Tuesday, August 1, 2017

ત્રણ પત્તાની રમત કેમ સૌથી શ્રેષ્ઠ છે???


-પરાગ દવે

અત્યાર સુધીમાં સેંકડો ફિલ્મોમાં કે વાર્તાઓમાં તમે હીરોને હીરોઇનને કહેતો સાંભળ્યો હશે કે, પ્રિયે, તું કહે તો તારા માટે ચાંદ-તારા તોડી લાવું (સાવ ફેંકમફેંક છે એ આપણે જાણીએ છીએ). પણ ફેંકવામાં પણ ક્યારેય કોઇ પ્રેમીએ એની પ્રેમિકાને કહ્યું હોય કે, “તું કહે તો તીનપત્તીની બધી બાજીમાં ત્રણ એક્કા લઇ આવું”, એવું સાંભળ્યું?
શ્રાવણ માસમાં અને ખાસ કરીને સાતમ-આઠમના તહેવારોમાં બહુ રમાતી તીનપત્તી શક્યતાઓની રમત છે અને વિદ્વાનો તો સદીઓથી કહેતા આવ્યાં છે કે તીનપત્તી સમાજના ભેદભાવ દૂર કરનારી રમત છે. અમીર-ગરીબ બધા તેનો લુત્ફ ઉઠાવે છે. અન્ય રમતો સાથે સરખામણી કરતાં તમે સરળતાથી સમજી શકશો કે કઇ રીતે તીનપત્તી શ્રેષ્ઠ છે. ગોલ્ફ તો સમૃદ્ધ લોકો જ રમી શકે છે પરંતુ તીનપત્તી રમવા માટે માત્ર બાવન પત્તા, થોડાં રૂપિયા અને હૈયામાં ભરપૂર જીગરની જ જરૂર છે. વળી, ક્રિકેટ, ટેનિસ, બોક્સિંગ, બેડમિન્ટન, ફુટબોલ સહિતની રમતોમાં ફિક્સીંગનું ભૂત ધૂણે છે પરંતુ આજ દિન સુધી પત્તામાં ફિક્સીંગનો આક્ષેપ નથી થયો...આ મેચ કરસનભાઇ જ જીતશે એવી શરતો કોઇ લગાવી શકતું નથી અને એ અનિશ્ચિતતા જ આ રમતની બ્યૂટી છે. તીનપત્તીની રમત લોકપ્રિય થવાનું એક કારણ તેની ઝડપી ગતિ પણ છે. એક મિનિટથી ઓછા સમયમાં પણ મેચ પૂરી થઇ હોવાના દાખલા મળી આવે છે.
આ રમત સંપૂર્ણ અહિંસક છે. તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય કે તીનપત્તી રમતાં રમતાં પત્તું વાગવાથી કોઇ ખેલાડીને ફ્રેક્ચર થઇ ગયું કે પછી પત્તું ખોલવા જતાં કોઇ ખેલાડીના સ્નાયું ખેંચાઇ જતાં સ્ટ્રેચરમાં નાંખીને સ્ટેડિયમ (રૂમ)ની બહાર લઇ જવો પડ્યો હોય. ક્યારેય એવું પણ નથી સાંભળ્યું કે દિનેશભાઇ બંધ કરવા જતાં હતા ત્યારે જ ધીરજભાઇએ ધીરજ ગુમાવીને તેમના પત્તાં ઝૂંટવીને પૈસા ઉતરવાનું ચાલુ કરી દીધું... વળી, સ્થળ, કાળ અને ખેલાડીઓની સંખ્યાનો લોપ કરનારી આ રમત છે. તીનપત્તીના મેદાનોના મેઇન્ટેનન્સ પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ધૂમાડો કરવો પડતો નથી અને તેના પ્રમોશન માટે પણ કોઇ બજેટ ફાળવવું પડતું નથી. માત્ર માઉથ પબ્લિસિટી દ્વારા અનેક ખેલાડીઓ નિશ્ચિત સ્થળે નિશ્ચિત સમયે પહોંચી જાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે