણ અસ્થાને હતી. બર્લિન વોલનું સત્તાવાર ડિમોલિશન ચાલુ થવામાં હજુ છ મહિનાની વાર હતી. ભારતીય ક્રિકેટ ઇતિહાસના સફળતમ ટેસ્ટ કપ્તાનોમાં જેનું નામ આવી ગયું છે એ વિરાટ કોહલી હજી એક વર્ષનો હતો. આજના શ્રેષ્ઠતમ ઇલેક્શન સ્ટ્રેટેજિસ્ટ નરેન્દ્ર મોદીના નામે માત્ર ગુજરાતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના વિજયનો યશ બોલતો હતો. ‘ભારત રત્ન’નો એવોર્ડ મેળવી ચૂકેલા સચિન તેંડુલકરના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશને હજી એક જ મહિનો થયો હતો. સોવિયત યુનિયનના વિભાજનને અને કોલ્ડ વોરના અંતને હજુ બે વર્ષની વાર હતી. પી.વી. નરસિમ્હા રાવ અને ડો. મનમોહન સિંઘ ભારતીય અર્થતંત્રમાં સુધારાનો દૌર શરૂ કરે તે ઐતિહાસિક બજેટ બે વર્ષ દૂર હતું. વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ ચાલુ થવા આડે હજુ ચાર વર્ષ બાકી હતાં. માર્ક ઝકરબર્ગની ફેસબુકનું આગમન હજી ૧૫ વર્ષ પછી થવાનું હતું અને સ્ટિવ જોબ્સના પ્રથમ 2G આઇફોનની રિલીઝમાં પૂરા ૧૮ વર્ષની વાર હતી. અને હા, આવી ઘણી ઘટનાનું એક્ઝેટ વર્ષ જેના પર સર્ચ કરવામાં આવે છે તે ગૂગલના જન્મ આડે હજુ નવ વર્ષ બાકી હતા.... આ ૨૭ વર્ષમાં ભારત અને વિશ્વ ઘણું બદલાઈ ગયું છે, માત્ર એક અપવાદને બાદ કરતાં...અને એ અપવાદ છે આજથી બરાબર ૨૭ વર્ષ અગાઉ (૨૯ ડિસેમ્બર, ૧૯૮૯) ‘મૈને પ્યાર કિયા’ની રિલીઝથી છવાયેલો ‘ભાઈ’નો જાદુ! (પ્લિઝઝઝઝ...આટલી જ ઇન્ફો માટે મારો આભાર માનીને શરમાવશો નહીં!)
સૂરજ બડજાત્યાને જેનું ઓડિશન પસંદ આવેલું એ દીપરાજ રાણા આ ફિલ્મથી બડજાત્યા કેમ્પનો ‘પ્રેમ’ બનશે એ લગભગ નક્કી હતું પરંતુ ડેસ્ટિનીનો ‘પ્રેમ’ સલમાન પર વરસવાનો હતો! સલમાન જેવી અખંડ સફળતા માટે કુંડળીમાં સુપર ‘સ્ટાર’ હોવા અનિવાર્ય છે. ‘મૈને પ્યાર કિયા’ આવી એ અગાઉ બોલિવુડમાં એવી માન્યતા હતી કે ‘રાજશ્રી’ની ફિલ્મમાં લીડ રોલ કરનારા હિરોની કારકિર્દી આગળ વધતી અટકી જાય છે અને આ ફિલ્મ રિલીઝ થયા પછી ૨૪ વર્ષનો તરવરિયો સલમાન પણ લગભગ છ મહિના ફિલ્મ વિહોણો હતો. પણ કિસ્મત એની સાથે હતી, એવી કિસ્મત કે જે હરણકાંડ, હીટ એન્ડ રન (ગાડી કોણ ચલાવતું હતું એ હું નથી જાણતો કારણ કે હું એ રાત્રે ત્યાં હાજર નહોતો) કે ઐશ્વર્યા રાયના આક્ષેપો બાદ પણ લોકપ્રિયતા પર ઊની આંચ ના આવવા દે! પોતાની કિસ્મત (અને હજાર ટેન્શન વચ્ચે કેમેરા સામેની મહેનત) વડે સલમાન બોલિવુડના ઇતિહાસમાં પ્રોડ્યુસરોને સૌથી વધુ કમાણી કરાવનારો હિરો બન્યો છે. બાકી, ડેસ્ટિનીએ તો ભાગ્યશ્રીને પણ ‘સુમન’ બનાવીને તક આપી જ હતી ને? ખેર, ‘મૈને પ્યાર કિયા’ના સલમાન ખાન અને ખુદ સલમાને આજે પોતાની ફિલ્મના પ્રમોશન માટે જેમની સિરિયલમાં જવું પડે છે તે ‘જેઠાલાલ’ દિલીપ જોષીને બાદ કરતાં બીજા કોઈ કલાકાર આ ૨૭ વર્ષમાં કોઈ પરાક્રમ કરી શક્યા નથી એ પણ હકીકત છે. પણ હા, ‘બાબુજી’ આલોકનાથ આપણા સૌ માટે વંદનિય વિભૂતી છે... (આ ફિલ્મમાં નેગેટિવ રોલ કરનારા આપણા ધુરંધર ગુજરાતી કલાકાર અજિત વાચ્છાની ૨૦૦૩માં અને આ ફિલ્મમાં અફલાતૂન કોમેડી કરનારા લક્ષ્મીકાંત બેર્ડે ૨૦૦૪માં અકાળ અવસાન પામ્યા ત્યાં સુધીમાં આગવી પ્રતિષ્ઠા પામી ચૂક્યા હતા.)
૨૫ વર્ષના સૂરજ બડજાત્યાને પોતાની આ પ્રથમ ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા માટે ૧૦ મહિના લાગ્યા હતા અને અંતે રૂ. ૨ કરોડમાં બનેલી ફિલ્મે એ સમયે રૂ. ૧૮ કરોડ કમાઈને બોલિવુડની ‘ઓલટાઇમ બ્લોકબસ્ટર મૂવીઝ’ની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. ‘રાજશ્રી’એ આ ફિલ્મ સમગ્ર ભારતમાં ૨૯ (રિપીટ, ૨૯) પ્રિન્ટ્સ સાથે રિલિઝ કરી હતી! હિન્દીમાં રેકોર્ડબ્રેક સફળતા પછી આ ફિલ્મ ઇંગ્લિશ ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને સ્પેનિશ ભાષામાં પણ ડબ કરવામાં આવી હતી અને આ તમામ વર્ઝન સફળ રહ્યા હતા. સંગીતકાર ‘રામલક્ષ્મણ’ એક જ વ્યક્તિ છે અને ફિલ્મમાં (ભલે ઉઠાંતરી દ્વારા, પણ) અત્યંત કર્ણપ્રિય ગીતો આપ્યાં હતાં, જે ઘરે-ઘરે મહિનાઓ સુધી દરરોજ વાગતાં રહ્યાં હતા. એની અંતાક્ષરી આજે પણ એ જ ક્રમમાં લગ્નોમાં ગવાય છે! પ્લેનેટ બોલિવુડે ‘મૈને પ્યાર કિયા’ના સાઉન્ડટ્રેકને બોલિવુડના શ્રેષ્ઠ ૧૦૦ સાઉન્ડટ્રેક્સમાં પાંચમો ક્રમ આપ્યો હતો.
આમ તો ફિલ્મમાં ખાસ કંઈ નહોતું, પણ ‘પ્રેમ રતન ધન પાયો’ કરતાં તો બહુ જ સારી હતી!