Monday, July 4, 2016

ભીમ, ગામા, દારાસિંઘ, ‘સુલતાન’: પહેલવાનોનું આકર્ષણ અમર છે !


-પરાગ દવે


વિભાજન વખતે વિશ્વપ્રસિદ્ધ ગામા પહેલવાને (ગુલામ મોહમ્મદ) લાહોર સ્થાયી થવાનો નિર્ણય કર્યો. લાહોર વિભાજનની આગમાં ભડકે બળી રહ્યું હતું અને ગામા પહેલવાનના રહેઠાણની નજીકની હિન્દુ કોલોની પર હુમલો કરવા એક હિંસક ટોળું પહોંચ્યું. કોલોનીની બહાર ૬૫ વર્ષના ગામા પહેલવાન ઊભા રહ્યા અને હિંસક ટોળાને પડકાર ફેંક્યો. કહેવાની જરૂર નથી કે રુસ્તમે ઝમાના જેની રક્ષામાં ઊભા હતા કોલોની પર હુમલો કરવાની આગેવાની લેવાની ટોળામાં કોઇની હિંમત નહોતી અને વિલા મોંએ પરત ફરી જવામાં તેમને સલામતિ લાગી!
પહેલવાનીનો પહેલો પાઠ છે. પહેલવાનો કસરત અને ડાયટ દ્વારા અસાધારણ શક્તિ મેળવવાની શરૂઆત કરે પહેલાં તેમનું મન શુદ્ધ અને નિર્મળ બને તેની તકેદારી રાખવામાં આવે છે. કુસ્તીસ્પર્ધામાં હરિફ પહેલવાનને ધૂળ ચાટતો કરવા સિવાય સમાજ જીવનમાં તેઓ અમાનુષી શક્તિનો દુરુપયોગ ના કરે અને સમાજને કંઇક ઉપયોગી થાય તે માટે તેમને માનસિક રીતે સજ્જ કરવામાં આવતા.
(ઉપર) ધ ગ્રેટ ગામા  અને (નીચે) દારા સિંઘ અને કિંગ-કોંગ


ગામા પહેલવાને તો એક પણ કુસ્તીસ્પર્ધામાં પરાજય જોયો નહોતો પરંતુ સક્ષમ હરિફના અભાવમાં પણ તેઓ પોતાની શક્તિ લોકો સમક્ષ અવનવી રીતે બતાવતા. ૧૯૧૦માં લંડનમાં વિશ્વસ્તરના રેસલર્સ સામે શ્રેણીબદ્ધ વિજય મેળવીને તેઓ રુસ્તમે ઝમાના બન્યાં તે અગાઉ તેમણે ભારતમાં અસંખ્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ડિસેમ્બર ૧૯૦૨માં સયાજીરાવ ગાયકવાડે વડોદરા રાજ્યમાં કુસ્તી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ગામાને જોવા માટે વિશાળ જનમેદની ભેગી થઇ હતી. સ્વાભાવિક રીતે અહીં ગામાને ટક્કર આપે તેવા કોઇ પહેલવાન નહોતા અને અંતે ગામા ત્યાં પડેલો એક વિશાળ પથ્થર ઊંચકીને થોડું ચાલ્યા હતા. પથ્થર ગામાએ ઊંચક્યો હોવાની નોંધ પથ્થર પર કોતરવામાં આવી. પથ્થર લગભગ ,૨૦૦ કિલો વજનનો છે અને આજે પણ સયાજીરાવ મ્યુઝિયમમાં તમે તે જોઇ શકો છો. મ્યુઝિયમમાં તેને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે ૨૫ વ્યક્તિનું સામૂહિક બળ પણ ઓછું પડ્યું હતું અને અંતે હાઇડ્રોલિક મશીન દ્વારા તેને ખસેડવામાં આવ્યો હતો! થોડાં વર્ષો પર મિત્ર તુષાર તેરેએ વડોદરામાં ગામા પહેલવાને કરેલા આ શક્તિપ્રદર્શનની અને આ સ્ટોનની સ્ટોરી પણ કરી હતી.
ગામાએ વડોદરામાં ઊંચકેલો ૧,૨૦૦ કિગ્રાનો સ્ટોન (ફોટો કર્ટસી: તુષાર તેરે)
એક પહેલવાન માટે પાંચ ફીટ સાત ઇંચની ઊંચાઇ ઓછી ગણાય પરંતુ ધ ગ્રેટ ગામા પહેલવાનીના લિટલ માસ્ટર હતા. અમૃતસરમાં પહેલવાનોના કુટુંબમાં જન્મેલા ગ્રેટ ગામાની તાલિમ પાંચ વર્ષની ઉંમરે શરૂ થઇ હતી અને જોધપુરના મહારાજાએ યોજેલી અંગ કસરતની સ્પર્ધામાં ૪૦૦ જેટલા પહેલવાનો વચ્ચે ૧૦ વર્ષના ગામાએ છેલ્લાં ૧૫ સ્પર્ધકોમાં સ્થાન મેળવતાં મહારાજાએ અસામાન્ય બાળકને વિજેતા જાહેર કરી દીધો હતો. રહિમબક્ષ સુલતાનીવાલા સિવાયના તમામ કુસ્તીબાજોને ૧૯૧૦ સુધીમાં ગામાએ પરાજિત કરી દીધા હતા અને ત્યારબાદ તેઓ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા લંડન પહોંચ્યા. ઓછી ઊંચાઇના કારણે તેમને ચેમ્પિયનશીપમાં પ્રવેશ આપવાથી ઇનકાર કરી દેવામાં આવ્યો. પણ ગામા જેનું નામ. તેમણે ચેમ્પિયનશીપના તમામ કુસ્તીબાજોને કુસ્તી માટે પડકાર ફેંક્યો અને પડકાર સ્વીકારનારા પ્રથમ અમેરિકન રેસલર બેન્જામિન રોલરને આસાનીથી હરાવ્યા બાદ બીજા દિવસે ૧૨ કુસ્તીબાજોને જમીનદોસ્ત કરી દીધા અને વટ કે સાથ ચેમ્પિયનશીપમાં પ્રવેશ કર્યો! ૧૦ સપ્ટેમ્બર, ૧૯૧૦ની ઐતિહાસિક કુસ્તીમાં તત્કાલિન વર્લ્ડ ચેમ્પિયન પોલેન્ડના સ્ટેનિસ્લોસ બિસ્ઝ્કોને ગામાએ ગણતરીની મિનિટોમાં પછાડી દીધા અને ત્યારબાદ બે કલાક ૩૫ મિનિટ સુધી બિસ્ઝ્કો સ્થિતિમાં રહ્યા. મેચ જો કે ડ્રો રહી અને બીજી મેચ ૧૭ સપ્ટેમ્બરે યોજવાનું નક્કી કરવામાં આવ્યું. મેચનો સમય વિતી જવા છતાં બિસ્ઝ્કો સ્થળની નજીકમાં પણ ફરક્યાં નહીં અને અંતે ગામાને રુસ્તમે ઝમાના (વર્લ્ડ ચેમ્પિયન) ઘોષિત કરવામાં આવ્યા.  ૧૮ વર્ષ બાદ ૧૯૨૮માં ફરી વખત ભારતમાં પટિયાલા ખાતે બંને પહેલવાનોની ફાઇટનું આયોજન થયું. ભારતના અનેક રાજાઓ સહિતની તત્કાલિન સેલિબ્રિટી સહિત કુલ ૬૦,૦૦૦ જેટલા લોકો ખાસ બાંધવામાં આવેલા સ્ટેડિયમમાં મલ્લયુદ્ધ જોવા એકઠાં થયા હતા. વખતે ગામાની ઉંમર ૪૬ વર્ષ અને બિસ્ઝ્કોની ઉંમર ૪૯ વર્ષ હતી અને બિસ્ઝ્કોએ ૧૯૧૦ની હારનો બદલો લેવાનો નિશ્ચય જાહેર કર્યો હતો. વર્ષો વિતવા છતાં ગામાની તાકાતમાં લેશમાત્ર ઘટાડો થયો નહોતો અને માત્ર ૪૨ સેકન્ડ, રિપિટ, ૪૨ સેકન્ડમાં ગામાએ પોલિશ હરિફને રિંગની બહાર ફેંકી દીધો!
ગામા કે દારાસિંઘની ડાયટ હોય કે તેમની કસરત, તેઓ હંમેશા લોકમાનસમાં અનેરું આકર્ષણ જમાવતા રહ્યા છે. ગામા દરરોજ પાંચ હજાર દંડ અને ત્રણ હજાર બેઠક કરતાં અને ૪૦ પહેલવાનો સાથે કુસ્તી કરતા તે કિંવદંતી અતિશયોક્તિભરી લાગે, પણ તેમની તાકાતના પુરાવા પણ માન્યામાં ના આવે તેવા છે! દરરોજ સાડા સાત લિટર દૂધ ઉપરાંત સાડા સાતસો ગ્રામ બદામને ફ્રુટ જ્યુસમાં મેળવીને ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવતું ટોનિક ડ્રિંક તેઓ પીતાં.
ગામા પછી વિશ્વસ્તરે ભારતીય પહેલવાનીનો ડંકો વગાડનારા રુસ્તમે હિંદ દારાસિંઘ પણ તનતોડ કસરત સાથે દરરોજ ત્રણ-ચાર લિટર દૂધ, ૨૫૦ ગ્રામ ઘી, ૨૫૦ ગ્રામ બદામ અને કલાક સુધી ખાસ રીતે તૈયાર કરવામાં આવતો ચિકન સુપ પીતાં હોવાના ઉલ્લેખો છે. તેમાં કેટલું તથ્ય છે તે અંગે ચર્ચા થઇ શકે છે પરંતુ ૧૩૦ કિગ્રા વજન ધરાવતા દારા સિંઘે લગભગ ૨૦૦ કિગ્રાના ઓસ્ટ્રેલિયન પહેલવાન કિંગ કોંગને બે હાથે ઊંચકી, ગોળ-ગોળ ફેરવીને રેફરીની દરમ્યાનગીરી બાદ રિંગની બહાર ફેંકી દીધો હતો તે રેસલિંગ વર્લ્ડ ક્યારેય નહીં ભૂલી શકે. દારા સિંઘની કુસ્તી જોવા માટે દેશ-વિદેશમાં હજારો લોકો ભેગાં થતાં અને તેઓ જ્યારે સિનેમામાં એક્ટર તરીકે પ્રવેશ્યા ત્યારે બોલિવુડે પણ તેમની અપ્રતિમ તાકાત દર્શાવતા સિન શૂટ કરવામાં કોઇ કચાશ રાખી નહોતી! પાંડવ ભીમસેનની વીરતા અને તાકત અપ્રતિમ હતી અને આજે
ભારત હજારો વર્ષોથી સર્વોત્તમ પહેલવાનો પકવતો રહ્યો છે. રામાયણમાં હનુમાન, વાલી, કુંભકર્ણ, અંગદ, જાંબવાન જેવા બળુકા મલ્લનો ઉલ્લેખ છે તો મહાભારત સર્વકાલિન મહાન મલ્લ યોદ્ધાઓ—કંસ, ચાણૂર, જરાસંધ, બળરામ, ભીમસેન અને દુર્યોધનના મલ્લયુદ્ધોથી છલોછલ છે. શ્રીકૃષ્ણ પણ અજેય મલ્લ હોવાના ઉલ્લેખ મળે છે. દિલ્હીના છેલ્લા હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણનો સેનાપતિ ચંડપુડિર (ચામુંડ) મહાભારતકાળના વીર વારસાનો પ્રતિનિધિ ગણાતો અને ‘પૃથ્વીરાજરાસો’માં કવિ ચંદ બરદાઇએ તેના મલ્લયુદ્ધોનું રસપાન કરાવ્યું છે. આ મલ્લ એટલે જ હાલનો પહેલવાન.  પ્રાચીન સાહિત્ય મુજબ મલ્લકુસ્તી (પહેલવાની)માં હનુમંતિ, જામ્બવંતિ, જરાસંધી અને ભીમસેની એમ ચાર સૌથી મહત્ત્વની સ્ટાઇલ છે અને કોઇપણ પહેલવાન તેનો ઉપયોગ કરીને જ હરિફને ધૂળ ચાટતો કરી શકે છે. જોકે, મોગલ શાસક ઔરંગઝેબે 17મી સદીમાં નુરુદ્દીન નામના પહેલવાનને સ્પોન્સર કર્યો હોવાના ઉલ્લેખો છે. નુરુદ્દીનને ઔરંગઝેબ ક્યા દેશથી લાવ્યો હતો એ અંગે પ્રમાણભૂત માહિતી મળતી નથી પરંતુ ત્યારબાદ ભારતમાં કુસ્તીસ્પર્ધાઓમાં નૂરેવાલા, કાલુવાલા અને કોટવાલા જેવી અખાડા શાળાઓના સ્પર્ધકોનો દબદબો રહ્યો હતો.
શરૂ-શરૂમાં સ્પર્ધાત્મક મલ્લયુદ્ધમાં પરિણામ નિશ્ચિત જ રહેતુઃ એક હરિફની વીરગતિ. સભ્યતાના વિકાસ સાથે  કુસ્તીમાં સલામતિના વિવિધ નિયમો અમલી બન્યાં અને ખતરનાક ટેક્નિકના ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યાં. સમયાંતરે અખાડાની રચના અને પદ્ધતિસરની તાલિમ તથા ડાયટની પણ શરૂઆત થઇ. જ્યારે રાજાઓ પહેલવાનોના આશ્રયદાતા બન્યાં અને રાજ્ય દ્વારા કુસ્તી સ્પર્ધાઓનું આયોજન થવા લાગ્યું ત્યારે આ રમત ટોચ પર પહોંચી.
સ્વતંત્રતા અને વિભાજનના પગલે અનેક પરંપરાઓનો અંત આવી ગયો એ જ રીતે પહેલવાની પરંપરાનો પણ લગભગ અંત આવ્યો. પહેલવાની અત્યંત ખર્ચાળ શોખ અને કરિયર ગણાતી રહી છે અને પંજાબના મહારાજાઓ સશક્ત પહેલવાનોને મહાશક્તિશાળી બનાવવા માટે વિપુલ ધન ફાળવતા. વિભાજન બાદ પંજાબના બે ભાગ પડ્યાં અને વિવિધ કારણોસર રાજાઓ પહેલવાનોને આશ્રય આપવાથી દૂર થતા ગયા. 
દારાસિંઘના અવસાનના ચાર વર્ષ બાદ બોલિવુડ ફરી પહેલવાનીની રંગે રંગાઇ રહ્યું છે અને સલમાનખાન સુલતાન અને આમિરખાન દંગલ દ્વારા પહેલવાનીના કરતબ રૂપેરી પડદે બતાવવા આવી રહ્યા છે. સલમાનખાનની લોકપ્રિયતા જોતાં ફિલ્મ ~૨૦૦ કરોડથી વધુનો બિઝનેસ કેટલા દિવસમાં કરશે તેની ચર્ચા ચાલી રહી છે પરંતુ દબંગખાનના પહેલવાન અવતારને જોવા માટે લોકોમાં કંઇક વધારે આતુરતા છે અને તેનું કારણ છે પહેલવાની પ્રત્યે આમજનતાનું આકર્ષણ. સુલતાન અને દંગલમાં પહેલવાની કેટલી છે અને બોલિવુડ કેટલું છે તો ફિલ્મો રિલિઝ થાય ત્યારે જાણવા મળશે પરંતુ બંને સુપરસ્ટારે લોકમાનસમાં પહેલવાનો પ્રત્યેનો પ્રેમ જરૂર ફરી જન્માવ્યો છે!

