Tuesday, July 30, 2013

સોનું, સીએડી, સરકાર અને સમાજઃ સરેરાશ ભારતીયની વિમાસણ!

-પરાગ દવે
સમજદાર સરેરાશ ભારતીય સામે મોટી સમસ્યા છે. દેશનો બુદ્ધિજીવી વર્ગ દ્રઢપણે માનવા લાગ્યો છે કે સરેરાશ ભારતીયનો સોના પ્રત્યેનો મોહ દેશના અર્થતંત્ર માટે જોખમી છે. જોકે સરેરાશ ભારતીય માટે એ બાબત સમજવી મુશ્કેલ છે કે સંકટ સમયની સાંકળ ગણાતું સોનું જ કઇ રીતે સંકટ બની શકે?

છ-સાત વર્ષ પહેલાંથી સોનાના ભાવમાં એક તરફી તેજી શરૂ થઇ અને 10 ગ્રામ સોનાના ભાવ જ્યારે 2009માં આશરે રૂ. 16,000 પર પહોંચ્યા ત્યારે પોતે દિગ્મુઢ થઇ ગયો હતો અને તેની ગૃહિણી પણ એટલું "મોંઘું" સોનું ખરીદવાની હામ ગુમાવી ચૂકી હતી, એ વાતો આજે સરેરાશ ભારતીય યાદ કરે છે અને પત્નીને કહે છે કે આપણે સોનું ખરીદી શકીએ તેમ હતા પરંતુ હિંમત નહોતી.

હકિકતે, આજે સરેરાશ ભારતીયના ઘરે મહત્ત્વની "મિટિંગ" ચાલી રહી છે. તેની પુત્રીના ડિસેમ્બર માસમાં લગ્ન લેવાયા છે અને સોનાના ભાવમાં પ્રિમિયમ ચાલે છે. સરેરાશ ભારતીયનો પુત્ર કોલેજના પ્રથમ વર્ષમાં છે અને કોમર્સ કોલેજમાં તેના પ્રોફેસરે ભારત સરકારની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી) અને તેમાં સોનાના ફાળા અંગે તાજું જ સમજાવ્યું હોવાથી તે ઉત્સાહથી જણાવી રહ્યો હતો કે ભારતીયોએ પીળી ધાતુંનો મોહ દૂર કરવો જોઇએ કારણ કે તેના કારણે આપણું અર્થતંત્ર ગંભીર મુશ્કેલીમાં સપડાયું છે અને ડોલર સામે રૂપિયો 60ના સ્તરે પહોંચી ગયો છે. આપણા સરેરાશ ભારતીયએ તેની વાત એટલા જ ધ્યાનથી સાંભળી, જેટલા ધ્યાનથી તેમણે નાણાંમંત્રીની સોનું નહીં ખરીદવાની અપીલ સાંભળી હતી.

ત્યાં તો બાજુના સોફા પર બેઠેલી પુત્રી તેના ટેબ્લેટ પર કંઇક વાંચવા લાગીઃ "2009ના નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ અંદાજે 400 ટન સોનું વેચવાની યોજના ધરાવતી હતી અને આરબીઆઇએ 1,054 ડોલર પ્રતિ ઔંસના તે સમયના આંતરરાષ્ટ્રીય ભાવે 200 ટન સોનું ખરીદ્યું હતું, જેની કુલ કિંમત આશરે 7 અબજ ડોલર (તત્કાલિન ડોલર મૂલ્ય મુજબ લગભગ રૂ. 31,500 કરોડ) થઇ હતી. ઉલ્લેખનિય છે કે 2008-09માં ચીન, રશિયા, ફિલિપિન્સ સહિતના દેશોએ તેમના કુલ રિઝર્વમાં સોનાનું પ્રમાણ નોંધપાત્ર વધાર્યું હતું અને ચીને તેના સોનાના રિઝર્વમાં એ એક જ વર્ષમાં વજનની દ્રષ્ટિએ લગભગ 75 ટકાનો ઉમેરો કર્યો હતો. જોકે ભારતના કુલ ભંડોળમાં સોનાનો હિસ્સો 1994માં 20.86 ટકા હતો તે 2009માં ઘટીને માત્ર 3.7 ટકા હતો....જો એ વખતે એટલું બધું -આખા વર્ષમાં લગભગ 900 ટન સોનું ખરીદવાથી પણ સીએડી કાબૂ બહાર નહોતી, તો મારા લગ્ન વખતે પાંચ-છ તોલા સોનું ખરીદવાથી દેશ ડૂબી જશે?" પુત્રીના ચહેરા પર પીળી ધાતું કરતાંય વધુ તેજ આવી ગયું હતું.