બીજી બધી રમતોમાં ઘોંઘાટ ફેલાતો હોય છે અને ખેલાડીઓ હાકલા-પડકારા કરતાં હોય છે તો દર્શકો પણ પોતાની મનગમતી ટીમ કે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કાગારોળ મચાવતા હોય છે, પણ તીનપત્તીના ખેલાડીઓ શાંતિ, અને સાવ મૌન નહીં તોય, ધીમા અવાજે બોલવાનું જ પસંદ કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં ખાસ કહેવાય છે કે જો કોઇના ઘરની બહાર ૧૨-૧૫ જોડી ચપ્પલ પડ્યાં હોય પણ તેમ છતાં ઘરમાંથી કોઇ પ્રકારના હો-હાના અવાજો ના આવતા હોય તો તે ઘરમાં તીનપત્તીનો ભવ્ય કાર્યક્રમ જ ચાલતો હશે.
માનવીય મૂલ્યોની જાળવણીની દ્રષ્ટિએ પણ આ રમત ઘણી ઉપયોગી છે. બીજી બધી રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરીને જીતનારાં ખેલાડીઓમાં અહંકાર ઉત્પન્ન થાય છે, જ્યારે તીનપત્તીમાં જીતનારા ખેલાડીમાં ભારોભાર નમ્રતા જોવા મળે છે. બીજા બધા ખેલાડીઓને ખબર હોય કે કરસનભાઇ આજે ૫,૦૦૦ રૂપિયા જીત્યાં છે, પરંતુ કરસનભાઇ તો નમ્રતાથી એમ જ કહેતાં હોય કે ૪,૦૦૦ તો હું લઇને જ આવ્યો હતો એટલે ૧,૦૦૦ જ જીત્યો છું, ખરેખર તો બાબુભાઇ જ જીત્યા છે. જેન્ડર ઇક્વાલિટી માટે સરકારે આટલા પ્રયત્નો કર્યાં હોવા છતાં ક્રિકેટ કે ફુટબોલમાં સ્ત્રી-પુરુષ ટીમો સાથે રમતી હોવાનું બહુ જોવા મળતું નથી, પરંતુ તીનપત્તીમાં સંપૂર્ણપણે જેન્ડર ઇક્વાલિટી જોવા મળે છે. અન્ય રમતોમાં પારંગત બનવા માટે હજારો રૂપિયા ખર્ચીને કોચિંગ લેવું પડે છે, જ્યારે તીનપત્તી એક એવી રમત છે કે ખાસ કોઇ કોચિંગ વગર જ ખેલાડી પારંગત બની જાય છે અને એ કઇ રીતે થાય છે એ તો ઉત્ક્રાંતિવાદના જનક ચાર્લ્સ ડાર્વિનને પણ સમજાયું નહોતું. ભાષા સમૃદ્ધિમાં પણ આ રમતે યોગદાન આપ્યું છે, જે બીજી રમતો નથી આપી શકી. ક્યારેય કોઇએ એવી કહેવત નથી સાંભળી કે ‘રનઆઉટ થયેલો બમણું દોડે’, પણ સૌને એ ખબર છે કે ‘હાર્યો જુગારી બમણું રમે’. સૌથી મહત્ત્વની બાબત એ છે કે તીનપત્તી વ્યક્તિને પોતાના જીવન અને પરિવારને જ મહત્ત્વ આપવાની આડકતરી પ્રેરણા આપે છે. ત્રણ પત્તા હાથમાં આવી ગયા બાદ ખેલાડીને પોતાના ત્રણ પત્તા કયાં છે એમાં જ રસ હોય છે અને બાકીના ૪૯ પત્તા વિશે તે ઉપેક્ષા સેવે છે. એ ત્રણ પત્તાના આધારે જ તે કર્મ કરે છે અને ફળ ઇશ્વર આધિન છે એમ માને છે.