Tuesday, July 30, 2013

સોનું, સીએડી, સરકાર અને સમાજઃ સરેરાશ ભારતીયની વિમાસણ!

-પરાગ દવે
સમજદાર સરેરાશ ભારતીય સામે મોટી સમસ્યા છે. દેશનો બુદ્ધિજીવી વર્ગ દ્રઢપણે માનવા લાગ્યો છે કે સરેરાશ ભારતીયનો સોના પ્રત્યેનો મોહ દેશના અર્થતંત્ર માટે જોખમી છે. જોકે સરેરાશ ભારતીય માટે એ બાબત સમજવી મુશ્કેલ છે કે સંકટ સમયની સાંકળ ગણાતું સોનું જ કઇ રીતે સંકટ બની શકે?

છ-સાત વર્ષ પહેલાંથી સોનાના ભાવમાં એક તરફી તેજી શરૂ થઇ અને 10 ગ્રામ સોનાના ભાવ જ્યારે 2009માં આશરે રૂ. 16,000 પર પહોંચ્યા ત્યારે પોતે દિગ્મુઢ થઇ ગયો હતો અને તેની ગૃહિણી પણ એટલું "મોંઘું" સોનું ખરીદવાની હામ ગુમાવી ચૂકી હતી, એ વાતો આજે સરેરાશ ભારતીય યાદ કરે છે અને પત્નીને કહે છે કે આપણે સોનું ખરીદી શકીએ તેમ હતા પરંતુ હિંમત નહોતી.

હકિકતે, આજે સરેરાશ ભારતીયના ઘરે મહત્ત્વની "મિટિંગ" ચાલી રહી છે. તેની પુત્રીના ડિસેમ્બર માસમાં લગ્ન લેવાયા છે અને સોનાના ભાવમાં પ્રિમિયમ ચાલે છે. સરેરાશ ભારતીયનો પુત્ર કોલેજના પ્રથમ વર્ષમાં છે અને કોમર્સ કોલેજમાં તેના પ્રોફેસરે ભારત સરકારની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી) અને તેમાં સોનાના ફાળા અંગે તાજું જ સમજાવ્યું હોવાથી તે ઉત્સાહથી જણાવી રહ્યો હતો કે ભારતીયોએ પીળી ધાતુંનો મોહ દૂર કરવો જોઇએ કારણ કે તેના કારણે આપણું અર્થતંત્ર ગંભીર મુશ્કેલીમાં સપડાયું છે અને ડોલર સામે રૂપિયો 60ના સ્તરે પહોંચી ગયો છે. આપણા સરેરાશ ભારતીયએ તેની વાત એટલા જ ધ્યાનથી સાંભળી, જેટલા ધ્યાનથી તેમણે નાણાંમંત્રીની સોનું નહીં ખરીદવાની અપીલ સાંભળી હતી.

