Saturday, August 19, 2017

બધા વ્હોટ્સએપ કોન્ટેક્ટને આ મેસેજ મોકશો તો નાસા ચંદ્ર પર ફ્રી પ્લોટ આપશે!

-પરાગ દવે

“આ મેસેજ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મને મોકલ્યો છે. અમેરિકામાં બરફના તોફાન વખતે ભારતે મીઠું મોકલીને બરફ ઓગાળવામાં મદદ કરી હતી તેથી હું ચીન સામેના યુદ્ધમાં ભારતને ટેકો આપું છું. આ મેસેજ જો એક લાખ વખત વ્હોટ્સએપ ફોરવર્ડ થશે તો હું ભારતને એક અત્યાધુનિક ફાઇટર પ્લેન ભેટમાં આપીશ. દર એક લાખ મેસેજ ફોરવર્ડ થવા પર એક-એક વિમાન આપીશ. મહેરબાની કરીને આ મેસેજ ફોરવર્ડ કરો. તમારા એક મેસેજથી દેશને ઘણો લાભ થશે.”
“NASAએ ચંદ્ર અને મંગળ પર પૃથ્વીવાસીઓને ફ્રીમાં પ્લોટ આપવાનું ચાલુ કર્યું છે. ભારતની જે વ્યક્તિ આ મેસેજને તેના ફોનમાં સેવ તમામ કોન્ટેક્ટને ફોરવર્ડ કરશે તેને ઓટોમેટિક પ્લોટ મળશે. NASAએ તમે મેસેજ મોકલો છો કે નહીં એ ચેક કરવા માટે વોટ્સએપ સાથે હાથ મિલાવ્યા છે. તમે તમારા બધા કોન્ટેક્ટને આ મેસેજ મોકલશો પછી બે દિવસમાં તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર NASA પ્લોટ એલોટમેન્ટનો લેટર મોકલશે.”
ઉપરના બંને મેસેજ સાવ ખોટ્ટા છે અને મેં જાતે બનાવ્યા છે. ‘નવરા બેઠાં નખ્ખોદ વાળે’ કહેવત જેણે પણ બનાવી હશે તેણે વોટ્સએપને ધ્યાનમાં રાખીને જ બનાવી હશે એવું લાગે છે. વ્હોટ્સએપના ડાયરેક્ટરે ત્રણ વર્ષ પહેલાં ભારતમાં ફરતા એક મેસેજમાં કહ્યું હતું કે હવે તેમના સર્વરમાં માત્ર ૩૦૦ નવા નંબર એડ કરવાની જ ક્ષમતા છે અને જે નંબર એક્ટિવ નહીં હોય તેમના વ્હોટ્સએપ બંધ કરી દેવામાં આવશે પણ હજી સુધી કોઇના એકાઉન્ટ બંધ થયાનું સાંભળ્યું નથી. લોકો બિચારા ૨૦-૨૦ વખત તેમના ફોનના બધા કોન્ટેક્ટ્સને વ્હોટ્સએપના મેસેજ મોકલી ચૂક્યા છે પણ તેમના પ્રોફાઇલમાં બ્લ્યુ કલર આવ્યો નથી. ૧૦૦૧ વખત ઓમ લખેલો મેસેજ ૧૦૦ જણાને મોકલ્યા પછી કેટલાયને ડેટા ખૂટી ગયાના મેસેજ આવ્યા છે પણ કોઇ સારા સમાચાર આવ્યા નથી. રાત્રે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ભયંકર ઊલ્કાપાત થવાનો હોવાથી રાત્રે મોબાઇલ દૂર રાખવાની સલાહ રોજેરોજ નાસા અને બીબીસીના સંદર્ભથી આપણાં સ્નેહી મોકલે છે પરંતુ હજી સુધીમાં ક્યારેય મોબાઇલ પર ઊલ્કા ખાબકી નથી. ૧૦ મિત્રોને મેસેજ મોકલવાથી રૂ. ૨૦૦નું રિચાર્જ મેળશે એમ માનીને કેટલાયે મેસેજ મોકલી-મોકલીને તેમના મિત્રો ગુમાવી દીધા છે પણ રિચાર્જ આવ્યું નથી. જે છોકરો કાલુપુર રેલ્વે સ્ટેશને ગુમ થયો હતો તે આજે કોલેજમાં જવા માંડ્યો છે પણ તે ખોવાયો હોવાના મેસેજ હજી પણ તેના ફોટો સાથે ફરી રહ્યા છે. કોલ્ડ્રીંક પીધા પછી ચ્યુંઇગ-ગમ ખાવાથી સાઇનાઇડ કેવી રીતે બની જાય તે મોટામાં મોટા વૈજ્ઞાનિકોને પણ સમજાતું નથી પણ આપણાં મોબાઇલ પર દર ત્રીજા દિવસે કોઇક આવો મેસેજ મોકલી દે છે. 
