Saturday, July 30, 2016

રફી સાહેબ-કિશોરદા’: શ્રેષ્ઠતાની જુગલબંધી!


-સલમાન ખાનના પિતા સલિમ ખાન માટે રફી સાહેબે પ્લેબેક આપ્યું હતું એ તમે જાણો છો?

-પરાગ દવે

૧૦૩ વર્ષ જૂના હિન્દી સિનેમાના શ્રેષ્ઠ ગાયકોની વાત કરવાની હોય તો લોકજીભે મોહમ્મદ રફી અને કિશોરકુમારના નામ જ આવે છે. ભલે એ બંનેએ તરુણાવસ્થામાં કે. એલ. સાયગલની કોપી કરવામાં ગૌરવ અનુભવ્યું હોય! બંનેના કટ્ટર ચાહકો વર્ષોથી એકને બીજાથી શ્રેષ્ઠ સાબિત કરવા મંડ્યા રહેતા હતા પણ ભલુ થજો હિમેશ રેશમિયા કે હની સિંઘ જેવા ગાયકો (?)નું કે જેમણે બધો ભેદભાવ ભૂલીને લોકોને કિશોર, રફી, મન્ના ડે, હેમંત કુમાર અને ઇવન મૂકેશને સર્વશક્તિમાન ગાયકો માનતા કરી દીધા છે!

આપણાં જેવા જૂની ફિલ્મોના સંગીતના રસિયાઓ માટે વળી મુશ્કેલી એ થાય કે હજુ ૩૧ જુલાઇના રોજ રફી સાહેબની પૂણ્યતિથિએ તેમના ગીતો મમળાવવાના શરૂ કર્યા હોય ત્યાં ૪ ઓગસ્ટના રોજ કિશોરદાનો જન્મદિવસ આવી જાય! બંને ધૂરંધરોની કરિયર પણ સમાંતર ચાલી છે. ૧૯૪૫માં ૨૦ વર્ષની ઉમરે (જન્મ: ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪) રફી સાહેબે શ્યામ સુંદર ગાબાના સંગીત નિર્દેશનમાં જી. એમ. દુરાનીની ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ માટે પ્રથમ હિન્દી ફિલ્મી ગીત (અજી દિલ પે હો કાબુ…) ગાયું, તો તેના ત્રણ વર્ષ બાદ ૧૯ વર્ષના કિશોરકુમારે સંગીતકાર ખેમચંદ પ્રકાશ માટે શાહિદ લતિફની ફિલ્મ ‘ઝિદ્દી’ (આ ઝિદ્દીમાં હીરો સની દેઓલ નહીં, દેવ આનંદ હતા)ના ‘મરને કી દુઆએ ક્યું માંગું’ ગીત ગાઇને કરિયરના શ્રીગણેશ કર્યાં. માત્ર ગાયક બનવા મુંબઇ આવેલા કિશોરકુમારે મોટાભાઇ ‘દાદામોની’ અશોકકુમારની સલાહથી રોજીરોટી રળવા પુષ્કળ એક્ટિંગ કરી જ્યારે રફી સાહેબ પણ કરિયરના શરૂઆતના તબક્કામાં એક-બે ગીત પૂરતાં શોખથી સ્ક્રિન પર આવ્યાં હતા!