ત્યાં તો બાજુના સોફા પર બેઠેલી પુત્રી તેના ટેબ્લેટ પર કંઇક વાંચવા લાગીઃ "2009ના નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અંદાજે 400 ટન સોનું વેચવાની યોજના ધરાવતી હતી અને આરબીઆઇએ 1,054 ડોલર પ્રતિ ઔંસના તે સમયના આંતરરાષ્ટ્રીય ભાવે 200 ટન સોનું ખરીદ્યું હતું, જેની કુલ કિંમત આશરે 7 અબજ ડોલર (તત્કાલિન ડોલર મૂલ્ય મુજબ લગભગ રૂ. 31,500 કરોડ) થઇ હતી. ઉલ્લેખનિય છે કે 2008-09માં ચીન, રશિયા, ફિલિપિન્સ સહિતના દેશોએ તેમના કુલ રિઝર્વમાં સોનાનું પ્રમાણ નોંધપાત્ર વધાર્યું હતું અને ચીને તેના સોનાના રિઝર્વમાં એ એક જ વર્ષમાં વજનની દ્રષ્ટિએ લગભગ 75 ટકાનો ઉમેરો કર્યો હતો. જોકે ભારતના કુલ ભંડોળમાં સોનાનો હિસ્સો 1994માં 20.86 ટકા હતો તે 2009માં ઘટીને માત્ર 3.7 ટકા હતો....જો એ વખતે એટલું બધું -આખા વર્ષમાં લગભગ 900 ટન સોનું ખરીદવાથી પણ સીએડી કાબૂ બહાર નહોતી, તો મારા લગ્ન વખતે પાંચ-છ તોલા સોનું ખરીદવાથી દેશ ડૂબી જશે?" પુત્રીના ચહેરા પર પીળી ધાતું કરતાંય વધુ તેજ આવી ગયું હતું.

સરેરાશ ભારતીય ફરી દિગ્મૂઢ થઇ ગયો. ઘડીભર તેને પોતાના હોંશિયાર સંતાનો પર ગર્વ થયો, જેઓ ટેક્નોલોજીનો સદઉપયોગ કરે છે...પરંતુ ગર્વ બે ઘડીમાં ગળી ગયો, જ્યારે તેને યાદ આવ્યું કે ત્રણ મહિના પહેલાં 10 ગ્રામનો સિક્કો ખરીદવાના બદલે પુત્રીએ આ ઇમ્પોર્ટેડ ટેબ ખરીદવાની જીદ કરી હતી. તેને વિચાર આવ્યો કે આ ટેબ ઇમ્પોર્ટ કરવાથી સીએડી વધે કે નહીં?

ત્યાં જ સરેરાશ ગૃહિણીએ તેની સદાબહાર યાદદાસ્તનો વધુ એક પુરાવો આપતા કહ્યું કે,  "હા, એ મોટી બેન્કે સોનું ખરીદ્યું પછી 20-25 દિવસમાં તો સોનાનો ભાવ 16,000થી વધીને 18,000 થઇ ગયો હતો. આપણે વિચારતા રહ્યા અને સોનાનો ભાવ વધી ગયો. પછી તો કાયમ ડરતાં-ડરતાં થોડું થોડું સોનું ખરીદ્યું છે. જો ત્યારે હિંમત કરીને એકસામટું સોનું લઇ લીધું હોત તો આજે આ મિટિંગ બોલાવવાની જરૂર ના રહી હોત."
સરેરાશ ભારતીય ફરી વિચારવા લાગ્યો કે તેના કેટલા બધા પરિચિતો રૂ. 16,000 કે 18,000 કે 20,000ના ભાવે સોનું ખરીદી લાવ્યા હતા. એ બધા એમ માનતા હતા કે ભાવ વધશે જ અને નહીં વધે તો પણ સોનું છે, અડધી રાત્રે કામ લાગશે.

પુત્રી તેના ટેબ પર કંઇક નવું શોધી લાવી હતી અને તે સંભળાવવા ખોંખારો ખાધો એટલે સરેરાશ ભારતીયએ વિના પ્રયત્ને તેને સાંભળવા કાન સરવા કર્યા.

"1991માં ભારતે જ્યારે સૌથી આકરી આર્થિક કટોકટીનો સામનો કર્યો હતો ત્યારે ડચકાં ખાતાં વિદેશી ભંડોળને ઓક્સિજન આપવાના પ્રયાસ તરીકે દેશે યુનિયન બેન્ક ઓફ સ્વિટ્ઝર્લેન્ડ અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડમાં 67 ટન સોનું ગિરવે મૂકીને 605 મિલિયન ડોલર મેળવ્યા હતા, જે માત્ર બે અઠવાડિયાની આયાતને પહોંચી વળવા જેટલું ભંડોળ હતું. જોયું ને, સરકાર પોતે તીજોરી તળિયાઝાટક દેખાય ત્યારે સોનાના સહારે દેશ ટકાવે છે અને આપણને સોનું ના મળે એટલે ઇમ્પોર્ટ ડ્યૂટી વધારે છે ને પાછી આયાત મુશ્કેલ બનાવે છે?"

તેણે આગળ ચલાવ્યું કે પપ્પા, આ ભાઇ કોલેજમાં જે બાઇક લઇને જાય છે તેને ચલાવવા જે ઇંધણ વપરાય છે એ પણ આયાત જ થાય છે અને તેનો ઉપયોગ ઘટાડવા કેમ કોઇ પગલાં લેવાતા નથી.

સરેરાશ ભારતીયના દિમાગમાં ચમકારો થયો કે વાત તો સાચી, કેમ કે પુખ્ત લોકો કામસર વાહનોનો ઉપયોગ કરે એ બરાબર પણ કિશોરો જેટલા મોટા પ્રમાણમાં ઇંધણનો ઉપયોગ કરે છે તેની આયાત તો સીધી ધૂમાડો જ બને છે, જ્યારે સોનું તો સોનું છે ને. પણ ફરી તેને લાગ્યું કે આટલા મોટા મંત્રીઓ માત્ર સોનું ખરીદવાની ના પાડે છે તો સોનામાં કંઇક તો ગરબડ હશે જ.

વચલો રસ્તો કાઢતાં તેણે કહ્યું કે અત્યારે આપણે દિકરીને ત્રણ-ચાર તોલા સોનું આપીએ અને વેવાઇને કહીશું કે દેશની સીએડી કાબૂમાં આવે અને એક વખત સરકારના મંત્રીઓ કહે કે સોનું ખરીદવામાં વાંધો નથી પછી બીજું સોનું આપીશું...

હજુ એ વાત પૂરી કરે એ પહેલાં તો સરેરાશ ગૃહિણીએ ઓલ-ટાઇમ હાઇ છણકો કર્યો કે નવું સોનું ખરીદવાની તમારી તાકાત ના હોય તો મારા બધા દાગીના ગાળીને દિકરીને આપી દઇશ...

વેવાઇનું કુટુંબ તો સંસ્કારી હતું અને કરિયાવર લેવાની જ ના પાડી હતી, પરંતુ સરેરાશ ભારતીયએ જ તેમને આગ્રહપૂર્વક કહ્યું હતું કે મારી દિકરીને સોનું આપવું તો મારી ફરજ છે...એ વાત યાદ આવતા ફરી ગૃહિણીએ કહ્યું કે તમે જ ખાતરી આપી હતી એ યાદ કરો...

યાદ આવ્યું, તેને યાદ આવ્યું. પરંતુ પુત્રનું કોલેજનું તાજું લેક્ચર હજી બાકી હતું. તેણે ટેબધારી બહેન સામે જોઇને કહ્યું કે સોનું ખરીદાયા બાદ તે ભારતના ઘરો અને લોકરોમાં સદીઓ માટે બંધ થઇ જાય છે અને ક્યારેય બહાર આવતું નથી અને તે નાણાં આપણા અર્થતંત્રમાં ઉપયોગમાં આવવાના બદલે વિદેશોમાં ઠલવાઇ જાય છે....

ગૃહિણીએ તરત જ કહ્યું કે આટલા નાણાં સાથે વધુ 10 તોલાના પૈસા વિદેશોમાં ભલે ઠલવાઇ જતા, પણ લગ્ન વખતે સીએડી અને સરકારને આગળ ધરીને સોનું ના આપીએ તો હંમેશા માટે સમાજ આપણી ઠકડી ઊડાવે એ કોલેજમાં નથી કહ્યું?

સરેરાશ ભારતીય જોઇ શક્યો કે સમાજના ડરથી કોમર્સ સ્ટુડન્ટના વિચારોને ઉગતા જ ડામી દેવામાં આવ્યા.
છેવટે તેણે ઝડપથી પહેલાં પાંચ તોલા સોનું ખરીદવાનું નક્કી કર્યુ, કારણ કે સોનાની આયાત સરકારે મુશ્કેલ બનાવી હોવાથી સોના પરનું પ્રિમિયમ તહેવારોમાં વધવાની ચેતવણી તેના સોનીએ આપી હતી. સોનીએ તેને બાંહેધરી આપી કે રામાયણ કાળથી આ દેશમાં સોનાના મૃગ કે સોનાની વિંટીઓનો મોહ છે અને આ દેશ વિશ્વમાં સૌથી જૂનો છે, ભલભલી મુશ્કેલીઓ સામે ટક્યો છે અને સીએડી સામે પણ ટકશે...

Tuesday, August 4, 2009

સાયગલના ગીતનો રૂપિયો, પંકજ મલિકના ગીતના બાર આના અને અશોક કુમારના ગીતના 25 પૈસા...