આપણે સૌએ અનેક વખત સાંભળ્યું અને અનુભવ્યું છે કે કોઇ વાત એક વ્યક્તિને કરી હોય અને ધીમે ધીમે કર્ણોપકર્ણ તે અન્ય લોકોને ખબર પડે ત્યાં સુધીમાં તે સમૂળગી બદલાઇ ગઇ હોય છે...તો પણ આપણાં પૈકીના ઘણાં આંખો મીંચીને વોટ્સએપમાં આવતા સંદેશાઓનો વિશ્વાસ કરી લે છે. ગમે તેવી મનઘડંત વાતોને ‘ન્યૂઝ’ના નામે વોટ્સએપ ગ્રૂપમાં મોકલવામાં આવે છે અને જે રીતે વાઇરલ કરવામાં આવે છે તેના પરિણામોથી આ મેસેજ મોકલનારા ખરેખર અજાણ જ હોય છે. તેઓ સારા હેતુ સાથે કોઇને સલાહ આપવાના ઉદ્દેશ્યથી મેસેજ મોકલે છે પરંતુ વેરિફિકેશનનો અભાવ હોવાથી તે માહિતી ઉપયોગી થવાના બદલે છેવટે ગેરમાર્ગે દોરનારી સાબિત થાય છે. સામાજિક સંપર્ક માટે બનેલા ‘સોશિયલ મીડિયા’માં દરેક વ્યક્તિ જાતે જ ‘રિપોર્ટર’ બની જાય છે અને પછી શું થાય છે એ જુઓ...
૧) મહારાષ્ટ્રના ધૂળેમાં એક ગેંગસ્ટરને હરિફ ગેંગના માણસોએ વહેલી સવારે નિર્દયતાથી રહેંસી નાંખ્યો એનો વિડિયો વાઇરલ થયો. અમદાવાદમાં એ મેસેજ ‘મણીનગરમાં ધોળા દિવસે હત્યા’ના મથાળા સાથે વોટ્સએપમાં ફરતો થયો. ફોરવર્ડ કરનારી એક પણ વ્યક્તિએ ખરેખર એ વિડિયો આપણાં અમદાવાદનો છે કે નહીં તે ચેક કરવાની દરકાર સુધ્ધાં ના લીધી અને બસ, મોકલતા જ રહ્યા. (એ વિડિયો વિચલિત કરી દેનારો છે એટલે પહેલો પ્રશ્ન તો એ થાય છે કે આવા હત્યાના વિડિયો ફોરવર્ડ કરવામાં કોઇને શું મળતું હશે? આપણાં ફોનમાં કોઇપણ મેસેજ કે વિડિયો આવે એટલે એ ફોરવર્ડ કરવો જ એવી આપણી ફરજ છે?)
૨) દર મહિને તમારા ફોનમાં એ મતલબનો મેસેજ આવતો જ હશે કે “ફલાણી કોલ્ડ્રીંક કંપનીમાં કામ કરતા કર્મચારીને એઇડ્સ હતો અને તેણે કોલ્ડ્રીંકમાં તેનું લોહી ભેળવી દીધું છે તો અમુક નિશ્ચિત સમય સુધી જે-તે ઠંડુ પીણું પીવાથી દૂર રહેજો. દિલ્હી પોલિસ અને ફલાણી ન્યૂઝ ચેનલે આ ચેતવણી આપી છે...” (ઘોર જુઠાણા સમાન આવા મેસેજ લોકો ફોરવર્ડ પણ કરે છે અને એટલે એમને એટલી સામાન્ય સમજ નથી જ હોતી કે ખોરાકના માધ્યમથી એઇડ્સ ક્યારેય ફેલાતો નથી, તે લોહીના સંસર્ગથી ફેલાતો રોગ છે.)
૩) આમળાં અને સફરજનના રસથી હ્રદયની ૧૦૦ ટકા બ્લોક આર્ટરીઝ ખૂલી જાય છે એવા મેસેજ ફોરવર્ડ કરનારા બીજી જ મિનિટે એવો મેસેજ પણ મોકલે છે કે ફલાણી હોસ્પિટલમાં રૂ. ૫,૦૦૦માં નવા પ્રકારની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે. (હકિકતમાં તે વિડિયો કોન્સેપ્ટ ટેક્નોલોજી છે અને મુંબઇની જે હોસ્પિટલનું નામ વ્હોટ્સએપ મેસેજમાં ફરે છે તેણે સત્તાવાર રીતે ઓપરેશનનો ભાવ અને આ પદ્ધતિનો ઇનકાર કર્યો છે. હ્રદયરોગથી પીડિત સ્વજનની સારવાર માટે દોડાદોડી કરતા લોકોને આ પ્રકારના ખોટા મેસેજ ખરેખર મુશ્કેલીમાં મૂકી શકે છે એ જાત અનુભવ છે.)
વધુ મઝા તો એ મેસેજમાં આવે છે કે જેમાં નીચે ખાસ લખેલું હોય છે “માર્કેટમેં નયા હે”. વાંચનારી વ્યક્તિને ખબર નહીં પડતી હોય કે તે જે મેસેજ વાંચે છે એ નયા હૈ કે જૂના હૈ?
આ પ્રકારના અગણિત ઉદાહરણો છે પણ હું અહીં અટકી જાઉં છું... પણ દેશના ૫૦ કરોડ ફિચર ફોન ધારકો પણ સ્માર્ટફોનનો ઉપયોગ ચાલુ કરવા જઇ રહ્યા છે ત્યારે ડિજિટલ ક્રાંતિના આનંદ સાથે આ પ્રકારના મેસેજનું નવેસરથી આક્રમણ થવાની ચિંતા પણ સતાવે છે...

No comments:

Post a Comment