રફી નૌશાદના પ્રિય પહેલેથી જ હતા અને તેમની જોડીરફી સાહેબના ફિલ્મ ઉદ્યોગના પ્રવેશ સાથે જ જામી હતી. હિન્દી ફિલ્મોના સૂરીલા સમયમાં રફી સાહેબે લગભગ તમામ સંગીત નિર્દેશકો માટે સર્વોત્તમ ગીતો આપ્યાં હતા અને એ ગીતોનો જાદુ પણ કેવો હતો? દિલીપ કુમાર, દેવ આનંદ, રાજેન્દ્ર કુમાર, મનોજ કુમાર જેવા હીરોના ગીતોમાં તો તેઓ ખિલ્યાં જ છે, પણ હીરો કે ફિલ્મમાં કંઇ ઠેકાણાં ના હોય પણ તેના ગીતો તમે આજે પણ સાંભળ્યે રાખો છો! રફી સાહેબની લોકપ્રિયતાને આસમાનથી પણ ઊંચે પહોંચાડી દેનારા ફિલ્મ ‘દુલારી’ – (૧૯૪૯)ના એક્ટરનું નામ તમને ખબર છે? ના હોય તો તમારો કોઇ વાંક પણ નથી…! એ હીરો હતા, સુરેશ! મૂળ નામ નસીમ અહેમદ અને આ ફિલ્મમાં આ સુરેશના હિરોઇન હતા ભવિષ્યમાં શ્રીમતિ ગાંગુલી બનનારા મધુબાલા! આ જ સુરેશ ૧૯૫૫ની ફિલ્મ ‘યાસ્મિન’માં તલત મહેમૂદના પ્લેબેકમાં ‘બેચૈન નઝર બેતાબ જિગર’ ગાય છે ત્યારે તેને જોઇને આપણે ખરેખર બેચૈન થઇ જઇએ છીએ!

રફી સાહેબના ઘણા સર્વોત્તમ ગીતો ભારત ભૂષણ, પ્રદીપ કુમાર જેવા હીરો લઇ ગયા છે. બીજું બધું તો જવા દો, પણ સલમાન ખાનના પિતા અને વિખ્યાત સલિમ-જાવેદની જોડીના સલિમ ખાને કરિયરની શરૂઆતમાં એક્ટિંગ કરી હતી અને ફિલ્મ ‘બચપન’- (૧૯૬૩)માં સલિમ ખાન માટે રફી સાહેબે અત્યંત સુમધુર ગીત ‘મુઝે તુમસે મુહબ્બત હૈ, મગર મૈં કહે નહીં સકતા’ ગાયું હતું. કિશોરકુમાર એ બાબતે કદાચ વધારે સદ્‌નસીબ હતા કે તેમને સાવ આવા એક્ટરો માટે ગીતો નથી ગાવા પડ્યાં! (જો કે, આજે પણ સ્ટેજ શોના અંતે ગવાતા તેમના ગીત ‘ચલતે ચલતે’માં હીરો આનંદ ફેમિલીનું ફરજંદ વિશાલ આનંદ હતો! અને ડાય હાર્ડ કિશોર ફેન્સ જેને એક જ્વેલ ગણે છે એ ગીત ‘સુરમા મેરા નિરાલા..’ -----ફિલ્મ ‘કભી અંધેરા કભી ઉજાલા’-૧૯૫૮---માં શેખર નામના હીરો હતા!)

રફી અને કિશોરના ચાહકો વચ્ચે હંમેશા કોણ શ્રેષ્ઠ છે તેની ચર્ચા ચાલતી રહે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બંને ઉમદા ઇન્સાનોએ ક્યારેય એક-બીજાની ઇર્ષ્યા તો જવા દો, હરિફાઇ પણ કરી નથી. એ વખતે બધી ‘ગળાકાપ’ હરિફાઇ ફિમેલ સિંગર્સ વચ્ચે હતી અને મેલ સિંગર્સ ભલે થોડા ડિસ્ટન્સ સાથે, પણ મિત્રતાની મોજ માણતા હતા. એચ. એસ. રવૈલની ફિલ્મ ‘શરારત’- (૧૯૫૯)માં શંકર-જયકિશનના સંગીત નિર્દેશનમાં કિશોરકુમારે મોજિલું ગીત ‘હમ મતવાલે નૌજવાં’ ગાયું હતું પરંતુ અન્ય એક ગીત ‘અજબ હૈ દાસ્તાં તેરી’માં હીરો કિશોરકુમારને મોહમ્મદ રફીએ પ્લેબેક આપ્યું હતું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ વખતે કિશોરદાને એક્ટર અને ગાયક તરીકે સક્રિય થયાને એક દાયકાથી વધુ સમય થઇ ગયો હતો પરંતુ રફી પાસે આ ગીત ગવડાવવાના શંકર-જયકિશનના નિર્ણયથી તેમને અપમાન લાગ્યું હોય એવું ક્યારેય સાંભળ્યું નથી. કિશોરકુમાર હંમેશા રફી સાહેબને આદર આપતાં અને રફીના નિધન બાદ તેમણે રફી સાહેબનું અમર ગીત ‘મન તુ કાહે ના ધીર ધરે’ (ફિલ્મ-ચિત્રલેખા ૧૯૬૪) સ્ટેજ પરથી ગાઇને અંજલી આપી હતી. એમ તો ૩૧ જુલાઇ ૧૯૮૦ના રોજ રફી સાહેબ અલવિદા કહી ગયા ત્યારે હજારો આંખો ભીની હતી, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વ્યથિત શમ્મી કપૂર અને કિશોરકુમાર જ હતા.