પરાગ દવે
દરરોજ સ્કુલે જતાં-આવતાં રસ્તામાં આવતી લાંબી દિવાલની બીજી તરફ શું હશે તે જાણવાની ઉત્કંઠા સતત વધતી જતી હતી અને વળી ઘરેથી માએ પણ એ દિવાલ કદી નહીં કૂદવાની કડક સૂચના આપી હતી. છેવટે એક દિવસ તે એ દિવાલ કૂદીને અંદર ઉતર્યો. તે ખ્રિસ્તીઓનું કબ્રસ્તાન હતું. બાળક જિજ્ઞાસાથી એક પછી એક કબર જોતાં જોતાં આગળ વધતો ગયો અને અચાનક એક કબર પર તેની નજર અટકી રહી. એ કબર કોઇ ખ્રિસ્તી પાદરીની કબર હતી જેના પર લખ્યું હતું :'જન્મ 13 ઓક્ટોબર 1887, મૃત્યુ 4 ઓગસ્ટ 1929'. લગભગ કલાક સુધી તે ત્યાં બેસી રહ્યો. બાળ આભાસકુમારના મનમાં એક બાબત દ્રઢ થઇ ગઇ કે મારો જન્મ 4 ઓગસ્ટ 1929ના રોજ થયો છે તો હું આ ફાધરનો જ પુનઃજન્મ છું. આજીવન તે આમ જ માનતો રહ્યો અને સમયનું એક પૂરું ચક્ર ફરી ગયું. 13 ઓક્ટોબર, 1987ના દિવસે શું થશે તેનો તેને ખ્યાલ નહોતો, પણ એ જ દિવસે તેનું અચાનક અવસાન થયું. આ આભાસકુમાર ગાંગુલી એ જ કિશોરકુમાર.
ખેર, આજે આપણે ભારતીય સિનેમાના ઇતિહાસના એકમાત્ર 'સંપૂર્ણ કલાકાર' (માત્ર ગાયક નહીં, પણ અદાકારી, સંગીત, દિગ્દર્શન, નિર્માણ, સ્ટોરીમાં તેમનું પ્રદાન અમૂલ્ય છે) કિશોર કુમારની જન્મજ્યંતિ ઉજવી રહ્યા છીએ. એફએમ ચેનલો દિવસભર એમના ગીતો આપણને સંભળાવી રહી છે ત્યારે આપણે એમના સદાબહાર ગીતોની વાતો નથી કરવી પણ એમની સદાબહાર અને રોચક જિંદગીની વાત કરવી છે. બાય ધ વે, જિંદગી વિશે કદાચ સૌથી વધુ ગીતો પણ તેમણે જ આપ્યાં છે ને.
1948માં ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં દેવ આનંદ માટે ફિલ્મ જિદ્દીમાં સૌપ્રથમ ગીત (મરને કી દુવાએં ક્યું માંગુ, જીને કી તમન્ના કૌન કરે...) કોપી સાયગલની જેમ ગાઇને કિશોરકુમારે કારકિર્દીની શરૂઆત કરી અને માત્ર ને માત્ર પાર્શ્વગાયનમાં આગળ વધવાનું ધ્યેય હોવા છતાં તેમણે ટકી રહેવા માટે એક્ટિંગ કરવી પડી. યાદ રહે કે એ યુગ ફિલ્મ ઇતિહાસનો એક સંધિકાળ હતો, જ્યારે સાયગલનું અવસાન થયું હતું અને હીરો પોતે જ ગીત ગાય તેના બદલે અન્ય ગાયક હીરોને પોતાનો અવાજ આપે એ ટ્રેન્ડ શરૂ થઇ રહ્યો હતો. જોકે કિશોરકુમાર સામે પર્વત જેવા પડકારો હતા. રફી, મન્ના ડે, હેમંતકુમાર, તલત મહેમૂદ અને મુકેશ જેવા શાસ્ત્રીય સંગીતની અધિકૃત તાલિમ પામેલા સક્ષમ ગાયકો હિન્દી સિનેમા પાસે આવી ચૂક્યા હતા ત્યારે કિશોર જેવા સંગતની કોઇપણ પ્રકારની પ્રાથમિક તાલિમ પણ ના ધરાવતા ગાયક માટે પોતાની અલગ જગ્યા ઊભી કરવી અત્યંત મુશ્કેલ હતી ('મહાન' નૌશાદ તો કિશોરકુમારને ગાયક ગણતા જ નહોતા...).
દાદામોની અશોકકુમારે તેમને એક્ટિંગ કરવાની સલાહ આપી અને પરિણામ એ આવ્યું કે કિશોરકુમારને પોતાના માટે અને દેવ આનંદ માટે ગાવાની તક મળતી રહી. 'તક' શબ્દનો અહીં એટલા માટે ઉપયોગ કર્યો કે બિમલ રોયની ફિલ્મ 'નૌકરી' (1954)માં કિશોરકુમાર હીરો હતા અને તેનું અત્યંત સૂરીલું ગીત 'છોટા સા ઘર હોગા...' સંગીતકાર સલિલ ચૌધરી હેમંતકુમાર પાસે ગવડાવવા માંગતા હતા. કિશોરદાએ પોતાને આ ગીત આપવા માટે વારંવાર વિનંતી કરી પરંતુ સલીલદા બિલકુલ તૈયાર નહોતા. છેવટે કિશોરકુમારે હઠ કરી કે એક વખત મને સાંભળો અને ત્યારબાદ સલિલ ચૌધરીએ તેમને આ ગીત આપ્યું, જે સુપરહીટ થયું. જોકે સલિલ ચૌધરી કિશોરકુમારને ગાયક તો માનતા જ નહોતા. 1972માં આવેલી ફિલ્મ 'મેરે અપને'ના અમર ગીત 'કોઇ હોતા જિસકો અપના' સાંભળ્યા બાદ જ સલિલ ચૌધરીએ કિશોરદાને મહાન ગાયક માન્યાં. એ દરમિયાન વચ્ચે 18 વર્ષનો ગાળો પસાર થઇ ચૂક્યો હતો...
1955 બાદ પોતાની અફલાતુન કોમેડી અને યોડલિંગ સાથેના મસ્તીભર્યા ગીતોના કારણે કિશોરકુમાર બોલિવુડના સૌથી હોટ સ્ટાર બની ચૂક્યા હતા અને 1955-60 દરમિયાન ફિલ્મી મેગેઝિનોના કવર પર દેવ-દિલીપ-રાજ કરતાં આ બંગાળીબાબુના વધુ ફોટા છપાતાં હતા. ગ્રેટ. 1957ના ફિલ્મફેર મેગેઝિનમાં કિશોરકુમારે પોતાની યાદદાસ્તના સહારે એક ડાયરી સ્વરૂપે થોડું લખ્યું હતું, જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કિશોરકુમાર કરતાં અશોકકુમાર લગભગ 17 વર્ષ મોટા હતા અને બાળક કિશોર તો તેમને ભાઇ માનતા જ નહોતા. તેઓ તો એવું માનતા કે અનુપકુમાર જ તેમના ભાઇ છે.
અશોકકુમાર ફિલ્મ જીવનનૈયા બાદ મોટા સ્ટાર બની ગયા હતા અને ખંડવામાં બાળ કિશોર અત્યંત કડક એવા પિતા કુંજલાલથી છૂપાઇને પોતાના ગળાને તૈયાર કરી રહ્યા હતા (વકિલ પિતાએ ખરીદેલી ફોર્ડ કારને જ તેમણે 1958ની પોતાની સુપર-ડુપર હીટ ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં ચલાવી હતી.). કે એલ સાયગલ કિશોરકુમારના એકમાત્ર ગુરુ અને આજીવન તેઓ સાયગલને પોતાનાથી અત્યંત મહાન માનતા રહ્યા. એ જમાનામાં સાયગલ ઉપરાંત પંકજ મલિક અને સુરેન્દ્ર પણ લોકપ્રિય ગાયકો હતા અને અશોકકુમાર પણ એ સમયના નિયમ મુજબ ગીત ગાતા હતા. સ્ટાર ગાયક બન્યાં બાદ પ્રોફેશનાલિઝમને વળગી રહેનારા કિશોરદા નાનપણથી પ્રોફેશનલ જ હતા. ઘરમાં જ્યારે જ્યારે કોઇ સાયગલના ગીતની ફરમાઇશ કરે તો તેણે બાળ કિશોરને રૂ.1 આપવો પડતો. એ જ રીતે પંકજ મલિકના ગીત બાર આના અને સુરેન્દ્રના ગીત આઠ આનામાં તેઓ ગાઇ આપતાં. જોકે અશોકકુમારના ગીત સંભળાવવાનો તેઓ માત્ર 25 પૈસા ચાર્જ લેતા.
કિશોરકુમાર ખરા અર્થમાં પ્રોફેશનલ હોવાના કારણે તેમની છાપ કંજૂસ તરીકેની ઊભી થઇ હતી અને કિશોરે પણ ક્યારેય ઓલિયા બનવાના સભાન પ્રયત્ન કર્યા નહોતા. પોતાની સંગીતની ટેલેન્ટને બહુ શરૂમાં ઓળખી લેનારા અત્યંત ઓછા જાણીતા કલાકાર અરુણકુમાર મુખર્જીના અવસાન બાદ કિશોરકુમારે તેમની વિધવાને દર મહિને આજીવન ઘરખર્ચી મોકલી હતી. 'ચલતી કા નામ ગાડી' જેવી ગોલ્ડન જ્યુબિલી ઊજવનારી ફિલ્મની તમામ આવક તેમણે સંઘર્ષ કરી રહેલા પોતાના ભાઇ અનુપકુમારને આપી દીધી હતી. 'પથેરપાંચાલી' બનાવનારા સત્યજિત રેને પણ તેમણે આર્થિક મદદ કરી હતી.
કિશોરકુમાર ફિલ્મી પર્દે તો હીરો તરીકે 90થી વધુ ફિલ્મોમાં આવ્યા અને તેમાં અનેક ગોલ્ડન જ્યુબિલી ફિલ્મો હતી, પરંતુ રિયલ લાઇફમાં પણ તેઓ હીરો હતા. કટોકટીકાળમાં દેશમાં જેમની ધાક વાગતી હતી એ સંજય ગાંધીએ કિશોરકુમારને મુંબઇમાં કોંગ્રેસના એક કાર્યક્રમમાં ગાવા માટે જણાવ્યું હતું, પરંતુ કિશોરકુમારે ઇનકાર કરી દીધો. પરિણામે ઓલઇન્ડિયા રેડિયો પર કિશોરકુમારના ગીતો વગાડવા પર પ્રતિબંધ આવી ગયો, પણ અહીં પરવા કોને હતી? છેવટે ફિલ્મ જગતના અગ્રણીઓએ મામલો થાળે પડાવ્યો હતો.
To Be Continued...