તીનપત્તીના કારણે વ્યક્તિમાં ઇશ્વર પ્રત્યેની આસ્થા પણ વધતી જોવા મળે છે. તેના અંગે હજુ સુધી કોઇ વૈજ્ઞાનિક પદ્ધતિની સરવે કરવામાં આવ્યો નથી પરંતુ એવું જોવામાં આવ્યું છે કે મંદિરમાં વ્યક્તિ જેટલા ભાવથી ભગવાનને યાદ કરે છે તેના કરતાં વધુ તીવ્રતાથી પોતાની બાજીમાં કયા પત્તાં આવ્યા છે તે જોતી વખતે ભગવાનને યાદ કરે છે.
સોશિયલ મીડિયાના કારણે લોકો એકબીજા સાથે વાતો કરવાના બદલે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જ ખોવાયેલા રહે છે એવી સમાજશાસ્ત્રીઓની ફરિયાદનું પણ તીનપત્તીની રમત વખતે નિવારણ થઇ જાય છે. ક્રિકેટ રમતી વખતે ફિલ્ડરો પોતાનું વોટ્સએપ ચેક કરતા હોવાનું અનેક વખત જોયું છે પરંતુ તીનપત્તી રમતી વખતે કોઇ ખેલાડી વોટ્સએપ તો શું, મોબાઇલ તરફ પણ નજર કરતાં નથી. સૌથી મોટું સુખ એ છે કે પોતે તીનપત્તી રમતા હોવાના ફોટો પણ ફેસબુક પર કોઇ મૂકતું નથી...
ભારતમાં સરકારોએ તીનપત્તીને ક્યારેય પ્રોત્સાહન નથી આપ્યું પરંતુ હકિકતમાં ઇકોનોમીને સુધારવામાં પણ તીનપત્તી મહત્ત્વનું યોગદાન આપી શકે છે. બજારમાં ગમે એટલી લિક્વિડિટી ક્રાઇસીસ હોય પરંતુ તીનપત્તીમાં ક્યારેય તેની અસર જોવા મળતી નથી એ જોતાં સરકારને જ્યારે પણ બજારમાં ઓછાં નાણાં ફરે છે એવું લાગે ત્યારે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા સ્તરે તીનપત્તી ટુર્નામેન્ટના આયોજન કરવા જોઇએ. બે જ દિવસમાં એટલાં નાણાં ફરવા લાગે કે અર્થતંત્રમાં તેજી આવી જાય.
(અહીં હાસ્ય-વિનોદના હેતુથી આ લેખ લખવામાં આવ્યો છે પરંતુ તીનપત્તીને વર્ષે એક વાર રમાતી રમતના બદલે બારમાસી કરી દેનારાઓ માફીને પાત્ર નથી, કારણ કે તેઓ પોતાની સામાજિક જવાબદારી ભૂલીને જુગાર રમ્યે રાખે છે. વર્ષે એક વખત માત્ર પરિવારના સભ્યો સાથે તીનપત્તી રમવું સૌરાષ્ટ્રમાં સ્વાભાવિક છે, પરંતુ આખું વર્ષ કોઇ પ્રકારની મર્યાદા વગર તીનપત્તી રમનારા લોકોનો તો સામાજિક બહિષ્કાર જ કરવો જોઇએ કારણ કે તે માફ ના કરી શકાય તેવો ગુનો છે. મહાભારતના યુદ્ધના મૂળ કુરુસભામાં યોજાયેલી દ્રૃતક્રિડામાં હતા એ ક્યારેય ના ભૂલવું...)


3 comments:

  1. Very nice humours article on tin patti. Keep it up.

    ReplyDelete
  2. Very nice humours article on tin patti. Keep it up.

    ReplyDelete
  3. Superb keep it nice article on teen patti

    ReplyDelete