Thursday, July 20, 2017

ગીતા દત્ત: વક્તને કિયા ક્યા હંસી સિતમ...



-પરાગ દવે

જેમના નામમાં જ ગીત શબ્દ આવી જતો હતો એવા ગીતા દત્તની આજે પૂણ્યતિથિ છે. ગીતા રોય અને ગુરુ દત્ત બંને ગુજરાતના નહોતા તોય આટલા મહાન બન્યાં એટલે પહેલેથી જ મારા માટે અજાયબી જ રહ્યા છે!!! અજાયબી તો બધાને એ વાતની પણ છે કે એક-એકથી ચઢિયાતી ફિલ્મો આપનારા ગુરુ દત્ત અને એ ફિલ્મોના ગીતોમાં જાન રેડી દેનારા ગીતા દત્ત પર વક્તને ક્યોં સિતમ ઢાયે??? એક વાત ચોક્કસ છે કે જો અંગત જીંદગીના વાવાઝોડાં ના આવ્યાં હોત અથવા તો તેની સામે તેઓ ટકી ગયાં હોય, તો લતાજી એકચક્રી શાસન ના સ્થાપી શક્યા હોત.
ડાયરેક્ટર તરીકે ગુરુ દત્ત દેવ આનંદ સાથે પોતાની પ્રથમ ફિલ્મ ‘બાઝી’ બનાવી રહ્યા હતા ત્યારે રેકોર્ડીંગ સ્ટુડિયોમાં તેમની મુલાકાત ગીતા રોય સાથે થઇ હતી. ગુરુ દત્ત તો નવા-સવા હતા જ્યારે ગીતા રોય સુપરસ્ટાર પ્લેબેક સિંગર બની ચૂક્યાં હતા. એ ફિલ્મના આજે પણ સૌના પ્રિય ગીત ‘તદબીર સે બિગડી હુઇ તકદીર બના લે’ એસ. ડી. બર્મનના સંગીત નિર્દેશનમાં ગીતા રોયે ગાયું હતું અને ગુરુ દત્ત બનતી ત્વરાએ ગીતા રોયના પ્રેમમાં પડી ગયા. બંનેએ ‘અપને પે ભરોસા’ રાખીને દાવ લગાવ્યો અને ૧૯૫૩માં તો લગ્ન પણ કરી લીધા. એ તો વહિદા રહેમાન આવ્યા પછી પોત-પોતાની બાજી ખોલી ત્યારે ખબર પડી કે દાવ લગાવવામાં થોડી ભૂલ થઇ ગઇ છે. પણ એ ભૂલ ભારતીય સિનેમાને અને આપણા જેવા સૌ ચાહકોને બહુ મોંઘી તો પડી જ છે. બંનેના લગ્નજીવનમાં કાયમ ખટરાગ ચાલતો જ રહ્યો અને અંત તો ગુરુ દત્તની ફિલ્મોથી પણ વધારે કરુણ લાગે એવો રહ્યો. આટલા બધા ઝંઝાવાતો વચ્ચે પણ બંનેએ કલાકાર તરીકે હંમેશા શ્રેષ્ઠ આપ્યું અને જેમ-જેમ વર્ષો વિતતા જાય છે તેમ તેમ કલાનું એકંદર સ્તર ઘટતું જતું લાગવાને કારણે એમનું પ્રદાન શ્રેષ્ઠતમ લાગે છે.