Saturday, May 9, 2009

સ્પાઇન ફ્લુ, શાઇન ફ્લુ, લાઇન ફ્લુ અને એવું બધું...

પરાગ દવે
સાવ સાચું કહો, તમે ક્યારેય 'સ્વાઇન ફ્લુ' જેવા કોઇ રોગનું નામ સાંભળ્યું હતું? અરે મને ખબર જ છે કે નહોતું સાંભળ્યું (નકારમાં ડોક હલાવવાની ક્યાં જરૂર હતી? ). શેરીઓમાં રખડતા ભૂંડ દુનિયાના અર્થતંત્રને બાનમાં લેશે એવો ખ્યાલ તો ભલભલા આર્થિક નિષ્ણાતોને પણ નહોતો, નહીંતર એમણે મંદીને લગતા રિપોર્ટસમાં એનો ઉલ્લેખ કર્યો જ હોત. જોકે મને કેટલાક સંભવિત ફ્લુનો ભય દેખાઇ રહ્યો છે તેથી તમને એના વિશે સજાગ કરવાના આશયથી આ લેખ લખી રહ્યો છું. જરા વાંચો કેવા કેવા ફ્લુ માનવજાતિ પર ત્રાટકી ચૂક્યા છે, પણ આપણને ખબર જ નથી!

સ્પાઇન ફ્લુઃ દુનિયાના કોઇ તબીબી પુસ્તકમાં તેનો ઉલ્લેખ જોવા નહીં મળે, પણ આ બહુ ગંભીર પ્રકારનો ફ્લુ છે. આ રોગના સામાન્ય ચિહ્નો સરળતાથી જોઇ શકાય છે. સ્પાઇન ફ્લુની શરૂઆત સ્વાભાવિક રીતે જ સ્પાઇન એટલે કે કરોડરજ્જુથી થાય છે. જેને આ રોગ થયો હોય તેને તાવ આવે છે પણ આ તાવ માત્ર સ્પાઇનમાં જ આવે છે. દુઃખાવો પણ માત્ર ત્યાં જ થાય છે. આખું શરીર સામાન્ય તાપમાન દર્શાવતું હોય છે, પણ કરોડરજ્જુ ભડકે બળતી હોય છે. આ પ્રકારના તાવમાં દર્દી સૌથી વધુ મુશ્કેલી તાવ માપવામાં અનુભવે છે. થર્મોમીટર દ્વારા કરોડરજ્જુનો તાવ કેવી રીતે માપવો એ જ કોઇ સમજી શકતું નથી. કેટલીક વખત જો વાઇરસનો હુમલો તીવ્ર હોય તો દર્દી 'સ્પાઇનલેસ' થઇ જાય તેવો પણ ભય રહે છે. જોકે આપણા સમાજમાં મોટાભાગે આ પ્રકારની ખામી સ્વીકાર્ય છે. આ રોગ બીજા કોઇપણ પ્રકારનું નુકસાન કર્યા વગર અને દવા કર્યા વગર મટી જાય છે આથી ડોક્ટરો આ રોગને બહુ પસંદ કરતા નથી.

શાઇન ફ્લુઃ ભારતમાં આ રોગ અગાઉ એક વખત જોવા મળી ચૂક્યો છે. સ્વ. પ્રમોદ મહાજન આ રોગના સૌપ્રથમ દર્દી તરીકે પ્રખ્યાત થયા હતા. આ રોગ થોડો વિચિત્ર છે. હકીકતમાં તેના કોઇ લક્ષણો જોવા મળતા નથી, પણ દર્દીના દિમાગમાં સતત શાઇન-શાઇન થતું રહે છે અને તેને આંખે માત્ર ચમકારા જ દેખાતા રહે છે. માત્ર પોતાનું ઘર કે સોસાયટી કે શહેર કે સૂર્ય-ચંદ્ર જ નહીં, તેમને સમગ્ર ઇન્ડિયા શાઇનિંગ લાગે છે. સ્વ. મહાજનના પગલે અટલજી અને અડવાણીજીને પણ આ વાઇરસ લાગુ પડ્યો હતો અને આ રોગની અસર એટલી તીવ્ર હતી કે પાંચ વર્ષના બદલે ચાર વર્ષમાં તેમણે લોકસભાની ચૂંટણી લડવાનું સાહસ કરી નાંખ્યું હતું. 'જય હો' પણ આ જ રોગનો પેટા પ્રકાર છે. આમ જનતામાં જો આ રોગ ફેલાય તો ચોક્કસપણે ગંભીર પરિણામો આવવાનો ભય છે.

વાઇન ફ્લુઃ આ એક હઠીલો રોગ છે. વિશ્વભરમાં તે સદીઓથી જોવા મળે છે. વિપુલ પ્રમાણમાં વાઇનનું સેવન કરતા લોકોને જ આ રોગ થાય છે. હેંગઓવર ઉતર્યા પહેલાં તેમના શરીરનું તાપમાન વધેલું રહે છે અને ક્યારેક તેની અસર દિમાગ સુધી પણ પહોંચે છે. આ રોગની અસર હેઠળ વ્યક્તિ પોતાને વિશ્વસમ્રાટ માનવા લાગે છે અને ગુજરાતીમાં તેમને માટે 'તે રાજાપાઠમાં છે' એવું કહેવામાં આવે છે. આ રોગની અસર હેઠળ કેવા પરિણામો આવી શકે છે તે જાણવું હોય તો આઇપીએલ 20-20 માટે વિજય માલ્યાએ બનાવેલી 'ટેસ્ટ ટીમ' જોઇ લેવી.

ડિવાઇન ફ્લુઃ આ રોગ વાઇન ફ્લુનો કટ્ટર વિરોધી છે. આ ફ્લુ એવો જોરદાર છે કે મોટાભાગે કોઇ તેની અસરમાંથી બચી શકતું નથી. દર્દી બધા કામ પડતાં મૂકીને કલ્યાણ-કલ્યાણ એવું બબડ્યા કરે છે અને ઠેક-ઠેકાણે આશ્રમોમાં ફરતો રહે છે. ઘડીકમાં તે ટીલાં-ટપકાં કરવા માંડે છે અને પછી ધીમે-ધીમે સગાં-વ્હાલા અને મિત્રોને ઉપદેશો પણ આપવાનું શરૂ કરે છે. આ રોગની એક ખાસ વિશેષતા એ છે કે દર્દીને પોતાની જાત સદગુણોની સરવાણી અને સામેનો માણસ દુર્ગુણોના પોટલા જેવો જ દેખાય છે. વળી, આ રોગ એક જ હોવા છતાં અલગ-અલગ સંપ્રદાય પ્રમાણે તેની અસર ઓછી-વધુ થતી રહે છે. ખાસ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે એક સંપ્રદાયનો દર્દી બીજા સંપ્રદાય તરફ કદી જોતો નથી. ચોંકાવનારી માહિતી મળી રહી છે કે ગુજરાત અને ભારતની અડધો-અડધ વસ્તીને આ રોગ લાગુ પડી ચૂક્યો છે.

લાઇન ફ્લુઃ આ રોગ લગભગ સર્વત્ર જોવા મળે છે. રેશનિંગની દુકાનથી લઇને મલ્ટિપ્લેક્સની ટિકીટ બારી સુધી આ રોગ જોવા મળે છે. આ રોગમાં દર્દીઓ ગમે ત્યાં લાઇન બનાવવા લાગે છે. દર્દીના દિમાગમાં આ રોગ એવો ઘર કરી જાય છે કે કેટલીક વખત લાઇન ના હોય તો તેને એમ લાગે છે કે જરૂર કાઉન્ટર બંધ થઇ ગયું હશે. રેલ્વે સ્ટેશનો પર તો કેટલીક વખત ટિકીટવાંચ્છુઓની લાઇન ટ્રેન કરતાં પણ લાંબી થઇ ગઇ હોવાના દાખલા છે. ઇતિહાસ ગવાહ છે કે અનેક લડાઇઓ લાઇન તોડવાના કારણે થઇ છે. આપણે ત્યાં લાઇનનું સ્થાન અદકેરું છે. જોકે હવે ટેલિ બુકિંગ અને હોમ ડિલિવરી જેવી સુવિધાઓના કારણે આ ફ્લુનું જોર નબળું પડતું જાય છે.