સરેરાશ ભારતીય ફરી દિગ્મૂઢ થઇ ગયો. ઘડીભર તેને પોતાના હોંશિયાર સંતાનો પર ગર્વ થયો, જેઓ ટેક્નોલોજીનો સદઉપયોગ કરે છે...પરંતુ ગર્વ બે ઘડીમાં ગળી ગયો, જ્યારે તેને યાદ આવ્યું કે ત્રણ મહિના પહેલાં 10 ગ્રામનો સિક્કો ખરીદવાના બદલે પુત્રીએ આ ઇમ્પોર્ટેડ ટેબ ખરીદવાની જીદ કરી હતી. તેને વિચાર આવ્યો કે આ ટેબ ઇમ્પોર્ટ કરવાથી સીએડી વધે કે નહીં?

ત્યાં જ સરેરાશ ગૃહિણીએ તેની સદાબહાર યાદદાસ્તનો વધુ એક પુરાવો આપતા કહ્યું કે,  "હા, એ મોટી બેન્કે સોનું ખરીદ્યું પછી 20-25 દિવસમાં તો સોનાનો ભાવ 16,000થી વધીને 18,000 થઇ ગયો હતો. આપણે વિચારતા રહ્યા અને સોનાનો ભાવ વધી ગયો. પછી તો કાયમ ડરતાં-ડરતાં થોડું થોડું સોનું ખરીદ્યું છે. જો ત્યારે હિંમત કરીને એકસામટું સોનું લઇ લીધું હોત તો આજે આ મિટિંગ બોલાવવાની જરૂર ના રહી હોત."
સરેરાશ ભારતીય ફરી વિચારવા લાગ્યો કે તેના કેટલા બધા પરિચિતો રૂ. 16,000 કે 18,000 કે 20,000ના ભાવે સોનું ખરીદી લાવ્યા હતા. એ બધા એમ માનતા હતા કે ભાવ વધશે જ અને નહીં વધે તો પણ સોનું છે, અડધી રાત્રે કામ લાગશે.

પુત્રી તેના ટેબ પર કંઇક નવું શોધી લાવી હતી અને તે સંભળાવવા ખોંખારો ખાધો એટલે સરેરાશ ભારતીયએ વિના પ્રયત્ને તેને સાંભળવા કાન સરવા કર્યા.

"1991માં ભારતે જ્યારે સૌથી આકરી આર્થિક કટોકટીનો સામનો કર્યો હતો ત્યારે ડચકાં ખાતાં વિદેશી ભંડોળને ઓક્સિજન આપવાના પ્રયાસ તરીકે દેશે યુનિયન બેન્ક ઓફ સ્વિટ્ઝર્લેન્ડ અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડમાં 67 ટન સોનું ગિરવે મૂકીને 605 મિલિયન ડોલર મેળવ્યા હતા, જે માત્ર બે અઠવાડિયાની આયાતને પહોંચી વળવા જેટલું ભંડોળ હતું. જોયું ને, સરકાર પોતે તીજોરી તળિયાઝાટક દેખાય ત્યારે સોનાના સહારે દેશ ટકાવે છે અને આપણને સોનું ના મળે એટલે ઇમ્પોર્ટ ડ્યૂટી વધારે છે ને પાછી આયાત મુશ્કેલ બનાવે છે?"

તેણે આગળ ચલાવ્યું કે પપ્પા, આ ભાઇ કોલેજમાં જે બાઇક લઇને જાય છે તેને ચલાવવા જે ઇંધણ વપરાય છે એ પણ આયાત જ થાય છે અને તેનો ઉપયોગ ઘટાડવા કેમ કોઇ પગલાં લેવાતા નથી.