૧૯૭૨માં આજના જ દિવસે (૨૦ જુલાઇ) ગીતા દત્તે માત્ર ૪૨ વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું પરંતુ જે ગીતો તેમણે ગાયાં છે તેના કારણે ૧૦૦ વર્ષ પછી પણ તેમના ચાહકો તો હશે જ. બંગાળના ફરિદપુરમાં ધનવાન જમીનદાર કુટુંબમાં જન્મ્યા બાદ ૧૨ વર્ષની ઉંમરે તેઓ પરિવાર સાથે મુંબઇ શિફ્ટ થઇ ગયા હતા. ફરિદપુરમાં તેમણે સંગીતની થોડી તાલિમ મેળવી હતી.  ગીતા રોય મુંબઇના દાદર વિસ્તારમાં તેમના ફ્લેટની બાલ્કનીમાં ગીત ગાતાં હતા ત્યારે નીચે રોડ પર ત્યારના મશહુર સંગીતકાર કે. હનુમાનપ્રસાદ પસાર થયા અને આ નાનકડી છોકરીના અવાજથી એટલા પ્રભાવિત થયા કે તરત જ તેમના માતા-પિતાનો સંપર્ક કરીને ફિલ્મોમાં ગીત ગવડાવવા માટે મંજૂરી માંગી. થોડી ટ્રેનિંગ બાદ ૧૯૪૬માં ૧૬ વર્ષના ગીતા દત્તે ‘ભક્ત પ્રહલાદ’ ફિલ્મમાં પ્રથમ વખત ગીત ગાયું હતું. ૧૯૪૭માં ‘દો ભાઇ’ ફિલ્મ આવી અને ગીતા રોયનો જમાનો ચાલુ થયો.
જે લોકો ગાયક બનવા માંગે છે તેમના માટે કામની વાત એ છે કે ગમે ત્યાં, દરેક જગ્યાએ ગાતાં જ રહો...કેમ કે ગીતા રોયને ફ્લેટની બાલ્કનીમાં, તો લતા મંગેશકરને ટ્રેનમાં અને કિશોરકુમારને બાથરૂમમાં ગીત ગાતાં ગાતાં જ મશહુર સંગીતકારોએ સાંભળ્યા હતા અને પછી તો જે થયું એ ઇતિહાસ જ છે. (એટલે તમે ગાતાં જ રહો...ભલે આખા ગામમાં એકેય સંગીતકાર ના હોય...)
ગીતા રોયે ટોચના તમામ સંગીતકારો અને ગાયકો સાથે ગીતો ગાયા પરંતુ ગુરુ દત્ત સાથે લગ્ન કર્યાં બાદ માત્ર હોમ પ્રોડક્શનની ફિલ્મોમાં જ તે સ્વર આપતાં હતા. ગુરુ દત્તે નાણાં માટે ગીતા સાથે લગ્ન કર્યાં છે એવી વાતો ત્યારે સિનેજગતમાં ચાલી હતી તેથી ગુરુ દત્તે અન્ય પ્રોડ્યુસરોની ફિલ્મોમાં ગીત નહીં ગાવા માટે ગીતા દત્ત (લગ્ન પછી દત્ત)ને જણાવ્યું હતું. બાઝી, જાલ, આર-પાર, મીસ્ટર એન્ડ મીસીસ ૫૫, સીઆઇડી, પ્યાસા, કાગઝ કે ફુલ, સાહિબ બીબી ઔર ગુલામ સહિતની ફિલ્મોમાં તેમના અમર ગીતો વિશે તો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ પરંતુ ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે ૧૯૪૮થી શરૂ કરીને કેટલાક ગીતો ગાયાં હતા તે મજાની વાત છે. અવિનાશ વ્યાસ, અજિત મર્ચન્ટ જેવા સંગીતકારોએ મૂકેશ સાથે ગીતા દત્તના સુંદર યુગલગીતો આપ્યાં છે. અવિનાશ વ્યાસે તો કેટલીયે હિન્દી ફિલ્મોમાં ગીતા દત્ત સાથે કામ કર્યું છે.
કિશોર કુમાર અને ગીતા દત્ત બંનેને સૌથી વધુ પ્રેમ અને ટેકો એસ.ડી. બર્મને જ આપ્યો હતો. પરંતુ કિશોર કુમારના ચાહક તરીકે કિશોર કુમાર અને ગીતા દત્તના યુગલ ગીતો શોધવા બેઠો ત્યારે તેની સંખ્યા માત્ર ૧૩ જ થઇ. પણ એ બંનેનું છેલ્લું ગીત ફિલ્મ ‘હાફ ટિકીટ’નું ‘આંખોમેં તુમ, દિલમેં તુમ હો...’ સાંભળો તો અદ્‌ભૂત કેમિસ્ટ્રી શું કહેવાય એ સમજાશે..
