Thursday, September 7, 2017

“અમે હિન્દી ફિલ્મોના અંતને ગોડાઉનમાંથી દરિયા વચ્ચે લાવ્યાં...”

-પરાગ દવે
“અમે એક ફિલ્મની સ્ક્રિપ્ટ અને રોલ સમજાવવા માટે નિરુપા રોયજીને મળવા ગયા હતા. અમે કંઇ બોલીએ એ પહેલાં જ તેમણે અમને પૂછી લીધું કે ફિલ્મમાં મારા પતિ ખોવાઇ જશે કે બાળકો? એટલે અમે કહ્યું કે આ એવી ચીલાચાલુ ફિલ્મ નથી, આમાં તો તમારા પતિ ગુજરી ગયા હશે અને પછી બાળકો ખોવાઇ જશે....” કાલે રાત્રે સપનામાં અચાનક જ ૧૯૭૦ અને ૧૯૮૦ના કેટલાક નિર્માતા અને દિગ્દર્શકો આવ્યાં હતા અને તેમણે મને વચન આપ્યું છે કે તેઓ નિયમિત રીતે મને તેમના સમયની ફિલ્મોની ‘એક્સ્લુઝિવ’ માહિતીઓ આપશે. પ્રથમ રાત્રે તેમણે મને બોલિવુડના માતા નિરુપા રોયની અજાણી વાતો કરી હતી એ એમનાં જ શબ્દોમાં... 
અમે બહુ પ્રયોગશીલ હતાં. અમારું સદ્‌ભાગ્ય એ હતું કે અમને એવા જ પ્રયોગશીલ કલાકારો પણ મળ્યાં હતા. જેમ કે નિરુપા રોય...ભારતીય ફિલ્મોના એ અમર માતા છે. તેઓ કાયમ કંઇક નવી વિશેષતા ઉમેરતાં રહેતાં. એક ફિલ્મમાં તેમના દીકરા (ફિલ્મનો હીરો)ને ભેટીને તેઓ રડે છે એવો એક સિન હતો. આમ તો એ ફિલ્મમાં તેઓ રડે તેવા ઘણા સિન હતા અને એ પૈકીનો આ એક હતો. એ સિન તેમણે કર્યો અને રડી લીધું પછી મારી પાસે આવ્યાં અને કહ્યું, “જોયું ને, આ સિન મેં સાવ અલગ રીત કર્યો.” સાચું કહું તો હું કંઇ સમજ્યો જ નહીં. હું ફિલ્મનો ડાયરેક્ટર હતો પણ નિરુપાજીના રુદનના સિનમાં મારે ક્યારેય કંઇ જોવું પડતું નહીં એટલે તેઓ જ્યારે હીરોને ભેટીને રડવાનો સિન શૂટ કરતા ત્યારે હું ફિલ્મની હીરોઇનને તેના સિન બહુ કાળજીપૂર્વક સમજાવવામાં સમય પસાર કરતો. 
પણ મેં નિરુપાજીને અત્યંત ખુશી સાથે કહ્યું, “તમે કાયમ કંઇક નવું કરો છો તો આ સિનમાં પણ કર્યું જ હશે એ મને ખાતરી છે.”
તેઓ ખૂબ રાજી થયાં અને કહ્યું કે, “ગઇ ફિલ્મમાં દીકરા સામે રડવાનો સિન હતો તેમાં મેં ડાબા હાથેથી સાડીનો છેડો પકડીને આંસુ લૂછ્યાં હતા પણ આ ફિલ્મમાં કંઇક નવું કરવા માટે મેં જમણા હાથેથી સાડીનો છેડો પકડ્યો હતો....” ખરેખર, હવે તો આવા કર્મનિષ્ઠ કલાકારો મળવા જ મુશ્કેલ છે.
એક ફિલ્મમાં તો અમે કંઇક નવો ક્લાઇમેક્સ લાવવા ઇચ્છતાં હતા. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂરું થઇ ગયું હતું. અમે બે-ત્રણ શક્યતાઓ ચકાસી રહ્યા હતા પણ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહેલા કલાકારે જીદ કરી કે હીરોની માતા અને બહેનને તો હું બાંધીને લઇ જ જઇશ. જોકે, અમે તો પ્રયોગશીલ હતા એટલે છેવટે અમે નવું એ લાવ્યાં કે વિલન હીરોના પરિવારના લોકોને મધદરિયે શિપમાં બાંધી દે છે. હા, આ પહેલી વખત વિચારનારા અમે જ હતાં. તમે જોયું હશે કે ત્યાર પહેલાંની ફિલ્મોમાં હીરોના પરિવારની સ્ત્રીઓને કોઇ ભોંયરા કે ગોડાઉનમાં જ કેદ કરવામાં આવતી હતી. અમે ફિલ્મોના અંતને ગોડાઉનમાંથી દરિયા સુધી લઇ ગયા...