કિશોર-રફીએ સાથે ગાયેલા ગીતોની સંખ્યા પણ મોટી છે. ૧૯૪૯માં પ્રથમ વખત બંનેએ ફિલ્મ ‘કનિઝ’માં સાથે ‘દુનિયામેં અમીરોં કો આરામ નહીં મિલતા’ ગાયું હતું, જેમાં મોટાભાગનું ગીત રફી સાહેબ અને ત્યારના અન્ય એક ગાયક એ. ડી. બાતિશે ગાયું હતું અને કિશોરકુમારના ભાગે યોડલીંગ આવ્યું હતું. ૧૯૫૩માં સંગીતકાર રોશન (યસ, યુ આર રાઇટ, હ્રિતિક રોશનના પૂજ્ય દાદાજી)ના સંગીત નિર્દેશનમાં ફિલ્મ ‘માલકીન’ માટે રફી-કિશોરે બે ગીતો સાથે ગાયા હતા. પણ એ ગીતોમાં રોશન સાહેબે ખાસ કંઇ કમાલ કરી નથી. ૧૯૮૦માં રોશનપુત્ર- રાજેશ રોશને ફિલ્મ ‘આપ કે દિવાને’માં રફી-કિશોર પાસે ચાર ગીતો ગવડાવ્યાં હતા. ૧૯૬૦ અગાઉ તો રફી-કિશોરે મસ્તાના (૧૯૫૪), પૈસા હી પૈસા, ફિફ્ટી-ફિફ્ટી, ભાગમભાગ, નયા અંદાઝ (તમામ ફિલ્મો ૧૯૫૬)માં સાથે અનેક ગીત ગાયાં હતા. ત્યારબાદ કરોડપતિ (૧૯૬૧), અક્લમંદ (૧૯૬૫)માં પણ બંનેએ સાથે ગાયું છે. એસ.ડી. બર્મને જીવનભર બંને સિતારા પાસે સાથે ગીત ગવડાવ્યું નહીં, પરંતુ પોતાના જીવનની છેલ્લી ફિલ્મમાં (ચૂપકે ચૂપકે-૧૯૭૫) એક ગીત બંનેના સાથે લઇને ગવડાવ્યું હતું, જેમાં ‘કનિઝ’થી બિલકુલ વિપરિત, કિશોરકુમારના ફાળે મોટાભાગનું ગીત આવ્યું હતું!