સાઇન ફ્લુઃ આ ફ્લુ બહુ ખતરનાક છે. જેને આ રોગ લાગુ પડે તે સાઇન (સહી) કર્યા કરતો હોય છે. હાથમાં પેન-કાગળ ના હોય તો હવામાં આંગળીઓ ઘૂમાવીને સહીઓ કરતો રહે છે. કરુણતા એ હોય છે કે આ દર્દીને ચેક તો જવા દો, ઘરે આવેલા કુરિયર માટે પણ સાઇન કરવાને યોગ્ય માનવામાં આવતો નથી. જે સેલિબ્રિટીઝના ઓટોગ્રાફ માટે ઉપર ઉલ્લેખ કરેલો 'લાઇન ફ્લુ' ફેલાતો હોય તેમને સેલિબ્રિટી સ્ટેટસ ગુમાવ્યા બાદ સાઇન-ફ્લુ થવાની શક્યતા છે. રાજેશ ખન્નાને આ ફ્લુ લાંબા સમયથી લાગુ પડ્યો છે.

ફાઇન ફ્લુઃ આ ફ્લુમાં વળી બે પ્રકાર હોય છે. એક પ્રકારમાં દર્દીને હંમેશા દંડ જ થતો રહે છે. સ્કુલમાં યુનિફોર્મ માટે, કે પછી મોબાઇલ બિલ મોડું ભરવા બદલ કે પછી ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવા બદલ આ પ્રકારના દર્દીઓ સતત ફાઇન એટલે કે દંડ ભરતાં જ રહે છે, અવિરતપણે.
જોકે બીજા પ્રકારનો ફાઇન ફ્લુ બહુ સરસ છે. જગતમાં આ એક જ ફ્લુ એવો છે, જેને તબીબો પણ સારો માને છે. આ ફ્લુ જેને થયો હોય તે દર્દીઓ 24 કલાક ખુશીઓથી ઘેરાયેલા રહે છે. ટેન્શન કે સ્ટ્રેસ જેવા દુષણો આ ફ્લુના દર્દીઓને સ્પર્શતા નથી. ગમે ત્યારે તમે એમને પૂછો કે કેમ છો, તો તેમનો જવાબ હંમેશા 'ફાઇન' જ હોય છે. આપણને બધાને આ બીજા પ્રકારનો સારો ફાઇન ફ્લુ થાય એવી અપેક્ષા રાખું છું.