લેખ ભલે ગતા દત્ત વિશે લખતાં હોઇએ પણ વારંવાર ગુરુ દત્તનો ઉલ્લેખ અનિવાર્ય બને જ છે. આ અત્યંત સંવેદનશીલ કપલ વચ્ચે લાખ મતભેદો છતાં કાયમ પ્રેમ અકબંધ જ રહ્યો હતો અને એનું પ્રમાણ એ પણ છે કે ૧૯૬૨માં જ ત્રીજા સંતાન તરીકે દીકરી નીનાનો જન્મ થયો હતો (અગાઉ ૧૯૫૪માં દીકરા તરુણ અને ૧૯૫૬માં અરુણનો જન્મ થયો હતો). ૧૯૬૪માં સ્લિપીંગ પિલ્સના ઓવરડોઝ અને આલ્કોહોલના કારણે ગુરુ દત્તનું અકાળે અવસાન થયા બાદ ગીતા દત્ત ભયંકર માનસિક આઘાતમાં સરી પડ્યાં હતા અને છ મહિના સુધી તો પોતાના સંતાનોને પણ ઓળખી શક્યા નહોતા. બાળકો ખૂબ નાનાં હતા અને ગુરુ દત્ત અત્યંત સફળતા મેળવવા છતાં ખાસ સંપત્તિ છોડી ગયા નહોતા. ગીતા દત્તે પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ તરીકે ફરીથી પોતાના ગળાના જોરે મોરચો સંભાળ્યો. જોકે, તેમનો સુવર્ણકાળ વિતી ચૂક્યો હતો પરંતુ તેમણે અનેક ફિલ્મો માટે ગીતો ગાયાં. એક ફિલ્મ માટે સંગીત આપવાનું પણ નક્કી કર્યું, પરંતુ કમનસીબે માત્ર એક ગીત રેકોર્ડ થયા બાદ વાત આગળ ના વધી શકી. ૧૯૬૭માં તો ગીતા દત્તે ‘બોધુ બોરોન’ નામની બંગાળી ફિલ્મમાં મુખ્ય નાયિકાની ભૂમિકા પણ ભજવી. (૧૯૫૬-૫૭માં ગુરુદત્તે ભારતની પ્રથમ સિનેમાસ્કોપ ફિલ્મ બનાવવાની યોજના બનાવી હતી અને મુખ્ય હિરોઇન તરીકે ગીતા દત્તને લઇને થોડું શૂટિંગ પણ કર્યું હતું. જોકે, અન્ય કેટલાય પ્રોજેક્ટ્સની જેમ જ ગુરુ દત્તનો આ પ્રોજેક્ટ પણ અભેરાઇએ ચઢી ગયો હતો. દેવ આનંદની ફિલ્મ ‘કાલાબાઝાર’માં પણ ગીતા દત્તે પાંચ સેકન્ડ પૂરતા પરદા પર આવ્યા હતા.) જોકે, એ ફિલ્મ બહુ સફળ ના થઇ શકી. છેલ્લે છેલ્લે ૧૯૭૧માં ફિલ્મ ‘અનુભવ’માં તેમના ત્રણ ગીતોએ ધૂમ મચાવી હતી અને બૂઝાઇ રહેલો દિવો વધારે પ્રકાશ આપે એમ એ ગીતો ગીતા દત્તના સર્વોત્તમ ગીતોમાં સ્થાન પામે તે ગુણવત્તાના છે (કોઇ ચૂપકે સે આ કે...).
‘ચાર બોટલ વોડકા...’ આજના સમયનું બહુ પ્રચલિત ગીત છે પણ દારુએ જ ગીતા દત્તને લિવર સિરોરિસના શિકાર બનાવી દીધા હતા અને અંતે ૨૦ જુલાઇ ૧૯૭૨ના દિવસે તેઓ પણ અનંતની વાટે ચાલ્યાં. ચિક્કાર સફળતા અને અસીમ દુ:ખ ગુરુ દત્ત અને ગીતા દત્ત કદાચ વિધાતા પાસે જ લખાવીને આવ્યા હતા પરંતુ અનુક્રમે ૩૭ અને ૪૨ વર્ષની જીંદગીને તેમણે ખરા અર્થમાં બહુ મોટી બનાવી દીધી.