મધુબાલા સાથે સૌથી લાંબો સમય પ્રેમ સંબંધ હોવાનો રેકોર્ડ ધરાવતા દિલીપ કુમાર અને મધુબાલાનેમિસિસ કિશોરકુમારબનાવનારા કિશોરદા વચ્ચે સ્વાભાવિક રીતે બોલ્યા વહેવાર પણ નહોતા પણ તેમ છતાં પેલું મશહુર ગીતસાલા મૈં તો સાહબ બન ગયા...’ કઇ રીતે શક્ય બન્યું એવું ઘણા વિચારતા હોય છે. સૌ જાણે છે તેમ બોલિવુડમાં એક વણલખ્યો નિયમ બની ગયો હતો કે દેવ આનંદ માટે કિશોરકુમાર, દિલીપ કુમાર માટે રફી અને રાજકપૂર માટે મૂકેશ (કે મન્ના ડે) પ્લે બેક આપે. કોણ જાણે કારણ શું હતું પણ રફી સાહેબ સાથે દિલીપ કુમારને કંઇક વાંકુ પડ્યું હતું અને તેથી બંગાળી ફિલ્મસગીના મહાતોની હિન્દી રિમેક ૧૯૭૪નીસગીનામાં દાદા બર્મનના સંગીત નિર્દેશનમાં દિલીપ કુમાર માટેના તમામ ગીતો કિશોરકુમારે ગાયા. (બાય ધ વે, ૧૯૪૪માં દિલીપ કુમારે જે ફિલ્મ ‘જ્વાર ભાટા’થી સિનેમામાં પ્રવેશ કર્યો તે ફિલ્મમાં કિશોરકુમારના પ્રથમ પત્ની રૂમા ગુહા પણ હતા!)

જોકે, દિલીપ કુમાર માટે ૧૯૭૪માં આ ગીત કિશોરકુમારે ગાયું તેના વર્ષો અગાઉ બિલકુલ ઉલટી ગંગા વહી હતી અને તે પણ વધુ બહોળા પ્રવાહ સાથે. જ્યારે કિશોરદાએ પોતાના પ્રથમ પત્ની રૂમા દેવી (રૂમા ગુહા ઠાકુરતા) સાથે છૂટાછેડા લીધા પછી મધુબાલા સાથે લગ્ન કર્યા ત્યારે ઘર-પરિવાર ઉપરાંત, બોલિવુડે પણ લગભગ તેમનો બહિષ્કાર કરી દીધો હતો અને તેમાં કિશોરકુમારના પિતાતુલ્ય એસ. ડી. બર્મન પણ બાકાત નહોતા. નૌશાદ જેવા સંગીતકારો ‘સા રે ગ મ પ ધ નિ સા’ની સત્તાવાર તાલિમ લીધા વગર સિનેમામાં આવી ચઢેલા કિશોરકુમારને ગાયક માનવા જ તૈયાર નહોતા ત્યારે એસ.ડી. બર્મને મજબૂત રીતે કિશોરકુમારનો હાથ પકડ્યો હતો, પરંતુ કદાચ મધુબાલા સાથેના લગ્ન સાથે જ કિશોરકુમારના જીવનનો અંધારિયો દાયકો શરૂ થયો હતો અને અંધારામાં તો પડછાયા પણ સાથ છોડી જતા હોય છે!