Sunday, May 3, 2009

એક વર્ષમાં લઘુ નવલ લખવાની ઇચ્છા છેઃ જય વસાવડા





પરાગ દવે

સૌરાષ્ટ્રના હ્રદય રાજકોટથી ગોંડલની દિશામાં અમારી કાર દોડતી હતી અને મારા દિમાગમાં વિચારોનું ઘોડાપુર હતું. 1970 બાદ હિન્દી સિનેમામાં વિજય નામનું એક પાત્ર દાખલ થયું, અને પોતાની એન્ગ્રી યંગ મેનની ઇમેજ વડે લોકોના દિલો-દિમાગ પર દાયકાઓ સુધી છવાયેલું રહ્યું. સિસ્ટમ સામેનો તેનો રોષ લોકોને પોતાનો અવાજ લાગવા માંડ્યો અને અનેક યુવાનો માટે 'વિજય'ના રૂપમાં અમિતાભ બચ્ચન રોલ-મોડેલ બની ગયા. 1996માં ગુજરાતી કોલમ જગતમાં એક 'જય'નો પ્રવેશ થયો અને આજે બાર વર્ષના ગાળા બાદ લાખો ગુજરાતી યુવાનોને તેમની કોલમ પોતાના વિચારોના પ્રતિબિંબ સમાન લાગે છે. વેલેન્ટાઇન-ડે કે ફ્રેન્ડશીપ-ડે વિશે કોઇ ગુજરાતી કોલમિસ્ટ લખે તે વાત જ જ્યારે સ્વપ્નવત લાગતી હતી ત્યારે જય વસાવડાએ આ વિષયોને સ્પર્શ કર્યો અને બદલાઇ રહેલી પેઢીએ પોતાનો પસંદગીનો લેખક જય વસાવડાના રૂપમાં મેળવી લીધો.
જાણીતા કાર્ટુનિસ્ટ મિત્ર અશોક અદેપાલ પણ સાથે હતા અને રાત્રે 8 વાગ્યે રાજકોટમાં વાત વાતમાં તેમણે જ ગોંડલ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે ગોંડલના માર્ગે ચઢી ગયા. રસ્તામાં અદેપાલે ફોન કરીને જય વસાવડાને કહ્યું કે એક પત્રકાર મિત્ર સાથે મળવા આવી રહ્યા છીએ. જોકે જયબાબુ ઘરથી દૂર હતા પરંતુ આશ્ચર્ય વચ્ચે તેમણે વિના સંકોચે 10:30 વાગ્યે ઘરે આવવાનું કહ્યું. મારા મનમાં જય વસાવડાનો ઇન્ટરવ્યૂ કરવાનો વિચાર આવ્યો.
અમે જ્યારે તેમના ઘરે પહોંચ્યાં ત્યારે હજુ જયબાબુ આવ્યા નહોતા પરંતુ અમે ઘરે આવવાના છીએ એ વાત તેમણે તેમના પિતાને જણાવી દીધી હતી. જય વસાવડાના નિવૃત્ત પ્રોફેસર પિતા લલિતભાઇ વસાવડા 73 વર્ષિય બુઝુર્ગ છે. ઘરમાં અમે દાખલ થયા તો માત્ર ચાલી શકાય તેટલી જ ખાલી જગ્યા હતી, બાકીનું આખું ઘર પુસ્તકો-મેગેઝિનો અને ડીવીડીથી ખીચોખીચ. પ્રો. વસાવડાએ અમારી સામે જોઇને પ્રેમથી કહ્યું, ''અમારા ઘરે ચોર ચોરી કરવા આવે તો વાંચવા બેસી જાય, અથવા થોડા દિવસો બાદ પુસ્તકનો બીજો ભાગ માગવા આવે...'' અમારી સાથે લગભગ 20 મિનિટ સુધી તે સાહિત્યની રસાળ ચર્ચા કરતા રહ્યા.
જય વસાવડા આવ્યા ત્યારે ખબર પડી કે તે તેમના નિત્યક્રમ મુજબ ચાલવા માટે ગયા હતા. ગોંડલના જ બીજા બે મિત્રો પણ તેમની પાછળ જ આવ્યા અને પરિચય બાદ શરૂ થઇ રાજકારણની ચર્ચા. છેવટે લગભગ 1 વાગ્યે જય વસાવડાનો ઇન્ટરવ્યૂ શરૂ થયો. જય વસાવડા લેખમાં જેટલા નિખાલસ હોય છે તેના કરતાં વધુ નિખાલસ રૂબરુ વાતચીતમાં છે. સાનિયા મિર્ઝાની મારકણી અદા સાથેના પોસ્ટર ઉપરાંત સ્ત્રી-પુરુષ કિસ કરી રહ્યા હોય તેનું પોસ્ટર અને બાકી પુસ્તકો-સીડી-ડીવીડીથી છલોછલ રૂમમાં ઇન્ટરવ્યૂ ચાલુ થયો.
પ્રશ્નઃ કોલમિસ્ટ જય વસાવડાના ઘડતરની શરૂઆત...
જયઃ હું ધોરણ 1-7 સુધી ઘરે જ ભણ્યો છું. મારા મમ્મીએ મારા અભ્યાસમાં અમૂલ્ય ફાળો આપ્યો છે. નાનપણથી જ ઘરમાં પુસ્તકો-મેગેઝિનો આવતા રહ્યા છે. વાંચન ગમતું ગયું, રસ પડતો ગયો અને પરિણામ સામે જ છે.
પ્રશ્નઃ 'સ્પેક્ટ્રોમીટર'ની શરૂઆત કઇ રીતે થઇ?
જયઃ હું એક વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યો હતો અને તેની પ્રેસનોટ આપવા માટે રાજકોટ ગુજરાત સમાચારમાં ગયો હતો. ત્યાં તંત્રી સૂર્યકાન્તભાઇ મહેતાએ મને કહ્યું કે તમારા પિતા ગુજરાતીના પ્રોફેસર છે તો નંબર આવે એમાં કઇ મોટી વાત છે? મેં તેમને કહ્યું કે આ બધું હું મારી જાતે લખું છું. ત્યારબાદ તેમણે મને જવાહરલાલ નહેરુ વિશે લેખ લખવા કહ્યું અને મેં ત્યાં જ તેમને લેખ લખીને આપી દીધો. ત્યારબાદ ધીમે-ધીમે ગુ.સ. સાથેનો સંપર્ક વધતો ગયો અને મેં વિજળી સંકટ વખતે રાજકોટમાં આઠ હપ્તાની શ્રેણી લખી ત્યારે નિર્મમભાઇ શાહે મને અમદાવાદ મળવા માટે બોલાવ્યો અને ગુ.સ.માં જોડાઇ જવા કહ્યું. જોકે મારો અભ્યાસ ચાલુ હોવાથી મેં ના પાડી તો તેમણે મને કોલમ લખવાનું આમંત્રણ આપ્યું. પહેલાં તો હું ચિંતામાં પડ્યો કે અમુક લેખો પછી વિષયો ખૂટી જશે તો? જોકે નિર્મમભાઇએ કહ્યું કે તમે લખવાનું ચાલુ તો કરો, વિષયો ખૂટી જાય તો બંધ કરી દેજો. 24 ઓગસ્ટ, 1996ના રોજ 'ગુજરાતની અસ્મિતાઃ સ્મિત વિલાઇ રહ્યું છે' શિર્ષક સાથે પ્રથમ લેખ લખ્યો અને હજુ વિષયો ખૂટ્યા નથી અને આજ સુધીમાં મેં લગભગ 1,200 જેટલા લેખ લખ્યા છે. 2002માં મમ્મીના અવસાન વખતે બે રવિવાર લખ્યું નહોતું તે સિવાય ક્યારેય ડેડલાઇન પણ ચૂક્યો નથી.
પ્રશ્નઃ તમે કહો છો કે વિષયો ખૂટ્યા નથી, પણ તમારા કેટલાક વાચકોને લાગે છે કે તમે વારંવાર ફિલ્મો વિશે લખતા જ રહો છો. શું તમારા લેખોમાં ફિલ્મોનો ઓવરડોઝ નથી થતો?
જયઃ (ઊભા થઇને એક પ્લાસ્ટિક-બેગમાંથી થોડા કાગળો કાઢે છે) આ મારા છેલ્લાં 20 લેખોનું લિસ્ટ છે, જે સ્પેક્ટ્રોમીટર, અનાવૃત્ત અને અભિયાનમાં લખ્યાં છે. આ લિસ્ટમાં 4-5 લેખો ફિલ્મોના છે. હું ફિલ્મો વિશે વધુ લખું છું એવું નથી પણ લોકોને સિનેમાના લેખો વધુ ગમે છે એટલે એ યાદ રહી જાય છે.
પ્રશ્નઃ પણ તમે મોટાભાગે ફ્લોપ ફિલ્મો વિશે જ લખો છો અથવા તમે લખો છો એ ફિલ્મ ફ્લોપ થઇ જાય છે...
જવાબઃ (હસતાં હસતાં) મારી પાસે લગભગ 5,000 ફિલ્મોનું પર્સનલ કલેક્શન છે અને હું મને જે ફિલ્મ ગમે છે એને સમાજ સાથે જોડીને લખું છું.
પ્રશ્નઃ ગુજરાતી કોલમીસ્ટ તરીકે બક્ષીનું સ્થાન હજુ કોઇ લઇ શક્યું નથી અને બક્ષીએ જ તમને નવી પેઢીના સૌથી તેજ-તર્રાર કોલમિસ્ટ ગણાવ્યા હતા. તમારા લેખો બહુ મોટા પ્રમાણમાં વંચાય છે, પણ તેમાં માહિતી કેમ હંમેશા ઓછી અને અંગત વિચારો હંમેશા વધુ હોય છે?
જયઃ હાલમાં ઇન્ટરનેટના કારણે માહિતી લોકોની ફિંગરટીપ પર ઉપલબ્ધ છે. માહિતીની સાથે તમે ઇમોશનલ પંચ ઉમેરો એ બહુ જરૂરી છે. બક્ષી જગતભરના અખબારો મંગાવતા હતા અને તેના આધારે કોલમ લખતા હતા. હવે લોકોને માહિતીનો અચંબો નથી, માત્ર માહિતીપ્રદ લખાણ હવે ફિક્કુ લાગે છે.
પ્રશ્નઃ તમે લેખ કઇ રીતે લખો છો? લેખ લખવા માટે કોઇ ખાસ વાતાવરણની જરૂર પડે છે?
જયઃ બિલકુલ નહીં, હું ગમે ત્યાં લેખ લખી શકું છું. એક વખત સબ્જેક્ટ નક્કી કર્યા બાદ લખવા માટે કોઇ ખાસ લક્ઝરીની જરૂર પડતી નથી. મારો છેલ્લો લેખ મેં રાજકોટમાં એક સ્ટ્રીટ લાઇટ નીચે પૂરો કર્યો હતો, કારણ કે મારી સાથે આવેલો મિત્ર તેના કોઇ કામસર બીજી જગ્યાએ ગયો હતો. આનો લાભ એ થાય છે કે લેખ હંમેશા સમયસર લખી શકાય છે.
પ્રશ્નઃ અત્યારે આપણે રાજકારણની જે ચર્ચા કરી તેના પરથી કહી શકાય કે તમે રાજકારણ વિશે રોચક ચર્ચા કરો છો. પણ રાજકારણ વિશે લેખો કેમ બહુ ઓછા લખો છો?
જયઃ પહેલાં લખતો હતો, પણ પછી લાગ્યું કે લોકોને રાજકારણ ગમતું નથી. તેમ છતાં અમુક વખત મારા આનંદ માટે રાજકારણ પર લખું છું, પણ જો એ જ ચાલુ રાખું તો છ મહિનામાં મારી કોલમ બંધ થઇ જાય. (ખડખડાટ હસે છે)
પ્રશ્નઃ તમે યુવાનોના પ્રિય લેખક છો અને મહત્તમ લેખો યુવાનોને ધ્યાનમાં રાખીને જ લખો છો. આ સ્વાભાવિક છે કે સભાનપણે?
જયઃ આ એકદમ સ્વાભાવિક છે, કોઇ એજન્ડા વગર લખાય છે. મને યુવાનો માટે લખવું ગમે છે. હું જ્યારે વાંચતો ત્યારે ડુઝ એન્ડ ડોન્ટ્સ વાંચતો અને તેનાથી કંટાળી જતો. જીવનમાં અમુક વસ્તુ આનંદ માટે હોય, બધું જ માત્ર મોટિવેશન માટે ના હોય, દરેક બાબતમાં હેતુ ના હોય. મેં વેલેન્ટાઇન-ડેના લેખમાં મેઘાણીની વાર્તા લખી હતી. જો યુથ માટે જાણી-જોઇને લખવું હોય તો મેઘાણીની તળપદી ભાષાની વાર્તા શા માટે પસંદ કરું? મારી મોટાભાગની ચોઇસ યુથ સાથે મેળ ખાય છે, પણ માત્ર યુવાનોને જ ગમે એ માટે લખ્યું હોય એવું નથી. યુવાનો સેકન્ડરી છે, આપણને ગમે એ પ્રથમ છે. કેટ વિન્સલેટ મને ગમે છે એટલે મેં લખ્યું છે, યુવાનોને તે ગમે છે એટલે નહીં.
