Monday, September 4, 2017

હોર્ન વગાડવાથી રોડ પરના ખાડાં બૂરાઇ જાય?


-પરાગ દવે

થોડાં દિવસ પર હું મારા એક વડિલ મિત્રને લઇને કોઇ કામે જતો હતો. કારમાં હજી તો અડધોએક કિલોમીટર અંતર કાપ્યું હશે ત્યાં એ અચાનક બોલ્યાં હોર્ન વગાડો!” 
હું ચમક્યો.
 મેં કહ્યું કેમ?”
તો કહે બસ એમ જ.
એમ જ થોડું હોર્ન વગાડાય?”
અરે મજા આવેહોર્ન વગાડો...
એમાં શું મજા આવે?” મેં થોડાં અણગમાના ભાવ સાથે પૂછ્યું પછી તેઓ થોડી વાર ચૂપ થઇ ગયાં. ગાડી હાઇ-વે પર ચાલતી હોવાથી હોર્ન વગાડવાની કોઇ જરૂરિયાત નહોતી પણ પેલા મિત્રે પાંચેક મિનિટ પછી ફરી કહ્યું, “તમારી ગાડીનું હોર્ન કેવું છે એ તો સંભળાવો..
મેં તેમની સામે પણ જોયું નહીં અને આ લપ પૂરી કરવા એક વખત ધીમેથી હોર્ન વગાડ્યું.
આવું હોર્ન ના ચાલે. આ બદલાવીને નવું બહુ મોટા અવાજવાળું હોર્ન આવ્યું છે તે લગાવી દો” તેમણે મને વણમાંગી સલાહ આપતા કહ્યું.
પણ આ હોર્નમાં શું ખામી છે?” મેં પૂછ્યું.
પેલું નવું હોર્ન આવ્યું છે તેનો અવાજ એટલો મોટો છે કે એક કિલોમીટર દૂરનું વાહન સાઇડમાં ખસી જાય
તમે રેલ્વેમાં ડ્રાઇવર હતા?”  
પછી એ સાવ ચૂપ થઇ ગયા. મેં બીજી કેટલીક વાત કરવાનો પ્રયત્ન કર્યો તો પણ સરખી રીતે વાત ના કરી. છેવટે ગાડીમાંથી ઉતરતી વખતે તે એટલું બોલ્યાં કે, “મોટું હોર્ન હોય અને વારંવાર વગાડતા રહીએ તો મજા આવે. એનાથી ગાડીની સ્પીડ પણ વધે...
મને પહેલેથી જ ઘોંઘાટ પસંદ નથી. મન ફાવે ત્યારે હું ગીતો ગાવા લાગું છું અને કેટલાકને જો એ ઘોંઘાટ લાગે તો એ એમનો પ્રશ્ન છેકેમ કે મારા માટે તો એ સંગીતની સાધના જ હોય છે. પણ કારણ વગર વાહનોના હોર્ન વગાડવાનો તો હું ભારે વિરોધી છું. ઘણા મહત્ત્વના કામની જેમ હોર્ન વગાડવાનું પણ હું બને ત્યાં સુધી મુલતવી રાખતો હોઉં છું. મારી આગળ વાહન ચલાવી રહેલી વ્યક્તિ પણ કોઇ મુકામે પહોંચવા માટે જ વાહન પર સવાર થઇ હોય છે તે ગુપ્ત રહસ્ય મને ખબર હોય છે પરંતુ મારી પાછળ વાહન ચલાવતા લોકો કેટલીક વખત એવું માનતા હોવાનું લાગે છે કે બીજા વાહનચાલકોને ઘરે કંઇ કામ નહોતું એટલે રોડ પર વાહન ચાલુ રાખીને ઊભા રહ્યા છે. મને હજી સુધી એ નથી સમજાયું કે ચાર રસ્તે સિગ્નલ ખૂલે એ સાથે જ હોર્ન વાગવાના પણ કેમ ચાલુ થઇ જતાં હશેસિગ્નલની લાલ-લીલી લાઇટો અને વાહનોના હોર્ન આધારકાર્ડથી લિન્ક થયા હોય તો જ આવો અદ્‌ભૂત યોગાનુયોગ સર્જાઇ શકે.
જેમ પેલા વડીલ એમ માને છે કે હોર્ન વગાડવાથી વાહનની સ્પીડ વધે છે એમ કેટલાક તરુણો અને યુવાનો એમ માનતા હોય છે કે હોર્ન વગાડવાથી કન્યા રીઝે. રોડની કિનારીએ ચાલતી જતી એક કન્યાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા એક છોકરાએ ટ્રેઇનની વ્હિસલ જેવો અવાજ કરતું હોર્ન વગાડ્યું. કન્યા તો આવા કેટલાય હોર્નથી ટેવાયેલી હશે એટલે એણે તો એ તરફ લક્ષ ના આપ્યુંપણ દૂર ઊભેલી એક ભેંસ એ અવાજથી ચમકીને સીધી રોડ તરફ દોડી અને આ હોર્ન બજાવનારા કલાકારને જ અડફેટે લીધો. હવે એ છોકરાએ પોતાના મોટરસાઇકલના હેન્ડલ પર સાઇકલની ટોકરી બાંધી દીધી છે...