દેવઆનંદના અવાજ તરીકે કિશોરકુમારને સફળતાપૂર્વક સ્થાપિત કરી ચૂકેલા દાદાએ ૧૯૬૦માં કિશોરદા-મધુબાલાના લગ્ન બાદ દેવઆનંદની ફિલ્મો -- કાલા બાઝાર, બાત એક રાત કી, એક કે બાદ એક, તેરે ઘર કે સામને, બમ્બઇ કા બાબુમાં રફી સાહેબ અને અન્ય ગાયકો પાસે મધુર ગીતો ગવડાવ્યાં હતા. તો પછી પંચમદા (આર.ડી.બર્મન)ના પ્રતાપે છેક ૧૯૬૫માં દેવ આનંદની ફિલ્મતીન દેવિયાંમાંખ્વાબ હો તુમ યા કોઇ હકિકતઅનેયાર મેરી તુમ ભી હો ગઝબજેવા સુપરહિટ ગીતો દ્વારા કિશોરદા અને દાદાના વ્યાવસાયિક સંબોધો સામાન્ય બનવાની શરૂઆત થઇ. જોકે, હજુય દાદા કિશોરદા સાથે મર્યાદિત કામ કરવાના મૂડમાં હતા અને તેથી આરાધનામાટે ફરી એસ.ડી. રફીને પસંદ કર્યાં. ‘બાગોંમેં બહાર હૈઅનેગુન ગુના રહે હૈ ભંવરેંજેવા બે ગીતો તેમણે રફી પાસે રેકોર્ડ કરાવી લીધા. પરંતુ હિન્દી સિનેમાની નિયતિ કરવટ બદલી રહી હતી અને જ્યારે નિયતિ કરવટ બદલે છે ત્યારે રસ્તા આપોઆપ ખૂલે છે. ‘આરાધનાતે સમયના બધા સ્ટાર- રાજ કપૂર, દેવ આનંદ, દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર, મનોજ કુમાર, ધર્મેન્દ્ર બધાને બીજા-ત્રીજા-ચોથા નંબર માટે સ્પર્ધા કરતા કરી દેશે અને સાવ નવા-સવા રાજેશ ખન્નાને હિન્દી સિનેમાના પ્રથમસુપરસ્ટારબનાવી દેશે એવી કલ્પના તો નિર્માતા-નિર્દેશક શક્તિ સામંતાએ પણ નહીં કરી હોય. રીતે, ૧૯૪૮માંઝિદ્દીથી શરૂ થયેલીગાયકકિશોરકુમારની બે દાયકાનીઆરાધનાસફળ થવાની ઘડી આવી રહી હતી.  ‘આરાધનાના ઉપર લખેલા બે ગીતના રેકોર્ડિંગ બાદ એસ. ડી. અચાનક બિમારીમાં સપડાયા. સ્વાભાવિક રીતે આર.ડી.આરાધનાના સંગીત નિર્દેશનની બાગડોર સંભાળી લીધી અને તેમના પ્રિય કિશોરકુમારનેમેરે સપનોંકી રાની’, ‘કોરા કાગઝ થા યે મન મેરાઅને કિશોરદાને પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મેળવી આપનારું શૃંગાર ગીત ‘રૂપ તેરા મસ્તાના’ દ્વારા મ્યુઝિક સેન્શેશન બનાવી દીધા!
આમ તો આર.ડી. નાનપણથી જ લાજવાબ સંગીતકાર હતા (ગુરુ દત્તની ‘પ્યાસા’-(૧૯૫૭)માં જ્હોની વોકર માટે મોહમ્મદ રફીએ ગાયેલા હલ્કા-ફુલ્કા ગીત ‘સર જો તેરા ચકરાયે’ની ધૂન આર.ડી.એ બનાવી હતી એવું ખૂદ એસ.ડી. બર્મને ગર્વથી જાહેર કરેલું) અને મહેમૂદની ‘ભૂત બંગલા’- (૧૯૬૫)થી કિશોરકુમારના કંઠને એક ઝવેરીની જેમ પારખી ગયા અને ‘આરાધના’ બાદ કિશોર, આર.ડી. અને રાજેશ ખન્નાએ વાવાઝોડું સર્જી દીધું. એટલે સુધી કે રફી સાહેબ પાસે ઉત્તમોત્તમ કામ લેનારા અને એક સમયે કિશારકુમારની સદંતર અવગણના કરનારા નૌશાદે પણ ફિલ્મ ‘સુનહરા સંસાર’-(૧૯૭૫)માં કિશોરકુમાર પાસે એક ગીત ગવડાવ્યું. જોકે, એ ફિલ્મમાંથી એ ગીત કટ થઇ ગયું હતું અને ત્યારબાદ ફરી ક્યારેય આ જોડીએ સાથે કામ ના કર્યું.

ખેર, આ રવિવારે ૩૧ જુલાઇથી ૩ ઓગસ્ટ સુધી રફી સાહેબને સાંભળીએ અને ૪ ઓગસ્ટથી આવતા રવિવારની રાત સુધી કિશોરદાને સાંભળતા રહીએ તો પણ એમની લગભગ અનુક્રમે ૩૫-૪૦ વર્ષની કારકીર્દીના ગીતોથી આપણે ધરાવાના નથી.