પ્રશ્નઃ સેક્સ પણ તમારો ફેવરિટ સબ્જેક્ટ રહ્યો છે...
જયઃ હું જે કાંઇ લખું છું તે આપણી સંસ્કૃતિના આધારે જ લખું છું. વાલ્મિકી રામાયણમાં પણ રામ-સીતાની વાત છે. બધું જ અહીં જ છે, હું માત્ર ટોર્ચ લઇને પહોંચી જાઉં છું. ભારતીય સંસકૃતિમાં સેક્સ વિના કાંઇપણ પૂર્ણ થતું નથી, કૃતિ, મંદીર કાંઇ નહીં. પ્રાચિન ભારતીય સંસ્કૃતિની સ્થાપના કરવી હશે તો આ હકીકતોને ધ્યાનમાં લીધા વગર નહીં ચાલે. વિરોધ કરનારાઓ પ્રાચીન ભારતીય સંસ્કૃતિના નામે જે ચલાવે છે તે ઇસ્લામિક છે તાલિબાનો સમાન છે. મુસ્લિમો અને અંગ્રેજોએ જે ચલાવ્યું તે હાલમાં તમે ચલાવી રહ્યા છો.
પ્રશ્નઃ પણ તમે કઇ હદ સુધી છૂટછાટની તરફદારી ચાલુ રાખશો? અક્ષય-ટ્વિન્કલે જાહેરમાં જે હરકત કરી તેનો પણ તમે બચાવ કર્યો...
જયઃ અક્ષય-ટ્વિન્કલના ઇશ્યૂમાં હકીકતે તો એક મોડેલ અક્ષયના જિન્સનું બટન ખોલવાની હતી, પણ તેના બદલે અક્ષયે પત્ની ટ્વિન્કલ પાસે એ બટન ખોલાવ્યું હતું. બીજું, કે એ ઘટના સમાજમાં બની નહોતી, એક પ્રાઇવેટ પ્રોગ્રામ હતો. એ ઘટનાને મિડિયા સમાજમાં લાવ્યું. માણસનું સ્વરૂપ અલગ-અલગ સમયે અલગ-અલગ હોય છે. કોઇ વ્યક્તિ ઘરમાં ફોન પર ગુસ્સે થશે તો ગાળ નહીં બોલે પણ શેરીમાં આવશે પછી? હું માનું છું કે આપણો સમાજ જો ગુટખાને સ્વીકારી શકે છે તો આટલી છૂટછાટ શા માટે સ્વીકારી શકતો નથી? આપણે સંયમ અને સભ્યતાની વાતો કરીએ છીએ પણ ફિલ્મમાં જો હીરો-હીરોઇન નજીક આવે તો પણ કેટલાય લોકો સીસકારા બોલાવવા લાગે છે. આ દંભ સામે મારો વિરોધ છે.
પ્રશ્નઃ હજુ કોઇ વિષયો પર લખી ના શકાયું હોય એવું લાગે છે?
જયઃ હા, હજુ મારે ઘણા વિષયો પર લખવું છે. ખાસ કરીને બાયોગ્રાફી. આર્ટિસ્ટ્સ, લેખકો અને વૈજ્ઞાનિકોના જીવન પર હું લખવા માગું છું, પણ આ બધું અભ્યાસ વગર લખવું શક્ય નથી અને સમયનો અભાવ અભ્યાસની તક પૂરી પાડતો નથી.
પ્રશ્નઃ હાલમાં તમે કઇ રીતે સમયનો ઉપયોગ કરો છો?
જયઃ દર અઠવાડિયે હું ત્રણ-ચાર પ્રવચનો આપું છું. એની તૈયારીમાં ઘણો સમય જાય છે, તે સિવાય મિત્રો સાથે ગપ્પાં-બાજી, ચાલવા જવાનું, ક્રિયેટિવ કોન્ટ્રાક્ટ્સ, સ્ક્રીપ્ટીંગ, નેટ સર્ફિંગ, ટેલિવિઝન અને ઘરના નાના-મોટા કામમાં સમય ફાળવું છું. પ્રવચનો મારી દ્રષ્ટિએ બહુ મહત્ત્વપૂર્ણ છે. ભારતના જન-સામાન્ય સુધી માત્ર બોલીને જ પહોંચી શકાય.
પ્રશ્નઃ તમે કોલમિસ્ટ તરીકે ઘણી ખ્યાતિ મેળવી છે, પણ સાહિત્યમાં તમે પ્રવેશ શા માટે નથી કર્યો? જ્યારે અગાઉના મોટાભાગના ગુજરાતી કોલમિસ્ટો વિખ્યાત સાહિત્યકાર રહી ચૂક્યા છે.
જયઃ હવે હું સાહિત્યમાં પણ પ્રવેશ કરીશ. બે નવલકથાના પ્લોટ વિચારી રાખ્યા છે. એક યુરોપિયન ફિલ્મ પર આધારિત પ્લોટ છે. પણ લખવાનો સમય મળતો નથી. હું એક નવલકથા લખું એટલા સમય અને શક્તિમાં આઠ-દસ લેખ લખી શકાય. જોકે આ વર્ષે એક નવલકથા લખવાનું ચાલુ કરીશ, જે લઘુનવલ રહેશે.
પ્રશ્નઃ સરસ. તમારા પ્રવેશથી લઇને આજ સુધીના ગુજરાતી કોલમ જગતમાં તમારા કારણે કોઇ બદલાવ આવ્યો હોય એવું લાગે છે?
જયઃ બિલકુલ. વેલેન્ટાઇન-ડે અને ફ્રેન્ડશીપ-ડે વિશે સૌથી પહેલાં મેં જ લખવાની શરૂઆત કરી. જોકે મારી શરૂઆત બાદ પણ બે-ત્રણ વર્ષ સુધી તેના વિશે ખાસ કોઇ લખતું નહોતું, પણ હવે તમે જોઇ શકો છો કે આ બંને દિવસો વિશે ગુજરાતી અખબારો પાનાં ભરે છે. વળી, જયેશ અધ્યારુ, વિરલ વસાવડા, જ્વલંત છાયા, જયેશ વાછાણી અને કુલદીપ મણિયાર જેવા મારા કેટલાક વાચકો પણ લેખક બન્યાં.
પ્રશ્નઃ તમને પોતાને ગમતા લેખકો...
જયઃ નગીનદાસ સંઘવી, નગેન્દ્ર વિજય, હસમુખ ગાંધી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય મારા પ્રિય લેખકો છે. તે ઉપરાંત કાન્તિ ભટ્ટ પણ ગમે છે, ખાસ કરીને 40 વર્ષથી દરરોજ એક વેખ લખવાની તેમની ક્ષમતા અદભૂત લાગી છે. હાલના કોલમિસ્ટમાં દીપક સોલિયા શ્રેષ્ઠ લાગે છે. હ્યુમરમાં અશોક દવે પ્રિય છે.
પ્રશ્નઃ જય વસાવડાને સૌથી વધુ ગમતી ફિલ્મો...
જયઃ સેંકડો ફિલ્મો પસંદ છે. પણ ટાઇટેનિક, સ્ટારવોર સિરિઝ, દિલ સે, યુગપુરુષ, સત્યકામ, અગ્નિપથ, ટુ બી ઓર નોટ ટુ બી, હિચ, હેરાફેરી બહુ પસંદ છે, આ સિવાય પણ અનેક ફિલ્મો જેવી કે વેનસ્ડે, યે હૈ મુંબઇ મેરી જાન, ધ ફોલ, ઓપન યોર આઇઝ, ધ એપાર્ટમેન્ટ (ઇટાલિયન ફિલ્મ), પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન, લમ્હેં, હમ દિલ દે ચૂકે સનમ અને સાંવરિયા પણ મનપસંદ છે.
પ્રશ્નઃ મનપસંદ ગીતો...
જયઃ રહેમાનના લગભગ તમામ ગીતો ઉપરાંત હર કિસીકો નહીં મિલતા યહાં પ્યાર, પરદેશનું નહીં હોના થા, તાલનું ઇશ્ક બિના, રંગીલાનું ક્યા કરે ક્યા ના કરે, પ્રિયતમાનું કોઇ રોકો ના દિવાને કો, રેડ રોઝનું કિસકી સદાયેં, કુરબાનીનું હમ તુમ્હે ચાહતે હૈ ઐસે, ઉપકારનું કસ્મે વાદે, સીઆઇડીનું લે કે પહેલા પહેલા પ્યાર અને અમરપ્રેમનું કુછ તો લોગ કહેંગે...લિસ્ટ પૂરું થાય એમ નથી.
પ્રશ્નઃ ગુજરાતના 15 લાખથી વધુ વાચકો સુધી પહોંચતા જય વસાવડાને હવે ગોંડલ નાનું સેન્ટર નથી લાગતું?
જયઃ મને ઘણી વખત રાજકોટ સ્થાયી જઇ જવાનો વિચાર આવ્યો છે, પણ રાજકોટ બહુ મોંઘું શહેર છે. જોકે એક વાત નક્કી છે કે હું વહેલો-મોડો રાજકોટ શિફ્ટ થઇ જઇશ કારણ કે મને એ શહેર ગમે છે, શહેર અને ગામડાંનું એ મિશ્રણ છે.
પ્રશ્નઃ જો તમને ભારતમાં ત્રણ બાબતો બદલવાની સત્તા આપવામાં આવે તો કયા બદલાવ લાવો?
જયઃ સૌપ્રથમ તો છોકરા-છોકરીના લગ્નમાં વડિલોની દખલગીરી અટકાવું, કારણ કે તેના કારણે ઘણી હત્યાઓ અને આત્મહત્યાઓ થાય છે અને ઘણાની લાગણી દુભાય છે. બીજું, ઓપન એક્સપ્રેશન ઓફ સેક્સ્યુઆલિટીનો સ્વીકાર કરાવું, કારણ કે એ દુનિયાના અનેક દેશોમાં સ્વીકાર્ય છે અને તેમ છતાં ત્યાં કાંઇ આપણા કરતાં વધુ ગુન્હા થતા નથી. ત્રીજું, આપણે ત્યાં જે Lack of innovation છે તે બદલું, એક સમયે આપણે ત્યાં નવા વિચારો સ્વીકારવામાં વધુ ઉદારતા હતી, પણ આજે નથી રહી, જે અફસોસજનક છે.
પ્રશ્નઃ તમે ક્યારે લગ્ન કરશો?
જયઃ એ હું એકલો તો કઇ રીતે કહી શકું? લગ્ન બે વ્યક્તિ વચ્ચે જ શક્ય બને છે અને હાલની આર્થિક મંદીના સમયમાં જનાનખાનું બનાવવું ના પોસાય. જોકે હું ગમે ત્યારે લગ્ન કરી નાંખું એ નક્કી છે.
પ્રશ્નઃ ભારતના યુવાન પાસે શું નથી?
જયઃ ડેપ્થ. માત્ર ઊર્જાથી બધું ના થઇ શકે. કોઇપણ વિષયમાં ઊંડા ઉતરવામાં આપણા યુવાનો પાછળ પડે છે. વળી, ગુજરાતી યુવાનનના જીવનમાં તો નાણાં સિવાય બીજું કાંઇ નથી. અહીં સફળતાની વ્યાખ્યા માત્ર પૈસા જ છે. આનંદ અને સફળતા માટે બીજી ઘણી બાબતો જરૂરી છે.
પ્રશ્નઃ તમારા જીવનનું લક્ષ્ય શું છે?
જયઃ જલસા. સર્જન અને મનોરંજન. જલસાને જીવનનું અલ્ટિમેટ ગોલ ગણીને બીજા શોર્ટ-ટર્મ ગોલ પ્રાપ્ત કરવાના, પણ લક્ષ્ય તો જલસા જ. જીવવાની મજા આવવી જોઇએ બસ.
ડિયર રિડર, ગુજરાતનો કદાચ એકમાત્ર લેખક, જેના મોબાઇલમાં 3,664 વાચકોના નંબરો 'સેવ' કરેલા છે, તેવા જય વસાવડા સાથેની મુલાકાતના અંતે એ જાણીને આનંદ થયો કે તેમાં મારો મોબાઇલ નંબર પણ 'સેવ' છે. વળી, મનગમતી ફિલ્મો અને ગીતો વિશે જેને પૂછવું ગમે અને જવાબમાં જે આટલી લાંબી યાદી આપે તેવો બીજો ગુજરાતી લેખક મળવો પણ મુશ્કેલ છે. જો કે હવે આપણે પ્રતિક્ષા કરવાની છે જય વસાવડાની લઘુ નવલની. વેઇટ ફોર ઇટ...