સરેરાશ ભારતીયના દિમાગમાં ચમકારો થયો કે વાત તો સાચી, કેમ કે પુખ્ત લોકો કામસર વાહનોનો ઉપયોગ કરે એ બરાબર પણ કિશોરો જેટલા મોટા પ્રમાણમાં ઇંધણનો ઉપયોગ કરે છે તેની આયાત તો સીધી ધૂમાડો જ બને છે, જ્યારે સોનું તો સોનું છે ને. પણ ફરી તેને લાગ્યું કે આટલા મોટા મંત્રીઓ માત્ર સોનું ખરીદવાની ના પાડે છે તો સોનામાં કંઇક તો ગરબડ હશે જ.

વચલો રસ્તો કાઢતાં તેણે કહ્યું કે અત્યારે આપણે દિકરીને ત્રણ-ચાર તોલા સોનું આપીએ અને વેવાઇને કહીશું કે દેશની સીએડી કાબૂમાં આવે અને એક વખત સરકારના મંત્રીઓ કહે કે સોનું ખરીદવામાં વાંધો નથી પછી બીજું સોનું આપીશું...

હજુ એ વાત પૂરી કરે એ પહેલાં તો સરેરાશ ગૃહિણીએ ઓલ-ટાઇમ હાઇ છણકો કર્યો કે નવું સોનું ખરીદવાની તમારી તાકાત ના હોય તો મારા બધા દાગીના ગાળીને દિકરીને આપી દઇશ...

વેવાઇનું કુટુંબ તો સંસ્કારી હતું અને કરિયાવર લેવાની જ ના પાડી હતી, પરંતુ સરેરાશ ભારતીયએ જ તેમને આગ્રહપૂર્વક કહ્યું હતું કે મારી દિકરીને સોનું આપવું તો મારી ફરજ છે...એ વાત યાદ આવતા ફરી ગૃહિણીએ કહ્યું કે તમે જ ખાતરી આપી હતી એ યાદ કરો...

યાદ આવ્યું, તેને યાદ આવ્યું. પરંતુ પુત્રનું કોલેજનું તાજું લેક્ચર હજી બાકી હતું. તેણે ટેબધારી બહેન સામે જોઇને કહ્યું કે સોનું ખરીદાયા બાદ તે ભારતના ઘરો અને લોકરોમાં સદીઓ માટે બંધ થઇ જાય છે અને ક્યારેય બહાર આવતું નથી અને તે નાણાં આપણા અર્થતંત્રમાં ઉપયોગમાં આવવાના બદલે વિદેશોમાં ઠલવાઇ જાય છે....

ગૃહિણીએ તરત જ કહ્યું કે આટલા નાણાં સાથે વધુ 10 તોલાના પૈસા વિદેશોમાં ભલે ઠલવાઇ જતા, પણ લગ્ન વખતે સીએડી અને સરકારને આગળ ધરીને સોનું ના આપીએ તો હંમેશા માટે સમાજ આપણી ઠકડી ઊડાવે એ કોલેજમાં નથી કહ્યું?

સરેરાશ ભારતીય જોઇ શક્યો કે સમાજના ડરથી કોમર્સ સ્ટુડન્ટના વિચારોને ઉગતા જ ડામી દેવામાં આવ્યા.
છેવટે તેણે ઝડપથી પહેલાં પાંચ તોલા સોનું ખરીદવાનું નક્કી કર્યુ, કારણ કે સોનાની આયાત સરકારે મુશ્કેલ બનાવી હોવાથી સોના પરનું પ્રિમિયમ તહેવારોમાં વધવાની ચેતવણી તેના સોનીએ આપી હતી. સોનીએ તેને બાંહેધરી આપી કે રામાયણ કાળથી આ દેશમાં સોનાના મૃગ કે સોનાની વિંટીઓનો મોહ છે અને આ દેશ વિશ્વમાં સૌથી જૂનો છે, ભલભલી મુશ્કેલીઓ સામે ટક્યો છે અને સીએડી સામે પણ ટકશે...