આપણે ભલે હોર્ન વગાડ વગાડ કરતા લોકો તરફ સદ્‌ભાવ ના ધરાવતા હોઇએપરંતુ આમ જુઓ તો એ પ્રકારે હોર્ન વગાડવું બધા માટે શક્ય નથી હોતું. કેટલીક વખત તો મને એમ લાગે છે કે એમણે ઘણા જ પ્રયત્નો કરીને પોતાના અસંપ્રજ્ઞ મનને સતત હોર્ન વગાડતા રહેવા માટે કેળવ્યું હશે. એ લોકો મનથી રાજા હોય છે. અસલના જમાનામાં રાજા માર્ગ પર નિકળે ત્યારે છડી પોકારવામાં આવતી. હાલના સમયમાં આપણાં હોર્ન-રાજા નિકળે ત્યારે આવી સાહ્યબી ઉપલબ્ધ નહીં હોવાથી તેમણે જાતે જ પોતાના આગમનની જાણ કરવી પડે છે તેથી ઉનાળાની બળબળતી બપોરે સાવ ખાલી માર્ગ પર તેઓ વાહન લઇને નિકળે તો પણ સતત હોર્ન વગાડીને પોતાની ઉપસ્થિતિથી બધાને વાકેફ કરવાની જહેમત ઉઠાવતા રહે છે. 
અને કેટલાક તો એમ માને છે કે હોર્ન વગાડવાથી રોડ પર રહેલો ખાડો બૂરાઇ જાય છે!
સીએનજી રિક્ષા આવી તે પહેલાં મોટાભાગની રિક્ષાના ભોંપું હોર્ન હતા, જે તેના ચાલકો બહુ ભાવથી વગાડતાં રહેતાં. જોકે, સીએનજી રિક્ષા આવ્યાં પછી રિક્ષાચાલકોએ હોર્ન વગાડવાનું જ માંડી વાળ્યું છે અને વાહન ચલાવવામાં હોર્ન તો શું, સાઇડ આપવાની કે બ્રેક મારવાની પણ જરૂર નથી એમ તેઓ સાબિત કરીને રહેશે એવું લાગે છે. કેરોસિનથી થતું હવાનું પ્રદૂષણ અટકાવવાની સાથોસાથ હોર્નથી થતું ધ્વનિ પ્રદૂષણ પણ તેમણે અટકાવ્યું છે. ટ્રક ચાલકો પણ "Horn Ok Please"ની જગવિખ્યાત લાઇન ચીતરાવીને અન્યોને હોર્ન વગાડવાની પ્રેરણા આપે છે પરંતુ તેઓ બહુ હોર્ન નથી વગાડતા. કેટલાક કલારસિક ડ્રાઇવરો જો કે લાંબા લાંબા રાગના હોર્ન રાખે છે. (મહારાષ્ટ્ર સરકારે તો ધ્વનિ પ્રદૂષણને મહત્ત્વ આપતા "Horn Ok Please" આર્ટ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે.)
રિક્ષાના હોર્ન ભલે અટક્યાં હોય પણ બીજા ઘણા ચાલુ થયા છે. ઘણી વખત મોડી રાત્રે આપણે ફિલ્મ જોઇને કે પછી એમ જ ક્યાંક ફરીને આવ્યાં છીએ એ આખી સોસાયટીને ત્યારે જ ખબર પડે જો આપણે સોસાયટીનો ગેટ ખોલાવવા માટે મોટેથી વારંવાર હોર્ન વગાડીએ. ઘણાં લોકો ઓફિસે જતી વખતે હોર્ન વગાડીને પત્નીને "ટાટા" કરતા હોય છે (મોટાભાગે પોતાની જ પત્નીને...હું હંમેશા બધા માટે સારો અભિપ્રાય જ આપું છું એ જોયું ને...). કેટલાક તો ઓફિસથી આવે ત્યારે સ્કુટર પાર્ક કરતા પહેલાં હોર્ન વગાડીને ઘરે પોતાના આગમનની જાણ કરી દેતા હોય છે. પાનના ગલ્લે રોજ 1857નું "ચેતક" લઇને આવતા મિત્રો ક્યારેક કો'કની કારમાં આવ્યા હોય તો કાર ગલ્લાની સામે રાખીને નીચે ઉતર્યાં વગર જ સતત હોર્ન વગાડીને મસાલો મંગાવતા હોય છે. તો વળી કેટલાય એવા પણ છે કે રસ્તામાં ભગવાનનું મંદિર આવે તો માથું ભલે ના ઝૂકાવે, પણ હોર્ન વગાડ્યાં વગર આગળ ના જાય.
જોકે, એક વાત નક્કી છે કે રોડ પરના ગાય અને શ્વાન, તમારા હોર્નથી જરાય ઇમ્પ્રેસ થતાં નથી...


No comments:

Post a Comment