Thursday, August 17, 2017

મહિને રૂ. ૯૦,૦૦૦ કમાતા પારસીને સબસિડાઇઝ્ડ મકાન મળી શકે!



-પરાગ દવે

આખા દેશમાં માત્ર ૫૭,૦૦૦ની વસ્તી હોવા છતાં પારસીઓએ ક્યારેય ભારતમાં પોતે ભયથી કાંપતા હોવાનું કહ્યું નથી. આજે દેશમાં સૌથી નાની લઘુમતિ એવા પારસીઓનું નવું વર્ષ મનાવાઇ રહ્યું છે ત્યારે દેશની વસ્તીમાં લઘુત્તમ અને વિકાસમાં મહત્તમ પ્રદાન આપનારા પારસીઓની ખાસિયતો અને દેશમાં તેમનું યોગદાન જાણવું રસપ્રદ રહેશે. પારસીઓ એટલા સફળ છે કે આપણને એમ થાય કે આવતા જન્મે ભગવાન પારસી બનાવે તો સારું...
લગભગ ૧,૨૦૦ વર્ષ પહેલાં આરબોએ પર્શિયા જીતી લીધું ત્યારે પોતાની ઝોરાસ્ટ્રિયન આસ્થાને ધાર્મિક આક્રમણથી બચાવવા માટે પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા અને ત્યારથી ઉદવાડા ખાતે પારસીઓનો પવિત્ર અગ્નિ આ સાવ નોખી પ્રજાની આસ્થાનું કેન્દ્ર છે. સમય વિતતા પર્શિયનનું ગુજરાતી પારસી થઇ ગયું.  પારસીઓએ ગુજરાતમાં પ્રવેશ વખતે દૂધમાં સાકરની જેમ ભળી જવાનું વચન આપ્યું હતું. અનોખા પારસીઓ માટે ભારતભરમાં આદરભાવ છે તેનું કારણ એ છે કે તેમણે પોતાનું એ વચન પાળી બતાવ્યું છે અને તમામ ક્ષેત્રોમાં પારસીઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ અને ‘ગુણવંતી ગુજરાત’ જેવા કાવ્યો પણ પારસી કવિ અરદેશર ખબરદારની કલમે રચાયા છે. 
૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં પારસીઓની સંખ્યા ૬૯,૬૦૧ હતી તે ૨૦૧૧માં ઘટીને ૫૭,૨૬૪ થઇ ગઇ હતી. પારસીઓની વસ્તી વધારવા માટે અભિયાન ચાલી રહ્યું છે પરંતુ મૃત્યુદરને સમકક્ષ જન્મદર લાવતા જ એક દાયકો લાગે તેવી સંભાવના છે. ૧૦માંથી એક સ્ત્રી અને પાંચે એક પુરુષ ૫૦ વર્ષની ઉંમર સુધી અવિવાહિત રહે છે. દર નવ પારસી કુટુંબે માત્ર એક કુટુંબમાં ૧૦ વર્ષથી ઓછી ઉંમરનું બાળક છે એવું અભ્યાસમાં જાણવા મળ્યું છે. ૨૦૧૩ના વર્ષમાં કુલ ૭૩૫ પારસીના મૃત્યુ સામે માત્ર ૧૭૪ નવા પારસી બાળકો જન્મ્યા હતા અને આ જન્મ સંખ્યા ૨૦૧૨ કરતાં લગભગ ૧૩.૫૦ ટકા ઓછી હતી. દરેક વસ્તી ગણતરીમાં ભારતની વસ્તીમાં સરેરાશ ૨૧ ટકા વૃદ્ધિ સામે પારસીઓની જનસંખ્યા લગભગ ૧૨ ટકા જેટલી ઘટતી રહી છે. પારસીઓમાં આંતર્લગ્નનું પ્રમાણ ૩૮ ટકા છે અને તેમાં વધારો થઇ રહ્યો છે. પારસીઓની વસ્તી ચિંતાજનક રીતે ઘટી ગઇ છે ત્યારે એ બાબત પણ ધ્યાનમાં લેવી જોઇએ કે જો પિતા પારસી હોય તો જ બાળકને પારસી ગણવામાં આવે છે (ફારુખ શેખ અને ફરહાન અખ્તર એ બંનેના કિસ્સામાં માતા પારસી અને પિતા મુસ્લિમ હતા). પારસી સમાજની બહાર લગ્ન કરનારી સ્ત્રીના સંતાનોને પારસી ગણવામાં આવતા નથી અને તેને કેટલીક મહિલાઓ અને નિષ્ણાતો ભેદભાવપૂર્ણ પરંપરા ગણે છે. પારસીઓમાં પિતરાઇઓ વચ્ચે લગ્ન સામાન્ય બાબત છે પરંતુ તેના કારણે સ્વાભાવિક રીતે આનુવંશિક રોગોનો પણ ભય છે. 
