Thursday, September 14, 2017

ખોડાની રસી કેમ નથી શોધાઇ?

-પરાગ દવે

ત્રણ કોલેજકન્યાઓ પોતાની શારીરિક સમસ્યાઓ વિશે વાત કરી રહી હતી. 
એકે કહ્યું, મારી કિડનીમાં ત્રણ પથરી છે.
બીજી બોલી, મને બ્રેઇન ટ્યૂમર છે.
ત્રીજીએ કહ્યું, મારા માથામાં ખોડો (ડેન્ડ્રફ) છે...આ સાંભળતાં જ પેલી બંને ચિંતિત થઇને લગભગ રડવા લાગી અને ખોડો મટાડવા વિશે તેને અડધા કલાક સુધી જાત-જાતની સલાહ આપી...
આ કલ્પના અતિશયોક્તિભરી જરૂર છે, સાવ ખોટી નથી. પથરી અને બ્રેઇન ટ્યૂમરનો ઇલાજ શક્ય છે, જોકે, ખોડો મટાડવો એ લોઢાના ચણા ચાવવા કરતાં પણ મુશ્કેલ છે. કરિના કપૂર જેવી કરિના કપૂર પણ વર્ષોથી સ્પેશિયલ શેમ્પૂનો ઉપયોગ કરે છે, પણ હજી ઉપયોગ ચાલુ જ છે એટલે ખોડો મટ્યો નથી એમ જ કહેવાય. કેટલાકે તો ખોડાની જાહેરાતો જોયા પછી એ પ્રોડક્ટ વાપરવાના બદલે બ્લેક શર્ટ પહેરવાનું જ બંધ કરી દીધું છે, જે વધારે સસ્તું પડે. કેટલીક છોકરીઓ પ્રદૂષણથી બચવા માટે એક્ટિવા ચલાવતી વખતે માથે દુપટ્ટા બાંધતી હોવાનો દેખાડો કરે છે પણ હકિકતે તો તેઓ પોતાની પાછળ વાહન ચલાવી રહેલા લોકોને પોતાના ખોડાથી બચાવે છે. જો તેઓ માથું દુપટ્ટાથી બાંધ્યા વગર પાંચ મીનિટ પણ વાહન ચલાવે તો પાછળ વાહન ચલાવી રહેલા લોકોના ચહેરા ખોડાથી ભરાઇ જાય. કેટલાક માટે તો વળી ખોડો ઉપયોગી પણ છે. સતત એક કલાક સુધી તમારી સામે બેઠાં-બેઠાં તેઓ માથું ખંજવાળતા હોય અને એમનાં માથાંમાં ફરી રહેલી જૂ આપણને દેખાતી હોય અને આપણે એટલું જ બોલીએ કે, “જૂ બહુ જિદ્દી હોય છે...” તો તરત જ તેઓ લુચ્ચું હસીને એમ કહીને વાત ઉડાવી દે કે, “મને તો ખોડો છે...”!
માનવીએ અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને પોલિયો કે શીતળાને નાબૂદ કરવા માટે પ્રશંસનીય જહેમત ઉઠાવી છે, પણ ખોડાનું નામ પડે ત્યારે ભલભલા વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોના મસ્તક શરમથી ઝૂકી જાય છે અને એ ઝૂકતાં જ થોડો ખોડો ખરે છે. હમણાં એક બહેન પિડિયાટ્રિશિયન પાસે ગયા અને પોતાની ત્રણ વર્ષની બેબીને ખોડાની રસી મૂકી આપવા વિનંતી કરી ત્યારથી એ પિડિયાટ્રિશિયને બોર્ડ મારી દીધું છે કે “અમે કોઇ રસી મૂકતા નથી.” ભવિષ્યમાં જન્મનારા બાળકોને ખોડાની પણ રસી મળતી થાય એ દિશામાં એમણે સત્વરે વિચાર કરવો જોઇએ એવી મારી લાગણી છે. વૈજ્ઞાનિકોએ હવે ખોડાના બદલે આળસ ખંખેરીને રસી (ભલે એ વાઇરલ ડિસિઝ નથી તો પણ) શોધવી જોઇએ.
પણ ખોડો પોતે જ સાવ લો-પ્રોફાઇલ રહ્યો છે અને એને પ્રસિદ્ધિની કે પોતાનો ખૌફ ફેલાવવાની ભૂખ નથી. તમે ગમે એટલા બેસણાંમાં ગયા હોવ પણ ક્યારેય “શું થયું હતું?”ના જવાબમાં મરનારના સગાંને એમ કહેતાં સાંભળ્યાં કે, “ખોડો થયો હતો...”? આ સાવ નિર્દોષ રોગ છે. આમ તો એને રોગ ગણાય કે કેમ એ પણ ચર્ચાનો વિષય છે પણ જે પ્રકારે શેમ્પૂ બનાવનારા ખોડાની પાછળ પડી ગયાં છે એ જોતાં તો ક્યારેક એમ જ લાગે છે કે ખોડો વિશ્વની એકમાત્ર સમસ્યા છે. કેન્સર સામેનો જંગ જીતનારાં વીરલાઓની ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ આવે છે પણ ખોડા સામે જીતનારાનું સન્માન કેમ નથી થતું. કોઇ જ્યોતિષીએ પણ હજી સુધી કોઇ જાતકની કુંડળીમાં કેવા ગ્રહયોગથી  ખોડો થવાની સંભાવના છે તેનું વિશ્લેષણ નથી કર્યું, જે ખોડાની ગંભાર અવગણના છે.
જો ખોડાનું વ્યાપારીકરણ વધે (એને મટાડવાની એડવર્ટાઇઝમેન્ટ સિવાય) અને તેમાંથી કંઇક ઉત્પાદન શરૂ થાય તો હું બહુ ઝડપથી કરોડપતિ બની શકું એમ છું. કંઇ નહીં તો ખસખસની જગ્યાએ ખોડાનો ઉપયોગ શરૂ થવા જોઇએ એવી પણ મારી લાગણી ખરી. શિયાળામાં તો ભારતના કુલ ખોડા ઉત્પાદનમાં હું એક-બે ટકાનું યોગદાન આપી શકું એ પ્રકારે ખોડો મારા પર હેત વરસાવે છે. મારા માથાંમાં થતાં ખોડાની ફોતરીને જો હું એક લાઇનમાં ગોઠવું તો પૃથ્વીના ચાર-પાંચ આંટા લઇ શકાય એટલી લંબાઇ થઇ શકે એવું મને લાગે છે.
સૌથી મોટો ફાયદો એ છે કે મારું હેલ્મેટ કોઇ ક્યારેય ઉછીનું લઇ જતું નથી...

No comments:

Post a Comment