પણ મધદરિયે પણ જ્યારે વિલને હીરો પર ગોળી છોડી ત્યારે નિરુપાજી વચ્ચે આવી ગયા. અમે રિટેક કરવાનું કહીને તેમને સમજાવ્યાં કે તમારે ખાલી ઊભા ઊભા હીરોને ગોળી વાગે એ જોવાનું જ છે અને પછી તમારા ચહેરા પર કેમેરા આવે ત્યારે રડવાનું છે. પણ બીજા બે ટેકમાં પણ તેઓ દોડીને વચ્ચે આવી જ જતા હતા. અમે તેમને કહ્યું કે સ્ક્રિપ્ટ મુજબ હીરોએ ગોળી ખાવાની છે. તો તેમણે કહ્યું કે ગઇ ફિલ્મમાં પણ તેણે જ ગોળી ખાધી હતી તો આ ફિલ્મમાં મને ગોળી વાગે તો દર્શકોને એકદમ અનપેક્ષિત અંત લાગશે. અમે એ પ્રયોગ કર્યો અને એ સંપૂર્ણ સફળ રહ્યો એ તમે સૌ જાણો જ છો. તેઓ હિન્દી સિનેમાના એકમાત્ર એવા એક્ટ્રેસ હતા જે પોતાના પર્સમાં લિપસ્ટીકના બદલે ગ્લિસરિન જ રાખતાં...હવે તો એવા કલાકારો જ ક્યાં પાકે છે?
નિરુપાજી પોતાના પાત્રોમાં ઓતપ્રોત થઇ જતાં. તેમણે લગભગ ૨૭૫ જેટલી ફિલ્મો કરી છે એટલે સ્વાભાવિક રીતે એક સાથે ૪-૫ ફિલ્મોમાં એક સમયે કામ કરતા જ હશે. તેઓ ઘરે જઇને પણ પોતાના પાત્ર સાથે જ જોડાયેલાં રહેતાં. અમે સાંભળેલો એક કિસ્સો બહુ મજેદાર છે. એમના સંતાનોએ એક રાત્રે ઘરે વાત કરી કે, “મમ્મી, કાલે કોલેજની ફી ભરવાનો છેલ્લો દિવસ છે.” તેઓ તો અત્યંત ધનાઢ્ય હતા પરંતુ જેમ વેલ વૃક્ષને વળગે એમ એમના પાત્ર નિરુપાજીની સાથે જ હતા. સંતાનોની કોલેજની ફીની વાત સાંભળીને તેઓ ગળગળાં થઇને બોલ્યાં, “કાશ, તુમ્હારે પિતાજી આજ હોતે..” હજી વાક્ય પૂરું થાય એ પહેલાં તો તેમના શ્રીમાન દોડીને આવ્યાં અને રાડ પાડી , “હું અહીં જ છું...જાગી જા, જાગી જા...”. આવા કર્મઠ કલાકારો હવે ક્યાં મળે છે? અમે તો બધાં બહુ પ્રયોગશીલ હતા...
તેઓ મારા પ્રત્યે બહુ સ્નેહ રાખતાં. એનું મુખ્ય કારણ એ છે કે મારા પહેલાં જેટલાં ડાયરેક્ટરો સાથે તેમણે કામ કર્યું હતું તેમણે તેમને માત્ર ડૂસકાં ભરવાનાં જ રોલ આપ્યાં હતા, જ્યારે મેં મારી પ્રથમ ફિલ્મમાં જ એમની પાસે પોક મૂકાવી હતી. હું પહેલેથી જ બહુ પ્રયોગશીલ હતો...

2 comments:

  1. Ha ha ha.. I cried reading this... Hope next time Utpal Dutt will come in your dream... or Joy Mukarji

    ReplyDelete
  2. શ્રી પરાગ દવે....તમારી સપના ઓ ને તો પાંખો છે.
    ગમેં ત્યારે ગમે ત્યાં ઉડી જાય....અને કલ્પના તો સુપર સોનિક જેટ જેવી છે જે ધ્વનિ કરતા પણ વધારે ઝડપી દોડી શકે છે.
    કિશોર કુમાર નું કૈક લખશો તો બવ મજા આવશે....

    ReplyDelete