અત્યંત સમૃદ્ધ પારસીઓના ટ્રસ્ટના ભંડોળનું સંચાલન કરતી બોમ્બે પારસી પંચાયતે ૨૦૧૨માં ‘ગરીબ’ પારસીઓ માટે સબસિડાઇઝ્ડ હાઉસિંગની લાયકાત નક્કી કરી હતી તે મુજબ પ્રતિ માસ ~૯૦,૦૦૦થી ઓછી આવક ધરાવતા કુટુંબને રાહત દરે મકાન મળી શકે છે! 
પ્રથમ ભારતીય ફિલ્ડ માર્શલ અને ૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાનના દાંત ખાટાં કરી દેનારા સામ માણેકશા એવા પારસી હતા કે જેણે સમગ્ર હિન્દુસ્તાનને ગૌરવાન્વિત કરી દીધું! સામ માણેકશા જ નહીં, ભારતની કુલ વસ્તીના ૦.૦૦૬ ટકા પારસીઓએ દેશના સર્વોત્તમ ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, શિક્ષણશાસ્ત્રીઓ, કલાકારો આપ્યાં છે. ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સના સર્વોચ્ચ હોદ્દાઓ પર વીર પારસીઓ પોતાની છાપ છોડી ગયા છે.
સર કોવસજી જેહાંગીર રેડીમની ૧૯મી સદીમાં વિખ્યાત બિઝનેસમેન હતા અને મુંબઇના પ્રથમ ઇન્કમટેક્સ કમિશનર તરીકે તેમણે ભારતમાં આ નવી કરવેરા પદ્ધતિ સફળ બનાવી હતી. ટાટા પરિવારથી લઇને વાડિયા, ગોદરેજ અને પાલોન્જી મિસ્ત્રીએ ઉદ્યોગજગતમાં પારસીઓના ધ્વજને ઊંચો ફરકતો રાખ્યો છે. ૧૬૨ વર્ષ અગાઉ બ્રિટનમાં પ્રથમ ભારતીય વેપાર સાહસ કરનારા ગુજરાતી પારસી શેઠ કમાજીવાલા હતા. સુરતના નવરોઝજી રુસ્તમજી ઇસ.૧૭૨૩માં કાયદાકીય કામ માટે બ્રિટન ગયા હતા અને બ્રિટન જનારા તેઓ પ્રથમ ભારતીય ગણાય છે. ફ્રેની જીનવાલા દક્ષિણ આફ્રિકામાં નેલ્સન મંડેલાના સાથીદાર હતા અને સાત વર્ષ સુધી દક્ષિણ આફ્રિકાની સંસદના સ્પિકર રહ્યા હતા. 
ક્રિકેટ વિશ્વમાં ફારુક એન્જિનિયર, નરિ કોન્ટ્રાક્ટર, પોલી ઉમરીગરના નામ આદરથી લેવાય છે તો ફિલ્મ ક્ષેત્રે પારસીઓનો ડંકો વાગતો રહ્યો છે. ૪૦’ અને ૫૦’ના દાયકામાં ઐતિહાસિક ફિલ્મો દ્વારા બોલિવુડ પર રાજ કરનારા એક્ટર-પ્રોડ્યુસર સોહરાબ મોદીએ ફિલ્મ ક્ષેત્રે સર્વોચ્ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવ્યો હતો. જ્હોન અબ્રાહમ, બોમન ઇરાની અને ફરહાન અખ્તરે પણ પોતાનો આગવો વિશાળ ચાહકવર્ગ ઊભો કર્યો છે. યુટીવીના સ્થાપક અને સીઇઓ રોની સ્ક્રુવાલા, કોરિયોગ્રાફર શિઆમક દાવર, સંગીતકાર વી બલસારાએ પણ નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. હોમાઇ વ્યારાવાલા ભારતના પ્રથમ મહિલા ફોટોગ્રાફર હતા.

No comments:

Post a Comment